કર્મકાંડી બ્રાહ્મણને 20 લાખ રૂપિયાની મદદ કરવાના બહાને તેનો 1 કરોડ રૂપિયાનો બંગલો લખાવીને પિતા-પુત્રે છેતરપિંડી કરી હોવાનો આરોપ મુકી બ્રાહ્મણની પત્નીએ ગોત્રી પોલીસ મથકમાં છેતરપિંડી-વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી હતી. આ ઠગાઈના કારણે પતિનું મોત થયું હોવાનો આરોપ પણ પત્નીએ ફરિયાદમાં કર્યો છે.
સમા સાવલી રોડ ઉપર આવેલ સિદ્ધાર્થ બંગલોમાં કર્મકાંડી બ્રાહ્મણ નીલેશભાઈ પંડયા રહેતાં હતા. 2017માં આર્થિક સ્થિતિ બગડતાં મિત્ર કાર્તિક ભાવસાર પાસે 20 લાખની મદદ માગતાં તેમણે મિત્ર મહેશ તુલસીદાસભાઈ અડવાની (રહે.મકરપુરા)ની મુલાકાત કરાવી હતી.
મહેશ અડવાનીએ 20 લાખની લોન આપવા નીલેશ પંડયા પાસે દસ્તાવેજો અને ચેકો લઇ પુત્ર ભરતના નામે મકાનનો દસ્તાવેજ કરી રૂા.68 લાખની લોન લઈ લીધી હતી અને 20 લાખ નીલેશ પંડયાને આપ્યા હતા. થોડા સમય બાદ એચડીએફસી બેન્કમાંથી રૂા. 68 લાખ ભરપાઈ કરવાની નોટિસ ચંદ્રિકાબેન અને નિલેશભાઇને મળતાં પોલીસ કમિશનરને ફરિયાદ કરી હતી. તે સમયે મહેશ અડવાનીએ લેખિતમાં બાહેધરી આપી પૈસા ભરશે અને મકાન પરત કરશે તેમ કહ્યું હતું.
રૂપિયા ના ભરતાં આઘાતમાં એક વર્ષ પહેલા હાર્ટ એટેક આવતાં નીલેશ પંડયાનું મોત થયું હોવાનો આરોપ પત્નીએ કર્યો છે. ચંદ્રિકાબેન પંડ્યાએ મહેશ અડવાની અને તેના પુત્ર ભરત અડવાણી સામે ફરિયાદ નોંધાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.