ભાસ્કર ઇનસાઇટ:FYના વિદ્યાર્થીની અવળચંડાઇથી ફાઇનલ યરના પ્રદર્શનમાં ભડકો

વડોદરા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
હિન્દુ દેવી-દેવતાનાં વાંધાજનક આર્ટવર્કને ભાસ્કર સમર્થન નથી આપતું જેથી અહીં ખાલી ફ્રેમ રજૂ કરી છે - Divya Bhaskar
હિન્દુ દેવી-દેવતાનાં વાંધાજનક આર્ટવર્કને ભાસ્કર સમર્થન નથી આપતું જેથી અહીં ખાલી ફ્રેમ રજૂ કરી છે
  • મૂળ બનારસના અને BVAના પ્રથમ વર્ષના વિદ્યાર્થી કુંદનનું આર્ટવર્ક હતું જ્યારે એક્ઝિબિશન ફાઈનલ યર માટેનું હતું
  • પ્રાધ્યાપકોએ આવા કામ ન લાવવા તેવી ગંભીર સૂચના આપવા છતાં કુંદન ડિપાર્ટમેન્ટમાં ધરાર લાવ્યો, ફોટા પડ્યા અને વાઇરલ થયા

ફેકલ્ટી ઓફ ફાઇન આર્ટ્સમાં જે કલાકૃતિને લઇને વિવાદ થયો હતો તે હિન્દુ દેવીઓના આર્ટવર્ક કોણે બનાવ્યા તેની જાણ પ્રાધ્યાપકોને અડધો કલાકમાં જ થઇ ગઇ હતી. આ ફોટા વાઇરલ થયા ત્યારે જ પ્રાધ્યાપકોએ સત્તાધીશોને જાણ કરી દીધી હતી. આ કોલાજ આર્ટવર્ક સ્કલપ્ચર વિભાગના પ્રથમ વર્ષમાં ભણતા બનારસના વિદ્યાર્થીએ કેટલાક દિવસ અગાઉ જ આ આર્ટવર્ક તૈયાર કર્યા હતા. આ વિદ્યાર્થી બેચલર ઓફ વિઝ્યુઅલ આર્ટ્સના પ્રથમ વર્ષમાં હોવાથી તેને ફેકલ્ટીમાં કોઇ કલાકૃતિ ડિસ્પ્લેમાં કરવાની જ ન હતી.

ફાઇન આર્ટ્સના એક શિક્ષકે નામ ન આપવાની શરતે જણાવ્યું કે, આ વિદ્યાર્થી પેઇન્ટિંગ લઇને ડિપાર્ટમેન્ટમાં આવ્યો ત્યારે જ તે વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં પણ ચર્ચાનો વિષય બની ગયા હતા. વિદ્યાર્થીએ વર્ષ દરમિયાન પણ પ્રાધ્યાપકોને બનારસથી લાવેલા કેટલાક વિવાદ થાય તેવા આર્ટવર્ક બતાવતા પ્રાધ્યાપકોએ આવા કામ ન કરવાની અને અહીં ન લાવવાની સૂચના આપી હતી.

જો કે વિદ્યાર્થીએ ધરાર ન માનીને દીવાલ પર જાણે ડિસ્પ્લે કરવાનું હોય તેમ લટકાવ્યા હતા. અન્ય એક પ્રાધ્યાપકે જણાવ્યું હતું કે, આ વિદ્યાર્થીની દલીલ એવી હતી કે, હાલમાં મહિલાઓ સામે જે હિંસા બની રહી છે. મહિલાઓ દેવીનું જ એક રૂપ છે અને આ પ્રકારની હિંસા ન થવી જોઇએ એવો મારો પ્રયાસ છે.’ નોંધનીય બાબત એ છે કે, વાઇવા ટાણે જ કોઇએ આ આર્ટવર્કના ફોટા વાઇરલ કરીને ગ્રહણ ટાંણે જ સાપ કાઢવાની અવળચંડાઇ યુનિ.ના જ કોઇએ કરી હોવાની ચર્ચા ફેલાઇ હતી.

જીગર જૂથના ડીનને હટાવવા આખો ખેલ રચાયો
ચિત્રોના વિવાદની આડમાં જીગર જૂથના ડીન જયરામ પોડુવાલને હટાવવી સંકલનના કશ્યપ પરીખને ડીન બનાવવાનો ખેલ રચાયો હોવાનું જાણવા મળ્યું છે. સંકલન સમિતિના સિન્ડિકેટ સભ્ય હસમુખ વાઘેલા અને દિલીપ કટારીયાએ બિભત્સ ચિત્રોનો મામલો બહાર લાવ્યા હતા. હસમુખ વાઘેલા અને એબીવીપીએ ગુરૂવારે સવારે યુનિ. સત્તાધીશોને રજૂઆત કરી હતી કે ડીન કોઇ કાર્યવાહી કરવા તૈયાર નથી તો રાજીનામું લઇ લેવામાં આવે.

અન્ય સમાચારો પણ છે...