તપાસ:પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાંથી ગૌવંશનો કપાયેલો પગ મળ્યો

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સલાટવાડાની તપાસ પુરી થતાં પહેલાં કારેલીબાગ પોલીસ મથકે અટકચાળાની ચર્ચા
  • FSLની તપાસ બાદ નાશ કરવા લવાયેલા અંગ હોવાનું અનુમાન

કારેલીબાગ પોલીસ મથકના કમ્પાઉન્ડમાં કપાયેલી હાલતમાં ગાયનો મનાતો પગ મળી આવતા ભારે ચકચાર મચી છે. સોમવારે સવારે સલાટવાડા મુખ્ય માર્ગ ઉપર એક પશુનું કપાયેલું માથું મળી આવ્યું હતું, જે ગાયનું માથું હોવાની ચર્ચા શહેરભરમાં હતી. જોકે પોલીસ તપાસમાં કપાયેલું માથુ ભેંસનું હોવાનુ બહાર આવ્યું હતું.

આવું કૃત્ય કોઈ અટકચાળા તત્વોએ શહેરની શાંતિ ડહોળવા માટે કર્યું હોવાનું માની કારેલીબાગ પોલીસે તપાસ હાથ ધરી હતી એવામાં મંગળવારે કારેલીબાગ પોલીસ મથકમાંજ ગાયનો મનાતો કપાયેલો પગ પડયો હોવાની વાત વાયુ વેગે શહેરમાં ફેલાઇ હતી. ત્રણ દિવસ અગાઉ જ બકરી ઈદનો તહેવાર શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયો હતો. દરમ્યાન ગૌવંશની કુરબાની ના થાય એ માટે પોલીસે પગલાં લીધા હતા અને સંવેદનશીલ વિસ્તારના આગેવાનો સાથે બેઠક કરી ચુસ્ત બંદોબસ્ત પણ જાળવ્યો હતો.

કારેલીબાગ પોલીસ પશુના કપાયેલા માથા અંગેની તપાસ પૂર્ણ કરે એ પેહલાં જ આજે બપોરના સમયે ગૌવંશનો મનાતો કપાયેલો પગ કારેલીબાગ પોલીસ મથકના પ્રાંગણમાં જોવા મળ્યો હતો. જેમાં પગનો છેલ્લો ભાગ જેને ખરી કેહવાય છે એની સાથે ગૌવંશને હોય છે એવી ચામડી અને વાળ પણ દેખાઈ આવતાં નજરે જોનારાઓનું એ કપાયેલો પગ ગૌવંશનો હોવાનુ સ્પષ્ટ પણે માનવું છે.

જોકે પોલીસનું માનવું એવું છે કે ગઈ કાલે એફએસએલની તપાસ બાદ નાશ કરવા માટે લવાયેલા કપાયેલા પશુના અંગો હોઈ શકે છે. ખાડો ખોદી આખું મીઠું નાંખી એનો નાશ કરાયો હોવાનું સૂત્રોએ ઉમેર્યું હતું. અત્રે ઉલ્લેખનિય છે કે સલાટવાડામાંથી પશુનું માથુ મળ્યાના બીજા જ દિવસે ફરી આ ઘટના ઘટતાં ફરી અટકચાળુ થયું હોવાની ચર્ચા લોકોમાં વ્યાપી છે.

અન્ય સમાચારો પણ છે...