દેશની એકમાત્ર ટ્રાન્સપોર્ટ યુનિવર્સિટી ગતિશક્તિ વિશ્વવિદ્યાલય લાલબાગમાં કાર્યરત કરાઈ છે. વડાપ્રધાનના આ ડ્રીમ પ્રોજેક્ટમાં બીબીએ થર્ડ યરના 120 વિદ્યાર્થીના પ્લેસમેન્ટનો પ્રશ્ન ઉકેલાયો નથી. જૂનમાં પરીક્ષા આવનાર છે ત્યારે નવેમ્બર-ડિસેમ્બર સુધી શરૂ થનાર પ્લેસમેન્ટની કાર્યવાહી પૂર્ણ થઈ નથી. અગાઉ આંદોલન કરાયું ત્યારે વિદ્યાર્થીઓને સમજાવી શાંત કર્યા હતા.
સત્તાધીશોને ભવિષ્ય સાથે ચેડાં ન કરવા અને યોગ્ય નોકરી માટે સોમવારે વિદ્યાર્થીઓએ રજૂઆત કરી હતી. જોકે સત્તાધીશો પ્રયત્ન ચાલુ હોવાનું જણાવી વિદ્યાર્થીઓને પરત મોકલી દે છે. ટ્રાન્સપોર્ટેશન અને ટેક્નોલોજીમાં ભણેલા વિદ્યાર્થીઓને સેલ્સમેન જેવી નોકરી ઓફર કરાઈ રહી છે.
વિદ્યાર્થીઓએ આક્રોશ વ્યક્ત કર્યો કે, આંદોલન કરીએ તો કેરિયર બગાડવાની ચીમકી અપાય છે. વીસી ડો.ચૌધરી મળવાનો સમય આપતા નથી. વિદ્યાર્થીઓને માત્ર કેરિયર ડેવલપમેન્ટ કમિટીના 5 પ્રોફેસરો સાથે વાત કરી સંતોષ માનવો પડે છે. તેમની સમક્ષ રજૂઆત કરવાનું બંધ કર્યું હોવાનું વિદ્યાર્થીઓ જણાવી રહ્યા છે.
પ્લેસમેન્ટ નહીં મળે તો ફરી એકઠા થઈશું
બી બી એ થર્ડ ઇયર માં અભ્યાસ કરતા ત્રણ વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે ગઈ વખતે તેમણે યુનિયન સ્થાપવાનો પ્રયત્ન કર્યો હતો ત્યારે યુનિયન લીડર તરીકે આગળ આવેલા વિદ્યાર્થીને ગર્ભીત ચીમકીઓ આપવામાં આવી હતી. જો અમને ટૂંક સમયમાં ફરી યોગ્ય પ્લેસમેન્ટ નહીં મળે તો એકત્ર થઈ આંદોલન કરવું પડશે કેટલાક વિદ્યાર્થીઓ જાતે પણ નોકરી માટે પ્રયત્ન કરી રહ્યા છે.
એર બસના પ્રતિનિધિ સાથે મિટિંગ યોજાઈ
લાલબાગ ખાતે ગતિ શક્તિ વિશ્વવિદ્યાલયમાં આજે એડ બસ કંપનીના પ્રતિનિધિઓ સાથે યુનિવર્સિટી સત્તાધીશો દ્વારા આખો દિવસ મિટિંગ યોજાઈ હતી. મિટિંગમાં પ્લેસમેન્ટ માટે પોસ્ટ ગ્રેજ્યુએશન કરેલા વિદ્યાર્થીઓને સમાવવા ચર્ચા થઈ હોવાનું સૂત્રે જણાવ્યું છે. આ અંગે પૂછતાં તેમણે કોઈ પ્રતિક્રિયા આપવાની ના પાડી હતી. સાંજે 4 વાગ્યા સુધી મીટીંગ ચાલી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.