સ્માર્ટ સિટી:હવે કચરા પેટીઓ અંડરગ્રાઉન્ડ કરાશે, અલકાપુરીમાં મલ્ટિલેવલ પાર્કિંગ થશે

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 3 મોટા નવા પ્રોજેક્ટ માટે મંજૂરી, નાગરિકોની સુવિધા વધશે
  • હાલની પાણીની ટાંકી કરતાં 10 ગણી વધુ ક્ષમતાની 3 મોટી ટાંકી બનશે

શહેરમાં ઠેર ઠેર નાના-મોટા કચરાના ઢગલા અને રસ્તા પર કચરાપેટીઓ જોવા મળતી હતી , જે આગામી સમયમાં ધીમે ધીમે ભૂતકાળ બની જાય તે દિશામાં વડોદરા સ્માર્ટ સિટી પ્રોજેક્ટ દ્વારા અંડરગ્રાઉન્ડ સ્માર્ટ ડસ્ટબિન પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત અલકાપુરીમાં 180 વ્હીલર્સનું મલ્ટીલેવલ પાર્કિંગ બનાવવાનું અને શહેરના ત્રણ વિસ્તારની પાણીની ટાંકીઓને હાલની ક્ષમતા કરતા 7થી 10 ગણી મોટી ક્ષમતાની કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત સ્કાડા ફેઝ-2નો વ્યાપ પણ વધારવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. સ્માર્ટ સિટી પ્રોજેક્ટ્સની બોર્ડ મીટિંગમાં આ કામગીરીઓને બહાલી આપવામાં આવી હતી.

સ્માર્ટ સિટી પ્રોજેક્ટ્સના વડોદરાના સીઇઓ સુધીર પટેલે જણાવ્યું હતું કે, ‘ આ પ્રોજેક્ટસને લીધે વડોદરાવાસીઓને નવી સુવિધાઓ પણ આગામી સમયમાં મળશે.’ આ બોર્ડ મીટિંગમાં, સ્માર્ટ સિટીને લગતા વિવિધ 14 મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી. જેમાં પંપિગ સ્ટેશનના અપગ્રેડેશન, યુએસપી બેટરીના સપ્લાય, એસએપી લાયસન્સની ફી ભરવી, 150 એમબીપીએસની બેન્ડવિથ કરવી, વિવિધ પ્રોજેક્ટમાં કર્મચારીઓની ભરતી જેવા મુદ્દાઓનો સમાવેશ થયો હતો.

અંડરગ્રાઉન્ડ કોંક્રિટ બંકર બીન : પ્રોજેક્ટની કિંમત :5 કરોડ
સ્માર્ટ સિટીના એરિયાબેઝ ડેવલપમેન્ટના વોર્ડ નં.6, વોર્ડ નં.8 અને વોર્ડ નં.10માં સંભવત: અંડર ગ્રાઉન્ડ કોંક્રિટ બંકરમાં કચરાપેટીઓ તેમાં ઉતારાશે. જેથી રોડ પર ખુલ્લી કચરાપેટી જોવા નહીં મળે.

કેવી રીતે કામ કરશે ?
આ પેટીઓમાં ખાસ અલ્ટ્રાસેન્સર મૂકાશે જે કચરો 70 ટકા ભરાશે ત્યારે સેન્સર સાથેનાસીમકાર્ડની સિસ્ટમ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ખાતે એસએમએસ મોકલશે. જેથી પાલિકાનું વ્હીકલ પહોંચી જશે અને કચરો લઇ લેશે.

કેવું હશે બંકર
1.2 મીટર પહોળુ
1.3 મીટરના ઘેરાવો
1.4 મીટર ઊંડું

180 વાહનોનું મલ્ટિલેવલ પાર્કિંગ : પ્રોજેક્ટની કિંમત : 10 કરોડ
અલકાપુરી આર.સી.દત્ત રોડ પર બેંક ઓફ બરોડાની બાજુમાં પાલિકાનો એક ખુલ્લો પ્લોટ છે. તેમાં આ મલ્ટીલેવલ રોટરી પાર્કિંગ બનશે. અલકાપુરી વિસ્તારમાં પાર્કિંગની સમસ્યા હળવી બનશે.

કેવી રીતે કામ કરશે ?
ટેન્ડર ટૂંક સમયમાં બહાર પડશે. જગ્યા પ્રમાણમાં નાની હોવાથી યાંત્રિક રોબોટ કારને ઉપર લઇ જશે. વાહન માલિકે વાહનને નીચે મૂકીને જ જતા રહેવું પડશે. નિયત પાર્કિંગ ફી ચૂકવ્યા બાદ તેને એક ટોકન આપવામાં આવશે.

કેવું હશે પાર્કિંગ
800 ચોરસમીટરનો પ્લોટ. સુરત - મુંબઇ જેવી રોટરી સિસ્ટમ

30 વર્ષના આયોજનને ધ્યાનમાં રખાયું : પ્રોજેક્ટની કિંમત : 80 કરોડ
સયાજીબાગ, અકોટા અને વડીવાડીની હાલની ટાંકીઓ આગામી વર્ષોમાં વધતી વસ્તીને લીધે પૂરતી નહીં પડે. આ ટાંકીઓની ક્ષમતા એટલી વધારાશે કે આગામી 30 વર્ષ બાદ 2051માં પણ માગને પહોંચી વળશે.

શું આયોજન છે ?
આ ત્રણેય ટાંકીઓની જગ્યાએ વિશાળ ટાંકીઓ બનાવવાની છે. આ ટાંકીઓને સ્કાડા નેટવર્ક સાથે જોડીને કેટલા કનેકશન હશે, તેમાં કેટલું પાણી વપરાશે તેના મીટરો ફીટ કરાશે.

કઇ ટાંકીની ક્ષમતા કેટલી વધશે

ટાંકીહાલની ક્ષમતાપ્રોજેક્ટ બાદ
સયાજીબાગ2.7 લાખ લીટર27 લાખ લિટર
વડીવાડી4 લાખ લીટર30 લાખ લીટર
અકોટા9.1 લાખ લીટર30 લાખ લીટર
અન્ય સમાચારો પણ છે...