વડોદરાનું રેલવે તંત્ર દોડતું થયું:સ્ટેચ્યૂના રેલવે ટ્રેક પર 22 સ્થળે ગાબડાં પૂરવાનું શરૂ, વધુ એક સપ્તાહ સુધી મેમુ ટ્રેન બંધ રાખવી પડશે

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
કેવડિયા રેલવે લાઇન પર ચાણોદ પાસે ટ્રેકનું સમારકામ શરૂ કરાયું હતું - Divya Bhaskar
કેવડિયા રેલવે લાઇન પર ચાણોદ પાસે ટ્રેકનું સમારકામ શરૂ કરાયું હતું
  • 9 મહિનામાં તૈયાર થયેલા ટ્રેકની મરામત પાછળ 50 કરોડના ખર્ચનો અંદાજ
  • 250થી વધુ કર્મચારીની ફોજ ઉતારાઇ

સ્ટેચ્યૂ ઓફ યુનિટીને જોડતી રેલવે લાઇન પર પહેલા વરસાદમાં ધસી પડેલી માટીના સેટલમેન્ટને પગલે ચાણોદથી તિલકવાડા વચ્ચે ત્રણ એજન્સીઓના 250થી વધુ કર્મચારીઅો દ્વારા સમારકામ શરૂ કરાયું છે. જે પાછળ રૂા.50 કરોડથી વધુ ખર્ચ થવાની શક્યતા છે. નાળા,રિટેઇનીંગ વોલ, અને મોટા પથ્થરો સાધન સામગ્રી મળી ખર્ચનો અંદાજ વધી જવાનો અંદાજ લગાવાઇ રહ્યો છે. રેલવે દ્વારા બે દિવસ બાદ મુંબઈથી ચીફ ઇજનેર ક્ક્ષાના ઉચ્ચ અધિકારી નિરિક્ષણ માટે આવશે.

250 કર્મચારીઓનો સ્ટાફ મરામત કામ કરી રહ્યો છે
કેવડિયાની રેલવેલાઇનમાં ચાણોદથી કેવડિયા સુધીના 32 કિલોમીટરના અંતરમાં પહેલા જ વરસાદમાં 22 સ્થળે માટીનું ધોવાણ થયું હતું. જે તે સમયે સાૈથી ઓછા સમયમાં નવ મહિનામાં આ ટ્રેક તૈયાર કરાયો હતો. જેને અેક સિધ્ધી સમાન લખાવીને રેલવે યુનિ. અને આઆઇએમમાં કેસ સ્ટડી તરીકે સમાવવાનો નિર્ણય કરાયો હતો. પરંતુ વરસાદમાં માટીનું ધોવાણ થતાં કામગીરીની પોલ ખુલી પડી હતી.
વડોદરા ડીઆરએમ અમિત ગુપ્તાએ જણાવ્યું હતું કે, 250 કર્મચારીઓનો સ્ટાફ મરામત કામ કરી રહ્યો છે.

વરસાદને પગલે કામગીરીમાં મુશ્કેલી આવી રહી છે
કામગીરીમાં સરળતા રહે તેથી 28 તારીખ બાદ વધુ એક સપ્તાહ માટે પ્રતાપ નગર- કેવડિયા મેમુ ટ્રેન બંધ કરવાનો નિર્ણય કરાયો છે. રેલવેના સૂત્રો મુજબ 10 ડબ્બાની એક પેનમાં બે ડબ્બા મોટા પથ્થર અને આ ડબ્બા ભરીને ક્વોરી ડસ્ટ મંગાવવામાં આવ્યો હતો. 3 હિટાચી મશીન પણ તૈનાત કરવામાં આવ્યા હતા પરંતુ વરસાદને પગલે કામગીરીમાં મુશ્કેલી આવી રહી છે નાળામાં પાણી ભરાયું હોવાથી અડચણ ઉભી થઇ રહી છે.

ફાઈલ ફોટો
ફાઈલ ફોટો

ગાબડા ભારે ચર્ચાનો વિષય બન્યાં છે
માટીનું ધોવાણ થયેલા ટ્રેકની મરામતને એક મહિનાનો સમય લાગશે.આમ, ખુબ ઝડપથી તૈયાર કરવામાં આવેલા ટ્રેક પર ઠેરઠેર ગાબડા પડ્યાં બાદ હવે આ ગાબડાઓને ઝડપથી પુરવા માટેની પણ કવાયત શરૂ કરવામાં આવી છે તો બીજી તરફ આ ગાબડા ભારે ચર્ચાનો વિષય બન્યાં છે.

તિલકવાડા પાસે ટ્રેક દબાતાં તાત્કાલિક સમારકામ
મંગળવારે સવારે તિલકવાડાથી કેવડિયા તરફના ચાર કિલોમીટરનો રેલવે ટ્રેક પણ ક્ષતિગ્રસ્ત થતો હોવાનું રેલવેને જણાતા તંત્ર દોડતું થયું હતું. અા સ્થળે માટી ખૂબ જ પોચી હોવાને પગલે રેલવે લાઇન દબાતી હોવાનું જણાતા તાત્કાલિક કામગીરી કરી ટ્રેક સરખો કરવામાં આવ્યો હતો.

પ્રધાનમંત્રીને પત્ર લખી તપાસની માગ
કેવડીયા રેલ્વે સ્ટેશનના પતરા ઉડયા તે વખતે પણ વિજિલન્સ તપાસની માગણી કરી હતી. રેલ્વે વર્ષોથી નવી લાઈન નાખે છે તો તેને પોચી જમીન અને વરસાદની મુશ્કેલી અંગે અનુભવ હોય તેમ છતાં આટલી મોટી ક્ષતિ સર્જાય તે અંગે તપાસ થવી જોઇએ.વડાપ્રધાનને પત્ર લખી સમગ્ર ઘટનાની તપાસની માગણી કરીશું. - ઓમકારનાથ તિવારી, પેસેન્જર એસોસિએશન

અન્ય સમાચારો પણ છે...