ભાસ્કર એક્સક્લૂઝિવ:લાલબાગમાં 725 કરોડના ખર્ચે 2 હજાર છાત્ર માટે પ્રથમ ફેઝમાં ગતિશક્તિ યુનિવર્સિટી કાર્યરત થશે

વડોદરાએક મહિનો પહેલાલેખક: અર્પિત પાઠક  
  • કૉપી લિંક
  • દિલ્હીથી આવેલી કમિટીએ શનિવારે 3 બિલ્ડિંગ માટે સરવે કર્યો
  • વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી લાલબાગ કેમ્પસમાં જ હોસ્ટેલ બિલ્ડિંગ બનશે

શહેરના લાલબાગ ખાતે બનનાર દેશની પ્રથમ ગતિશક્તિ વિશ્વ વિદ્યાલય નેશનલ હાઇસ્પીડ રેલ કોર્પોરેશનની 13.5 એકર જગ્યામાં બનાવાશે. દિલ્હીના પ્રોજેક્ટ મેનેજર દ્વારા જણાવ્યા મુજબ રૂા.725 કરોડના ખર્ચે પ્રથમ ફેઝમાં 2 હજાર વિદ્યાર્થીઓ માટે સુવિધા ઊભી કરાશે. યુનિવર્સિટીના કોર્સ યુજીસી દ્વારા માન્યતાથી તૈયાર થતા હોવાથી બીટેક માટે લેબની જરૂર પડશે. આ સાથે વિદ્યાર્થીઓની સુરક્ષા જળવાઈ રહે તે માટે પ્રતાપનગરને બદલે લાલબાગ કેમ્પસમાં જ હોસ્ટેલ બિલ્ડિંગ બનાવવા માટે આયોજન વિચારાયું છે.

જે અંગે સરવે કરવા રેલવે વિકાસ નિગમ કોર્પોરેશનના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર કમલેશ ત્યાગી શનિવારે આવ્યા હતા. એનએઆઈઆર ખાતે ગતિશક્તિ વિશ્વવિદ્યાલય કાર્યરત કરવા માટે રેલવે દ્વારા પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે. શનિવારે દિલ્હીથી આવેલી કમિટીએ લાલબાગ કેમ્પસ સ્થિત નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશનની જગ્યામાં વધુ ત્રણ બિલ્ડિંગ બનાવીને હાલમાં કાર્યરત નેશનલ રેલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટનું એકત્રીકરણ કરવા શક્યતા ચકાસવા તપાસ હાથ ધરી હતી.

શનિવારે દિલ્હીની કમિટી દ્વારા રેલવે વિકાસ નિગમના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર કમલેશ ત્યાગી સાથે બે અધિકારીઓની કમિટી વડોદરા મોકલવામાં આવી હતી. જેમણે આ અંગેની શક્યતાઓ તપાસી તેના ફોટા અને વીડિયો ઉતાર્યા હતા અને હવે સમગ્ર રિપોર્ટ સુપરત કરશે. સૂત્રો મુજબ ત્રણ પ્રકારના બિલ્ડિંગ બનાવવા માટેની શક્યતાઓ ચકાસાઇ હતી.

હયાત રેલ યુનિ.નું બિલ્ડિંગ ડેવલપ થશે
એનઆરટીનું હયાત બિલ્ડિંગ માત્ર એક માળનું જ હોવાથી તેમજ બાજુમાં હોસ્ટેલ બિલ્ડિંગ પણ ખૂબ નાનું હોવાથી તેને ડેવલપ કરી એનએઆઇઆર માટે ઉપયોગમાં લેવાનું આયોજન છે. જેથી અન્ય રાજ્યમાંથી આવતા કર્મચારીઓને તેમાં સમાવી શકાય.

યુનિવર્સિટી, હાઇસ્પીડ અને એનએઆઇઆર મર્જ થશે
નેશનલ હાઇ સ્પીડની સુવિધાઓ પણ અમે ઊભી કરીશું. યુનિવર્સિટી, હાઇસ્પીડ અને એનએઆઇઆર ત્રણેય મર્જ થશે, પરંતુ તે માસ્ટર પ્લાન આવ્યા બાદ સ્પષ્ટ થશે. હાલના તબક્કે યુનિવર્સિટી 725 કરોડના ખર્ચે લાલબાગમાં બનશે તે નક્કી છે. કમલેશ ત્યાગીના રેકમેન્ડેશન મુજબ બદલાવ કમિટી કરશે. - વિવેક કુમાર, જીએમ, સીસી, રેલવે વિકાસ નિગમ લિ., ન્યૂ દિલ્હી

કઈ બિલ્ડિંગ બનશે

  • લેબ માટે
  • એડમિનિસ્ટ્રેશન માટે
  • હોસ્ટેલ બિલ્ડિંગ
અન્ય સમાચારો પણ છે...