છેડતી:વડોદરામાં ગરબે રમવા ગયેલી પરિણીતાનો હાથ પકડી યુવકે છેડતી કરી, મારામારી કરીને ધમકી આપનાર પરિવારના 4 સભ્યો સામે ફરિયાદ

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • યુવતીના પિતાને ગડદાપાટુનો માર મારીને ધમકી આપી હતી

વડોદરા શહેરના દિવાળીપુરા વિસ્તારમાં પિયરમાં ગરબે રમવા ગયેલી પરિણીતાનો હાથ પકડી છેડતી કરનાર શખસને યુવતીના માતા-પિતાએ ઠપકો આપતા ઉશ્કેરાયેલા યુવક અને તેના પરિવારજનોએ યુવતી અને તેના માતા-પિતાને માર મારી જાતિ વિરૂદ્ધ શબ્દનું ઉચ્ચારણ કર્યું હતું. જેને લઇને ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. જેના આધારે પોલીસે ચારેય શખસો વિરૂદ્ધ છેડતી, મારામારી, ધાક-ધમકીનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

યુવકે યુવતીનો હાથ પકડી છેડતી કરી
વડોદરા શહેરના સમા વિસ્તારમાં રહેતી 25 વર્ષીય યુવતી પતિ તથા બાળક સાથે નવરાત્રિ પર્વ નિમિત્તે પિયર દિવાળીપુરા વીએમસી કવોટર્સ ખાતે પહોંચી હતી. જ્યાં કોમન પ્લોટમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. 15 ઓક્ટોબરના રોજ યુવતી ગરબા રમતી હતી. તે સમયે સાથે ગરબા રમતા રવિ બારીયાએ યુવતીનો હાથ પકડી છેડતી કરી હતી.

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

જાતિ વિરુદ્ધના શબ્દોનું ઉચ્ચારણ કર્યું
આ બનાવ અંગે યુવતીએ માતાને જાણ કરતાં તેમણે રવિ બારીયાને ઠપકો આપ્યો હતો. બીજા દિવસે સાંજના સમયે રવિ તેના પિતા રાજેશભાઇ બારીયા તથા સાહિલ બારીયા અને નીતાબેન બારીયા (તમામ રહે, વીએમસી કવોટર્સ, દિવાળીપુરા, વડોદરા) યુવતીના ઘરે ધસી ગયા હતા અને ભેગા મળી યુવતીના પિતા સાથે ઝઘડો કરી ગડદાપાટુનો માર માર્યો હતો. મદદે દોડી આવેલી માતા-પુત્રીને પણ માર મારીને જાતિ વિરુદ્ધના શબ્દોનું ઉચ્ચારણ કર્યું હતું. તેવી ફરિયાદ યુવતીના પિતાએ નોંધાવી હતી.

ચારેય આરોપી વિરૂદ્ધ છેડતી, મારામારી, ધાક-ધમકીની ફરિયાદ
યુવતીના પિતાની ફરિયાદના આધારે પોલીસે ચારેય આરોપી વિરૂદ્ધ છેડતી, મારામારી, ધાક-ધમકી અને જાતિ અધિનિયમ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે અને આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...