દુષ્કર્મ:દિલ્હીથી વડોદરા આવેલી મામાની દીકરીને કેફી પીણું પીવડાવી પિતરાઇ ભાઇએ દુષ્કર્મ આચર્યુ, યુવતી પરિવારને નરાધમે કહ્યું: 'આપ કી બહેન મેરે લીયે ખીલોના હૈ'

વડોદરા2 મહિનો પહેલા
  • નરાધમે દુષ્કર્મ આચર્યા બાદ યુવતીને મરી જવાની ધમકી આપી અને લગ્ન કરવાની લાલચ આપી
  • યુવતીએ પતિને છૂટાછેડા આપ્યા બાદ યુવકે તેની સાથે લગ્ન કરવાનો ઇન્કાર કરી દીધો
  • યુવતીએ દિલ્હીના પોલીસ સ્ટેશનમાં આપેલી ફરિયાદ વડોદરાના ગોત્રી પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર થઇ

દિલ્હીથી ફરવા માટે વડોદરા આવેલી મામાની દીકરીને લગ્નની લાલચ આપીને હોટલમાં લઇ જઇ કેફી પીણું પીવડાવી દુષ્કર્મ આચરનાર યુવાન સામે ફરિયાદ નોંધાઇ છે. પીડિતાએ ફરિયાદમાં આક્ષેપ કર્યો છે કે, લગ્નની વાતને લઇ વડોદરા ગયેલા ભાઇ-ભાભીને ફોઇના પુત્રએ જણાવ્યું કે, 'આપ કી બહેન મેરે લીયે ખીલોના હૈ, ઉસકે સાથે મેરેજ નહીં કરૂંગા'. પોલીસે પીડિતાની ફરિયાદના આધારે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દીલ્હીથી યુવતી ફોઇના ઘરે આવી હતી
દિલ્હી પોલીસ સ્ટેશનમાંથી ટ્રાન્સફર થઇને વડોદરા શહેરના ગોત્રી પોલીસ મથકમાં આવેલી ફરિયાદની વિગતો એવી છે કે, દિલ્હીની રહેવાસી ઉચ્ચ શિક્ષિત નિતા(નામ બદલ્યું છે) માર્ચ-2021માં વડોદરા ગોત્રી વિસ્તારમાં રહેતા ફોઇના ઘરે આવી હતી. પરિણીત નિતા અને તેના ફોઇનો દીકરો અનિલ બંને એકબીજાથી સારી રીતે પરિચીત હતા. જોકે, નિતા અને તેના પતિ વચ્ચે ખટરાગ ચાલતો હતો અને બંને એકબીજાથી છૂટા પડવા માગતા હતા.

મામાની દીકરીને લગ્નની લાલચ આપીને હોટલમાં લઇ જઇ કેફી પીણું પીવડાવી દુષ્કર્મ આચરનાર યુવાન સામે ફરિયાદ (પ્રતિકાત્મક તસવીર)
મામાની દીકરીને લગ્નની લાલચ આપીને હોટલમાં લઇ જઇ કેફી પીણું પીવડાવી દુષ્કર્મ આચરનાર યુવાન સામે ફરિયાદ (પ્રતિકાત્મક તસવીર)

હોટલના રૂમમાં કેફી પીણું પીવડાવી દુષ્કર્મ આચર્યું
અનિલ, નિતાને તેના પતિ સાથે ખટરાગ ચાલતો હોવાની વાતથી પરિચીત હતો. જેથી વડોદરા આવેલી નિતાને લગ્નની લાલચ આપી જેતલપુર રોડ આવેલી એક હોટલમાં લઇ ગયો હતો અને હોટલના રૂમમાં કેફી પીણું પીવડાવી દુષ્કર્મ આચર્યું હતું. અનિલે દુષ્કર્મ આચર્યા બાદ હોશમાં આવેલી નિતાએ બુમરામ મચાવતા અનિલે મોંઢુ દબાવી જણાવ્યું કે, તું આ વાત કોઇને કરીશ તો હું મરી જઇશ. હું તારી લગ્ન કરીશ. તું દિલ્હી જઇને તારા પતિ સાથેથી છૂટાછેડા લઇ લે. તેમ જણાવી અનિલ નિતાને ધમકાવીને પોતાના ઘરે લઇ ગયો હતો. ઘરે ગયા બાદ અનિલની માતાએ નિતાને જણાવ્યું કે, તારી સાથે અનિલ લગ્ન કરશે. હાલ તું દિલ્હી ચાલી જા.

યુવકે યુવતી સાથે લગ્ન કરવાનો ઇન્કાર કર્યો
અનિલ નિતાને દિલ્હી મૂકવા ગયો હતો અને નિતાના માતા-પિતાને જણાવ્યું કે, નિતાના તેના પતિ સાથે છૂટાછેડા લઇ લો. હું નિતા સાથે લગ્ન કરીશ. અમે બંને રાજીખુશીથી રહીશું. અનિલે લગ્ન કરવાની તૈયારી બતાવતા નિતાએ તેના પતિ સાથે છૂટાછેડા લઇ લીધા હતા. નિતાએ છૂટાછેડા લીધા બાદ અનિલે નિતાને કહ્યું કે, હવે હું તારી સાથે લગ્ન કરીશ નહીં. અનિલે લગ્ન કરવાનો ઇન્કાર કરી દેતા, નિતાના ભાઇ અને ભાભી વડોદરા અનિલ અને તેના પરિવારજનોને સમજાવવા માટે આવ્યા હતા. ત્યારે અનિલે નિતાના ભાઇ-ભાભીને કહ્યું કે,"આપકી બહન મેરે લીયે એક ખીલોના હૈ'

યુવતીએ દિલ્હીના પોલીસ સ્ટેશનમાં આપેલી ફરિયાદ વડોદરાના ગોત્રી પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર થઇ(પ્રતિકાત્મક તસવીર)
યુવતીએ દિલ્હીના પોલીસ સ્ટેશનમાં આપેલી ફરિયાદ વડોદરાના ગોત્રી પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર થઇ(પ્રતિકાત્મક તસવીર)

યુવકની માતાએ નાણાં આપવાની ઓફર કરી
આ ઉપરાંત અનિલની માતાએ નિતાના ભાઇ-ભાભીને જણાવ્યું કે, અનિલથી ભૂલ થઇ ગઇ છે. તમારે જેટલા નાણાં જોઇએ તેટલા હું આપવા તૈયાર છું. પરંતુ, અનિલ, નિતા સાથે લગ્ન કરશે નહીં. નિતાના લગ્નનું માંગુ લઇને ગયેલા ભાઇ-ભાભી બહેનના લગ્ન માટે અનિલ અને તેના માતા-પિતાએ ઇન્કાર કરી દેતા તેઓ નિરાશ થઇ ગયા હતા અને દિલ્હી રવાના થઇ ગયા હતા.

દિલ્હી પોલીસન ફરિયાદ વડોદરામાં ટ્રાન્સફર થઇ
લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યા બાદ લગ્નનો ઇન્કાર કરી દેનાર અનિલ સામે નિતાએ દિલ્હીમાં પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. જે ફરિયાદ વડોદરાના ગોત્રી પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે અનિલ સામે ગુનો દાખલ કરી કાર્યવાહી ધરી છે.

આપકી બહન મેરે લીયે એક ખીલોના હૈ
રીટાએ અનિલને સમજાવવા તેનાં ભાઈ-ભાભીને વડોદરા મોકલ્યાં તો અનિલે જણાવ્યું કે, ‘આપકી બહન મેરે લીયે એક ખીલોના હૈ’, હું તેની સાથે રમત રમી રહ્યો હતો અને રીટા સાથે લગ્ન નહીં કરું.અનિલના પરિવારે પણ રીટા સાથે અનિલે જે કંઈ કર્યું તેના બદલે રૂપિયા આપવાની ઓફર કરી હતી.