વડોદરાના રાજમહેલ રોડ પર મોબાઇલ એસેસરીઝનો વેપાર કરતા વેપારી પાસેથી જથ્થા બંધ માલ લેવાની લાલચ આપી કરજણમાં દુકાન બતાવવાના નામે લઇ જઇ રસ્તામાં માર મારી 7 લાખ રૂપિયા પડાવનાર ટોળકી સામે નવાપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. ટોળકીએ વેપારીને તમારી સોપારી મળી છે તેમ જણાવી રૂપિયા 50 લાખની ખંડણીની માંગણી કરી હતી. નોંધનીય છે કે, ટોળકીએ જાનથી મારી નાખવાની આપેલી ધમકીથી ગભરાઇ ગયેલા વેપારીએ ફરિયાદ કરી ન હતી. પરંતુ, ટોળકી વલસાડ પોલીસના હાથે ઝડપાઇ જતાં વેપારીએ પોલીસ ફરિયાદ કરી હતી.
રાજમહેલ રોડ પર વ્રજસિદ્ધી ટાવરમાં ન્યુ રાજેશ્વર મોબાઇલ એસેસરીઝ નામની દુકાન ધરાવતાં દલારામ જીવાજી ચૌધરી (રહે, સુલતાનપુરા) એ ફરિયાદ નોંધાવી હતી કે, ગત જૂન-2021માં દુકાનમાં જીતસિંગ નામનો વ્યક્તિ આવ્યો હતો અને પોતે પણ રાજસ્થાની હોવાનું જણાવી હતું કે મારા ભાઇને કરજણમાં મોબાઇલ એસેસરીઝની દુકાન કરવાની છે. તમે સસ્તો માલ આપો તો સારું. તે બાદ અવાર-નવાર આવી ધંધાકીય વાતચીત કરતો હતો.
દલારામ ચૌધરી 30 જુને રાજસ્થાન કોઇ કામ માટે ગયા હતા. તે સમયે જીતસિંગ ઉર્ફ ધવલ રાવત દુકાનમાં ગયો હતો અને તેણે વેપારીના ભત્રીજાને 5 લાખનો ચેક આપ્યો હતો. 7 જુલાઇએ સવારે ભેજાબાજ જીતસિંગ રાવત દુકાનમાં પહોંચી ગયો હતો અને મારે દુકાનમાં બીજો 15 લાખનો માલ ભરવાનો છે તેમ કહી દલારામ ચૌધરીને લઇ કારમાં કરજણ જવા નીકળ્યા હતા. જાંબુવા બ્રિજ નજીક જીતસિંગે ત્રણ સાગરીતોને મિત્રોની ઓળખ આપી બેસાડ્યા હતા. જાંબુવાથી થોડે દૂર ગયા બાદ જીતસિંગ રાવતે ઉલટી થતી હોવાનું બહાનું કાઢી કાર રોકાવી હતી. કાર રોકતાની સાથે જ તેના ત્રણ સાગરીતો વિકી, વિનોદ અને બાબુએ વેપારી દલારામ ચૌધરીનું મોંઢુ દબાવી પાછળની સીટ ઉપર ખેંચી લીધો હતો.
રસ્તામાં ટોળકીએ વેપારી દલારામને જણાવ્યું કે, તમારી અમને સોપારી મળી છે. તેમ જણાવી 50 લાખની ખંડણી માંગી હતી. દલારામે આટલી મોટી રકમ ન હોવાનું જણાવતા તેઓને માર માર્યો હતો. તેઓએ મારી નાંખવાની ધમકી આપતા 7 લાખ તેઓએ જણાવેલા અમદાવાદ ખાતેના આંગડિયા પેઢીમાં મોકલી આપ્યા હતા. ગણતરીની મિનીટોમાં જીતસિંગ ઉર્ફ ધવલ રાવત આંગડીયા પેઢીમાંથી 7 લાખ લઇ આવ્યો હતો. મોડી સાંજે વડોદરા-ડભોઇ રોડ પર કારમાંથી ઉતરી બીજી કારમાં ફરાર થઇ ગયા હતા. ડઘાયેલા વેપારી દલારામ ચૌધરીએ જે તે સમયે ફરિયાદ નોંધાવી ન હતી. પરંતુ આ ટોળકીને વાપી પોલીસે ઝડપી પાડી હોવાની જાણ થતાં તેઓએ નવાપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
વેપારી પાસેથી સસ્તો માલ આપવાની માંગ કરી
વડોદરામાં દલારામ જીવાજી ચૌધરી સુલતાનપુરા વિસ્તારમાં એસ.એફ.-203, હરીહર રેસિડેન્સીમાં પરિવાર સાથે રહે છે અને રાજમહેલ રોડ ઉપર વ્રજ સિદ્ધી ટાવરમાં એસ.એફ.-25 નંબરની દુકાનમાં ન્યુ રાજેશ્વર નામની મોબાઇલ એસેસરીઝની દુકાન ધરાવે છે. તેઓની સાથે તેમનો ભત્રીજો લક્ષ્મણ ચૌધરી પણ બેસે છે અને દુકાન ચલાવે છે. વેપારી દલારામ ચૌધરીએ નવાપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ જુન-2021ના છેલ્લા અઠવાડિયામાં તેઓની દુકાનમાં એક વ્યક્તિ ગયો હતો અને તેણે રાજસ્થાની હોવાનું જણાવ્યું હતું અને જણાવ્યું હતું કે, મારા ભાઇને કરજણમાં મોબાઇલ એસેસરીઝની દુકાન કરવાની છે. તમે સસ્તો માલ આપો તો સારું. તે બાદ અવાર-નવાર રાજસ્થાની શખસ તેઓની દુકાનમાં જતો હતો અને ધંધાકીય વાતચીત કરતો હતો. તેને 5 લાખ રૂપિયાનો ચેક આપીને મોબાઇલનો માલ લેવાની પણ તૈયારી બતાવી હતી.
ભેજાબાજે 5 લાખ રૂપિયાનો ચેક આપ્યો હતો
ફરિયાદમાં વધુમાં જણાવ્યા મુજબ દલારામ ચૌધરી 30 જુનના રોજ રાજસ્થાન કોઇ કામ માટે ગયા હતા. તે સમયે તેમનો ભત્રીજો લક્ષ્મણ ચૌધરી દુકાનમાં હતો. 6 જુલાઇના રોજ પુનઃ રાજસ્થાની ભેજાબાજ જીતસિંગ ઉર્ફ ધવલ રાવત દુકાનમાં ગયો હતો અને તેણે ભત્રીજાને રૂપિયા 5 લાખનો ચેક આપ્યો હતો અને રાજસ્થાની જીતસિંગે દલારામ સાથે ફોન પર વાત કરી હતી. ફોનમાં દલારામને ભેજાબાજ રાજસ્થાનીએ જણાવ્યું કે, તમે મારી સાથે કરજણ આવો અને દુકાન જોયા બાદ મને માલ મોકલી આપજો. આ પ્રમાણે વાત કરતા દલારામે તેના ઉપર વિશ્વાસ મૂક્યો હતો.
વેપારીને દુકાન બતાવવાના બહાને ભેજાબાજ લઇ ગયો
6 જુલાઇના રોડ રાજસ્થાનથી પરત ફરેલા દલારામ ચૌધરીએ પોતાના ભત્રીજાને બેંકમાં મોકલી જીતસિંગ રાવતે આપેલો ચેક બેંકમાં જમા કરાવ્યો હતો. 7 જુલાઇના રોજ સવારે ભેજાબાજ જીતસિંગ રાવત દુકાનમાં પહોંચી ગયો હતો અને દલારામ ચૌધરીને પોતાની સાથે કરજણ લઇ જવા માટે તૈયાર કરી જણાવ્યું હતું કે, મારે દુકાનમાં બીજો રૂપિયા 15 લાખનો માલ ભરવાનો છે. જીતસિંગે કરેલી મોટી વાતોથી દલારામે તેના ઉપર વિશ્વાસ મૂકી કરજણ જવા માટે તૈયાર થઇ ગયા હતા.
જાંબુવા બ્રિજ પાસેથી ભેજાબાજે સાગરીતોને સાથે લીધા
7 જુલાઇ-2021ના રોજ વેપારી દલારામ ચૌધરી રાજસ્થાની ભેજાબાજ જીતસિંગ ઉર્ફ ધવલ રાવતને પોતાની કારમાં બેસાડી કરજણ જવા માટે નીકળ્યા હતા. જાંબુવા બ્રિજ નજીક ભેજાબાજે બીજા તેને ત્રણ સાગરીતોને મિત્રોની ઓળખ આપી બેસાડ્યા હતા. જાંબુવાથી થોડે દૂર ગયા બાદ જીતસિંગ રાવતે ઉલટી થતી હોવાનું બહાનું કાઢી કાર રોકાવી હતી. કાર રોકતાની સાથે જ તેના ત્રણ સાગરીતો વિકી, વિનોદ અને બાબુએ વેપારી દલારામ ચૌધરીનું મોંઢુ દબાવી પાછળની સીટ ઉપર ખેંચી લીધો હતો. અને કાર આગળ લઇ ગયા હતા.
તમારી સોપારી મળી છે તેવી ધમકી આપી 50 લાખ માગ્યા
દરમિયાન રસ્તામાં ટોળકીએ વેપારી દલારામ ચૌધરીને જણાવ્યું કે, તમારી અમને સોપારી મળી છે. તેમ જણાવી રૂપિયા 50 લાખની ખંડણી માંગી હતી. દલારામે આટલી મોટી રકમ ન હોવાનું જણાવતા તેઓને ઢોર માર માર્યો હતો. તેઓએ મારી નાંખવાની ધમકી આપતા રૂપિયા 7 લાખ તેઓએ જણાવેલા અમદાવાદ ખાતેના આંગડીયા પેઢીમાં મોકલી આપ્યા હતા. અને ગણતરીની મિનીટોમાં જીતસિંગ ઉર્ફ ધવલ રાવત આંગડીયા પેઢીમાંથી રૂપિયા 7 લાખ લઇ આવ્યો હતો. અને મોડી સાંજે વડોદરા-ડભોઇ રોડ ઉપર કારમાંથી ઉતરી બીજી કારમાં ફરાર થઇ ગયા હતા.
ટોળકીને વલસાડ પોલીસે ઝડપી પાડી
લૂંટારુ ટોળકીનો ભોગ બનેલા વેપારી દલારામ ચૌધરીને ટોળકીએ પોલીસ ફરિયાદ ન કરવા માટે જાનથી મારી નાખવાની ધમકી આપતા તેઓેએ ફરિયાદ નોંધાવી ન હતી. પરંતુ, આ ટોળકીને વલસાડ પોલીસે ઝડપી પાડી હોવાની જાણ થતાં તેઓએ નવાપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. નવાપુરા પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
બિશ્નોઇ ગેંગના 5 સાગરીતોએ વાપીના બિલ્ડરનું અપહરણ કર્યું હતું
વાપીના બિલ્ડર કમ વેપારીએ સોશિયલ મીડિયામાં પ્રોપર્ટી વેચવા આપેલી જાહેરાત વાંચીને બિશ્નોઇ ગેંગના 2 જણાએ ગ્રાહકના સ્વાંગમાં વેપારીનો સંપર્ક કરી 3 ફ્લેટ અને 1 દુકાન લેવાનું નક્કી કર્યું હતું. બિલ્ડરને કારમાં બેસાડી સુરત અપહરણ કરીને લઇ ગયા બાદ 50 લાખ ખંડણી માગી હતી અને 1.82 લાખની લૂંટ ચલાવી હતી. વાપી પોલીસે આ મામલે બિશ્નોઇ ગેંગના વડોદરામાં રહેતા મુખ્ય આરોપી જીતુસિંગ ઉર્ફે વિક્રમસિંગ ઉર્ફે રાજવિરસિંગ સહિત તેના અન્ય 4 સાગરીતોને પણ ઝડપી લીધા હતા.
બિશ્નોઇ ગેંગને ટ્રાન્સફર વોરન્ટથી વડોદરા લવાશે
નવાપુરા પોલીસે જણાવ્યું કે, બિશ્નોઇ ગેંગને વાપી પોલીસે પકડી છે. વડોદરાના વેપારીની ખંડણીની ફરિયાદની તપાસ માટે આ ટોળકીને ટ્રાન્સફર વોરન્ટ દ્વારા વડોદરા લવાશે. સૂત્રોએ જણાવ્યું કે, ટોળકીએ સુરતના મોબાઇલ અને ફ્રિજના શો રૂમના વેપારીને 120 ફ્રિજ ખરીદવાના બહાને વડોદરા બોલાવ્યો હતો પણ તે પહેલાં જ વાપી પોલીસે ઝડપી લીધી હતી. જીતસિંગ ખંડણી અને લૂંટનો ખુંખાર આરોપી છે અને અનેક નામ ધારણ કરેલા છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.