વડોદરાના દંતેશ્વર વિસ્તારમાં બરોડા ડેરીના દૂધના પાર્લરમાં આજે વહેલી સવારે ત્રાટકેલી લૂંટારૂ ટોળકીએ મહિલાને બાનમાં લઇ રૂપિયા 1.50 લાખ રોકડની લૂંટ ચલાવી ફરાર થઇ ગઇ હોવાની ફરિયાદ મહિલાએ કરી હતી. જોકે, પોલીસ પૂછપરછમાં મહિલાએ લૂંટની ખોટી ફરિયાદ નોંધાવી હોવાની કબૂલાત કરી છે. CCTV ફૂટેજની તપાસ કરતા મહિલાએ લૂંટનું તરકટ રચ્યુ હોવાની પોલીસને પહેલેથી જ શંકા હતી. જે સાચી પડી છે.
પોલીસ પૂછપરછમાં ચોંકાવનારી વિગતો બહાર આવે તેવી શક્યતા
મકરપુરા પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એ. પટેલે જણાવ્યું હતું કે, મયુરીબહેન રાજેશભાઇ ટેલરે(રહે. વિશાલનગર, તરસાલી) લૂંટની ખોટી ફરિયાદ નોંધાવી હોવાની કબુલાત કરી છે. પરંતુ, તેઓએ લૂંટની ખોટી ફરિયાદ કેમ નોંધાવી, તે અંગે તેઓની ઝીણવટભરી પૂછપરછ કરવામાં આવી રહી છે.
મહિલાએ લૂંટનું તરકટ રચ્યુ હતું
પીઆઇએ વધુમાં જણાવ્યું હતું કે, સોસાયટીમાં રહેતા કલ્પેશભાઇ જયસ્વાલ પાસેથી મયુરીબેને પુત્રને વધુ અભ્યાસ માટે સિંગાપોર મોકલવા માટે દોઢ લાખ રૂપિયા ઉછીના લીધા હતા. 3થી 4 દિવસ પહેલા કલ્પેશભાઇએ પૈસા પરત માગ્યા હતા. મહિલા પાસે રૂપિયાની વ્યવસ્થા થાય તેવી શક્યતા નહોતી, જેથી મહિલાએ ત્રણથી ચાર દિવસનો જે વકરો ભેગો થયો તે વકરાના 1.37 લાખ બરોડા ડેરીમાં ભરવાને બદલે કલ્પેશભાઇને આપી દીધા હતા. જેથી બરોડા ડેરી દૂધ આપવાનું બંધ ન કરે તે માટે મહિલાએ લૂંટ તરકટ રચ્યુ હતું.
પાર્લર ખોલતાની સાથે જ બાઇક પર લૂંટારૂઓ ધસી આવ્યા હતા
મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી એ પ્રમાણે દંતેશ્વર વિસ્તારમાં દર્શનમ પ્લાઝા કોમ્પ્લેક્ષમાં બરોડા ડેરીના દૂધનું પાર્લર આવેલું છે. પાર્લરના સંચાલક મયુરીબેન ટેલર રાબેતા મુજબ સવારે 6:30 વાગ્યે પાર્લર ઉપર ગયા હતા અને પાર્લર ખોલતાની સાથે જ બાઇક ઉપર લૂંટારૂઓ ધસી આવ્યા હતા અને સંચાલકને ધમકી આપીને ચાકુની અણીએ બાનમાં લઇને પાર્લરના ગલ્લામાંથી રૂપિયા 1.50 લાખ રોકડની લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા.
સ્થાનિક લોકોના ટોળા એકઠા થઇ ગયા
વહેલી સવારે બનેલા લૂંટના બનાવની જાણ વિસ્તારમાં થતાં સ્થાનિક લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા. તે સાથે આ બનાવની જાણ મકરપુરા પોલીસને થતાં તુરંત જ સ્થળ પર દોડી ગઇ હતી. તે સાથે ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ સ્થળ પર દોડી ગયા હતા અને પાર્લરના મહિલા સંચાલક પાસેથી પ્રાથમિક વિગતો મેળવી તપાસ શરૂ કરી હતી. બીજી બાજુ પોલીસે પાર્લર પાસેથી CCTV ફૂટેજ મેળવી તપાસ કરતા લૂંટનું તરકટ રચવામાં આવ્યું હોવાનું અનુમાન લગાવ્યું હતું.
મહિલાએ લૂંટનું તરકટ રચ્યુ
જોકે, પોલીસે પાર્લર સંચાલક મહિલાએ આપેલી માહિતીના આધારે 1.50 લાખ રૂપિયા રોકડની લૂંટ ચલાવી ફરાર થઇ ગયેલી ટોળકીને ઝડપી પાડવા વિવિધ ટીમો બનાવી તપાસનો દોર શરૂ કરી દીધો હતો. પોલીસે ગણતરીના કલાકોમાં મહિલા દ્વારા લૂંટનું તરકટ રચવામાં આવ્યું હોવાની વાતનો પર્દાફાશ કર્યો છે. પોલીસ પૂછપરછમાં મહિલાએ લૂંટની ખોટી ફરિયાદ નોંધાવી હોવાની કબૂલાત કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.