ધાર્મિક:જૂની પોળ-શેરીઓમાં ગરબાની નવી આભા

વડોદરા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શેરીઓ અને સોસાયટીઓમાં ગરબામાં રમવા એડવાન્સ બુકિંગ, રસીના બંને ડોઝ લનાર સ્થાનિકને જ પ્રાધાન્ય, બહારનાને નો એન્ટ્રી
  • પ્રથમ નોરતે​​​​​​​ 10 વાગ્યા બાદ ગરબાની રમઝટ ફતેગંજમાં રસી સર્ટી જોયા બાદ પ્રવેશ અપાયો

શારદીય નવરાત્રીના પહેલા નોરતે જ સોસાયટી, શેરી અને પોળોમાં યોજાયેલા 400થી વધુ ગરબામાં ખેલૈયાઓ બે વર્ષ બાદ મન મૂકીને ગરબે ઘૂમ્યાં હતાં. જોકે શેરી ગરબામાં માત્ર આસપાસની પોળોમાં રહેતી મહિલાઓ સહિત ખેલૈયાઓને જ પ્રવેશ આપવામાં આવ્યો હતો. જેમાં નવરાત્રીના પહેલાથી જ આસપાસની પોળમાંથી જેણે વેક્સિનના બે ડોઝ લીધા હોય તેમનાં નામ લખી દેવાયા હતાં અને તેમને જ 8 દિવસ ગરબા રમવા આવવાનું આમંત્રણ હતું. શેરી ગરબા પાસે ભીડ ન થાય તે માટે વોલેન્ટિયર રાખવામાં આવ્યાં હતાં.

તાડફળિયા શેરી ગરબાના આયોજક ભૂપેન્દ્ર કાછિયાએ જણાવ્યું હતું કે, અમે આસપાસની પોળના ખેલૈયાઓને જ ગરબા માટે નિમંત્રણ આપ્યું છે. બહારના કોઈ ખેલૈયાઓ ગરબે ઘૂમી શકશે નહીં. આ માટે અમે નવરાત્રીના સપ્તાહ પહેલાંથી જ જેમણે વેક્સિનના બે ડોઝ લીધા હોય તેમનાં નામ લખી દીધાં છે, આ લોકો જ ગરબે ઘૂમી શકશે.

ભીડ ન થાય તે માટે વોલેન્ટિયર ઊભા રહેશે.ફતેગંજ મેઈન રોડ યુવક મંડળના રાજુ અગ્રવાલે જણાવ્યું હતું કે, અમે મોબાઈલમાં વેક્સિનના જે ખેલૈયાઓએ બે ડોઝ મુકાયા હશે તેનું સર્ટિફિકેટ જોયા બાદ તેમને એન્ટ્રી આપીશું. 400ની ક્ષમતા થઈ ગયા બાદ કોઈને એન્ટ્રી નહીં મળે.

રાજમહેલ રોડ પર આવેલા દયાળભાઉના ખાંચાના આયોજક નીતિન પટેલે જણાવ્યું હતું કે, અમે બહારના કોઈ ખેલૈયાઓને એન્ટ્રી નહીં આપીએ. આસપાસની પોળમાંથી ઓળખીતા ખેલૈયાઓ જ ગરબે ઘૂમી શકશે, જે ખેલૈયાઓને વોલેન્ટિયર પણ ઓળખતા હશે.

નવરાત્રીના પ્રથમ નોરતે શહેરમાં વિવિધ સોસાયટી અને પોળોમાં રાતના 10 વાગ્યાથી શેરી ગરબાની રમઝટ જામી હતી. તાડફળિયા, દયાળ ભાઉનો ખાંચો સહિતના શેરી ગરબાની રોનક વર્ષો બાદ પાછી ફરી હતી.

ગાયકો ઘરમાં જ રહી આરાધના કરશે મોટાભાગના સ્થળે સ્પીકર પર ગરબા
કોરોનાને પગલે ચાલુ વર્ષે કોમર્શિયલ ગરબાને મંજૂરી આપવામાં નથી આવી. જેના પગલે યુનાઈટેડ-વે, માં શક્તિ જેવા મોટા ગરબાના અતુલ પુરોિહત, અચલ મહેતા સહિતના ગાયકો ચાલુ વર્ષે ઘરમાં જ રહીને આરાધના કરશે. મોટાભાગની સોસાયટીઓ અને શેરીઓમાં ગરબા સ્પીકર પર વાગશે અને લોકો ગરબે ઘૂમશે. યુનાઈટેડ વેની ગાયિકા કૈરવી બૂચ નવરાત્રી દરમિયાન લંડન ખાતે એનઆરઆઈ ખેલૈયાઓને ગરબે ઘૂમવાશે.

શી ટીમની એન્ટી રોમિયો સ્ક્વોડ રાતના 12 વાગ્યા સુધી સતત પેટ્રોલિંગ કરશે
412 ગરબા સ્થળે મહિલાઓ સાથે છેડતી, ચેઈન સ્નેચિંગ સહિતની પ્રવૃત્તિઓ ન થાય તે માટે શી-ટીમની 24 એન્ટી રોમિયો સ્ક્વોડમાં સામેલ મહિલા કર્મચારીઓ ખાનગી અને ટ્રેડિશનલ ડ્રેસમાં પેટ્રોલિંગ કરી નજર રાખશે. પોલીસ કમિશનર ડો.શમશેર સિંહના જણાવ્યા અનુસાર, શી-ટીમ સવારે 6 થી બપોરે 3 અને બપોરે 3 થી રાતે 12 વાગ્યા સુધી ફરજ બજાવશે. ફરિયાદ મળશે તો તુરંત સ્થળ પર પહોંચીને મદદ કરશે.

અન્ય સમાચારો પણ છે...