એજ્યુકેશન:170 દિવસ પછી FYBComનું પરિણામ જાહેર,અડધા છાત્રોનાં રિઝલ્ટ ન દેખાયાં

વડોદરા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સર્વર ધીમું હોવાથી પરિણામ અપલોડ ન થયાં, વિદ્યાર્થીઓ હેડ ઓફિસ પહોંચ્યા
  • અધ્યાપકોએ​​​​​​​ રવિવાર અને સોમવારેે રિઝલ્ટને આખરી ઓપ આપ્યો

એમ.એસ. યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીના પ્રથમ વર્ષનું પરિણામ મોડી રાત્રે જાહેર કરાયું હતું. આખરે 170 દિવસ પછી એફવાય બીકોમનું પરિણામ જાહેર કરાયું હતું. રવિવાર-સોમવાર બંને દિવસ અધ્યાપકોએ બેસીને રિઝલ્ટ તૈયાર કરવા માટે મેરેથોન કામગીરી કરી હતી. બે દિવસમાં સતત 18 કલાક જે પણ ભૂલો હોય તેનું કરેક્શન કરીને પરિણામ પરીક્ષા વિભાગમાં જમા કરાવી દીધું હતું. 9200 જેટલા વિદ્યાર્થીઓનું પરિણામ અપલોડ કરવાની કામગીરી પરીક્ષા વિભાગ દ્વારા મોડી રાતથી શરૂ કરાઈ હતી. જોકે સર્વર ધીમું હોવાના કારણે બીજા દિવસ સુધી તમામ વિદ્યાર્થીઓના પરિણામો જાહેર કરી શકાયાં નહતાં.

પરિણામ તૈયાર કરવા રવિવારના દિવસે પણ કામગીરી કરાઈ હતી. 6 થી 7 જેટલા અધ્યાપકો દ્વારા સતત બે દિવસમાં 18 કલાક જેટલી કામગીરી કરીને પરિણામ તૈયાર કરીને પરીક્ષા વિભાગને સોંપ્યું હતું. જોકે તેમ છતાં તમામ વિદ્યાર્થીઓને પરિણામ મળી શક્યું નહતું. મંગળવારના દિવસ દરમિયાન પણ 50 ટકા વિદ્યાર્થીઓને પરિણામ મળ્યું ન હતું. જેના કારણે વિદ્યાર્થીઓ હેડ ઓફિસ ખાતે દોડી ગયા હતા.

બુધવાર સુધીમાં તમામને પરિણામ મળશે
એફવાય બીકોમના તમામ વિદ્યાર્થીઓનાં પરિણામો જાહેર થઇ શક્યાં નથી. મંગળવારે પણ સમગ્ર દિવસ દરમિયાન સંખ્યાબંધ વિદ્યાર્થીઓનાં પરિણામો જાહેર કરી શકાયાં નથી. બુધવાર સુધીમાં વિદ્યાર્થીઓ પરિણામો જોઇ શકશે.

અન્ય સમાચારો પણ છે...