કેનેડામાં ત્રણ કોલેજએ ફંડ ન હોવાથી નાદારી નોંધાવતાં એમાં અભ્યાસ કરતા ગુજરાત સહિતના ભારતીય વિદ્યાર્થીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે ભરૂચની એક એવી વિદ્યાર્થિની સામે આવી છે, જેનો આ કોલેજમાં અભ્યાસ તો અધૂરો રહી ગયો છે, પણ તેની સાથે તે કેનેડા પણ ન જઇ શકી અને લાખો રૂપિયાનો ખર્ચ થયો. વિદ્યાર્થિનીએ આપવીતી વર્ણવતાં કહ્યું હતું કે કોલેજ બંધ થવાથી મારું ભવિષ્ય જોખમમાં મુકાઇ ગયું છે.
કોલેજમાં રૂ. 8 લાખથી વધુ ફી ભરી
ભરૂચમાં રહેતી એલિશા ઉમેશભાઇ પટેલે જણાવ્યું હતું કે મેં કેનેડાના ક્યૂબેક રાજ્યમાં આવેલ શેરબ્રુક શહેરની CDE કોલેજમાં એડમિશન લીધું હતું. આ કોલેજમાં બિઝનેસ મેનેજમેન્ટ કોર્સમાં મને પ્રવેશ મળ્યો હતો અને આ કોર્સ બે વર્ષનો હતો. મેં આ કોલેજમાં 8 લાખ 84 હજાર રૂપિયા ફી ભરી છે અને GCKey (જીસીકી) એકાઉન્ટમાં સાડાપાંચ લાખ રૂપિયા ફી ભરી છે. મેં દોઢ વર્ષ સુધી ઓનલાઇન ક્લાસ આ કોલેજમાં કર્યા છે અને હવે માત્ર છથી સાત મહિનાનો કોર્સ બાકી રહ્યો હતો ને કોલેજ બંધ થઇ ગઇ. અઠવાડિયામાં બે દિવસ ઓનલાઇન ક્લાસમાં ભણવાનું રહેતું હતું, જેમાં મંગળવાર અને બુધવારે સાંજે 5:30 વાગ્યાથી રાતના એક વાગ્યા સુધી ક્લાસ ચાલતા હતા.
બેંચમાં એલિશા એક જ ભરૂચની અન્ય પંજાબના વિદ્યાર્થીઓ
એલિશાએ કહ્યું હતું કે, ક્રિસમશ વેકેશન પડ્યું તે પહેલા સુધી ઓનલાઇન ક્લાસ ચાલતા હતા. પરંતુ આ વેકેશન બાદ 10 જાન્યુઆરીથી ઓનલાઇન ક્લાસ ચાલુ થવાના હતા, પણ કોલેજ બંધ થઇ જતાં ક્લાસ ચાલુ ન થયા. મેં માર્ચ 2020થી કેનેડા જવા માટે પ્રોસેસ શરૂ કરી હતી, પરંતુ કોલેજ બેંકરપ્ટ (નાદાર) થઇ જતાં હું અટવાઇ પડી. મેં મારું એડમિશન વડોદરાના અલકાપુરી વિસ્તારમાં આવેલ કેનમ કન્સલ્ટન્સી દ્વારા લીધું હતું. મારી બેંચમાં હું એક જ ભરુચથી હતી, જ્યારે બીજા બધા પંજાબથી હતા.
પિતાએ લાખો રૂપિયાની લોન લઇ ફી ભરી
એલિશા પટેલે જણાવ્યું હતું કે મારા પિતા એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે. મારા પિતાએ લોન લઇને મારી ફી ભરી છે. કોલેજ બંધ થવાથી મારું ભવિષ્ય જોખમમાં મુકાઇ ગયું છે. મારાં બે વર્ષ પાણીમાં ગયાં. મારી ભારત અને કેનેડા સરકારને વિનંતી છે કે મારા કેસમાં વહેલી તકે ચુકાદો આવે.
બંધ થઇ ગયેલી કોલેજોનાં નામ
રાઇઝિંગ ફોનિક્સ નામની કંપની દ્વારા ચલાવવામાં આવતી ત્રણ કોલેજો બંધ થઇ ગઇ છે, જેમાં M કોલેજ અને CCSQ કોલેજ કેનેડાના ક્યૂબેક રાજ્યના મોન્ટ્રિયલ શહેરમાં આવેલી છે, જ્યારે ત્રીજી CDE કોલેજ મોન્ટ્રિયલ શહેરથી 250 કિલોમીટર દૂર આવેલા શેરબ્રુક શહેરમાં છે. રાઇઝિંગ ફોનિક્સ નામની કંપની છે અને તેની આ ત્રણેય કોલેજ હતી. આ કોલેજોમાં ભારતીય સહિત વિદેશીઓ ટીચિંગ સ્ટાફમાં હતા. હાલ સમગ્ર મામલો કેનેડાની સ્થાનિક કોર્ટમાં ચાલી રહ્યો છે અને તેની આગામી સુનાવણી 28 ફેબ્રુઆરી 2022ના રોજ છે.
બંધ થઇ ગયેલી કોલેજોમાં કયા કયા કોર્સ ચાલતા હતા?
આ કોલેજોમાં બિઝનેસ મેનેજમેન્ટ, નેટવર્ક એડમિનિસ્ટ્રેશન, કોમ્પ્યુટર સપોર્ટ, પ્રોગ્રામિંગ, સપ્લાય ચેઇન મેનેજમેન્ટને લગતા વિવિધ કોર્સ ચાલતા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.