કોંગ્રેસ દ્વારા મોડી રાત્રે 33 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી હતી. જેમાં વડોદરા જિલ્લાની વાઘોડિયા બેઠક ઉપર પૂર્વ સાંસદ સત્યજીતસિંહ ગાયકવાડ અને ડભોઇ બેઠક ઉપર ભાજપમાંથી સસ્પેન્ડ કરાયેલા પૂર્વ ધારાસભ્ય બાલકૃષ્ણ પટેલ (ઢોલાર)નું જાહેર કરવામાં આવ્યું હતું. અપેક્ષા મુજબ વાઘોડિયાની બેઠક ઉપર સ્થાનિક કોંગ્રેસ કાર્યકરને બદલે આયાતી સત્યજીતસિંહ ગાયકવાનું નામ જાહેર થતાં કોંગ્રેસ કાર્યકરોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. આજે વડોદરા તાલુકા કોંગ્રેસના 100 હોદ્દેદારો સહિત કાર્યકરોએ કોંગ્રેસના સભ્યપદેથી સામુહિક રાજીનામા આપી દીધા છે.
મધરાત્રે નિર્ણય લેવાયો
વાઘોડિયા વિધાનસભામાં બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર તરીકે પૂર્વ સાંસદ સત્યજીતસિંહ ગાયકવાડને ઉમેદવાર તરીકે જાહેર કરતા કોંગ્રેસ કાર્યકરો દ્વારા સ્થાનિક કાર્યકરને ટિકિટ આપવાની માંગ સાથે રોષ ઠાલવ્યો છે. મોડી રાત્રે કોંગ્રેસ દ્વારા ઉમેદવાર જાહેર કરાતાની સાથેજ ગ્રામ્યના કોંગ્રેસના હોદ્દેદારો કોયલી ગામ સ્થિત કોંગ્રેસ અગ્રણી યુગપાલસિંહ ગોહિલના નિવાસ્થાને એકઠા થયા હતા. અને મધરાત સુધી ચાલેલી ચર્ચાના અંતે તા.14 નવેમ્બરના રોજ સવારે એકઠા થઇ કોંગ્રેસના સભ્ય પદેથી સામુહિક રાજીનામા આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
કોયલીમાં વિરોધ પ્રદેર્શન
મોડી રાત્રે લેવાયેલા નિર્ણયના પગલે સવારે 11 વાગે વડોદરા તાલુકાના કોંગ્રેસના કાર્યકરો કોયલી કોંગ્રેસ અગ્રણી યુગપાલસિંહ ગોહિલના નિવાસ સ્થાને એકઠા થયા હતા અને વાઘોડિયાની બેઠકના દાવેદાર યુગપાલસિંહ ગોહિલ, દિલીપ ભટ્ટ, માજી તાલુકા પ્રમુખ કનુભાઇ ગોહિલ, વર્તમાન તાલુકા પ્રમુખ પ્રવિણભાઇ મકવાણા, માજી જિલ્લા સદસ્ય વસરામભાઇ રબારી, માજી જિલ્લા સદસ્ય નરેન્દ્ર પરમાર, પારૂબહેન મકવાણા, હિનાબા ગોહિલ સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસ હોદ્દેદારો અને કાર્યકરોએ સામુહિક રાજીનામા આપી દીધા હતા. અને આયાતી ઉમેદવાર સત્યજીતસિંહ ગાયકવાડને બદલવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. અને વાઘોડિયા બેઠક ઉપર સ્થાનિક યોગપાલસિંહ ગોહિલને વાઘોડિયા બેઠક ઉપર ઉમેદવાર જાહેર કરવાની ઉગ્ર માંગણી કરી હતી.
ગત ચૂંટણીમાં કોંગ્રેસ પાસે સીટ હોત
હોદ્દેદારોએ જણાવ્યું હતું કે, 2017 માં વાઘોડિયા વિધાનસભામાં કોંગ્રેસનો જીતવાનો માહોલ હતો. ત્યારે કોંગ્રેસ દ્વારા BTP સાથે ગઠબંધન કર્યું હતું. અને વાઘોડિયાની બેઠક BTPને આપી હતી. ગઠબંધનના કારણે કોંગ્રેસ આ બેઠક જીતે તેવો માહોલ હોવા છતાં, કોંગ્રેસ ઉમેદવાર જાહેર કરી શકી ન હતી. અને તે સમયે BTP સાથે ગઠબંધન કરાવવાનો ખેલ વાઘોડીયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે પાડ્યો હતો.
પુનઃ વિચાર કરવા માંગ
કાર્યકરોએ જણાવ્યું હતું કે, આ વખતે પણ કોંગ્રેસ દ્વારા સ્થાનિક ઉમેદવારને ટિકિટ આપવાના બદલે આયાતી સત્યજીતસિંહ ગાયકવાડને ટિકિટ આપવામાં આવી છે. વાઘોડિયા બેઠક પર કોયલી ગામના રહેવાસી અને વાઘોડિયા બેઠક માટે યુગપાલસિંહ ગોહિલે દાવેદારી કરી હતી. પરંતુ, કોંગ્રેસે અપેક્ષા મુજબ આયાતી સત્યજીતસિંહ ગાયકવાડને ટિકિટ આપતા કોંગ્રેસ કાર્યકરોમાં ભારે રોષ છે. અમારી માંગણી કોંગ્રેસ મોવડી પુનઃ વિચાર કરી સ્થાનિક યુગપાલસિંહ ગોહિલને ટિકીટ આપે.
માજી ધારાસભ્યના પુત્ર
નોંધનીય છે કે, યુગપાલસિંહ ગોહિલ માજી ધારાસભ્ય સ્વ. ઉપેન્દ્રસિંહ ગોહિલના પુત્ર છે. અત્રે એ પણ ઉલ્લેખનિય છે કે, ઉપન્દ્રસિંહ ગોહિલ પવન જોઇને શઢ બદલવામાં માહિર હતા. છેલ્લે તેઓને ભાજપાએ ટિકીટ ન આપતા કોંગ્રેસમાં હતા. ત્યારે તેમનું અવસાન થયું હતું. વાઘોડિયા બેઠક ઉપર તેમના પુત્ર યુગપાલસિંહ ગોહિલે ટિકીટ માટે માંગણી કરી હતી. પરંતુ, કોંગ્રેસે તેઓને ટિકિટ આપવાના બદેલ પૂર્વ સાંસદ સત્યજીતસિંહ ગાયકવાડને આપી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.