તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:ભરૂચમાં પત્નીની હત્યાના ગુનામાં ફરાર દોષિત પતિ 20 વર્ષે ઝડપાયો, નામ બદલીને બીજા લગ્ન કરી લીધા હતા

વડોદરા10 મહિનો પહેલા
  • કૉપી લિંક
સુરત પાસેથી પકડાયેલો પત્નીનો હત્યારો પતિ - Divya Bhaskar
સુરત પાસેથી પકડાયેલો પત્નીનો હત્યારો પતિ
  • ચારિત્ર્યની શંકા રાખીને પત્નીને જીવતી સળગાવી દીધી હતી, પતિને આજીવન કેદની સજા થઇ હતી
  • વડોદરા સેન્ટ્રલ જેલમાંથી વર્ષ-2000માં વચગાળાના જામીન મેળવ્યા બાદ ફરાર થઇ ગયો હતો
  • પોલીસે બાતમીને આધારે વોચ ગોઠવીને સુરત નજીક શેરપુરા ગામમાંથી કેદીની ધરપકડ કરી

1992માં ભરૂચમાં ચારિત્ર્યની બાબતે શંકા રાખીને પત્નીને કેરોસીન છાંટી સળગાવી દેવાના કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલો પાકા કામનો કેદી વર્ષ-2000માં વચગાળાના જામીન પર છૂટ્યા બાદ ફરાર થઈ ગયો હતો. 20 વર્ષથી ફરાર રહેલા આરોપીને વડોદરા જિલ્લા પેરોલ ફર્લો સ્કવોડે સુરત પાસેના શેરપુરા ગામમાંથી ઝડપી પાડ્યો હતો. 20 વર્ષથી તે નામ બદલીને રહેતો હતો અને બીજી મહિલા સાથે લગ્ન પણ કરી લીધું હતું.

45 દિવસના વચગાળાના જામીન મેળવ્યા બાદ ફરાર થઇ ગયો હતો
1992માં મૂળ ડભોઇના વડજ ગામનો મહેન્દ્ર ઉર્ફે ડાહ્યા ભોગીલાલ તડવી ભરૂચમાં રહેતો હતો, ત્યારે તેણે તેની પત્ની રેવાબેનને ચારિત્ર્યની શંકા રાખી કેરોસીન છાંટીને સળગાવી દીધી હતી. આ બાબતે ભરૂચ રેલવે પોલીસમાં હત્યાનો ગુનો નોંધાયા બાદ મહેન્દ્રની ધરપકડ કરાઇ હતી. 1993માં ભરૂચ અદાલતે મહેન્દ્રને આજીવન કેદની સજા ફટકારી હતી. ત્યારબાદ તેને પાકા કામના કેદી તરીકે વડોદરાની સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવ્યો હતો. 2000ના વર્ષમાં મહેન્દ્રને હાઇકોર્ટના હુકમ બાદ 45 દિવસના વચગાળાના જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો. જોકે નિયત સમય મર્યાદામાં હાજર થવાના બદલે તે ફરાર થઈ ગયો હતો.

કેદી મહેન્દ્ર નામ બદલીને ડાહ્યાભાઇના નામે સુરત પાસે રહેતો હતો
છેલ્લાં 20 વર્ષથી મહેન્દ્ર ફરાર હતો. દરમિયાન વડોદરા જિલ્લા પેરોલ ફર્લો સ્ક્વોડના PSI એ.કે. રાઉલજી અને તેમની ટીમને બાતમી મળી હતી કે, 20 વર્ષથી ફરાર હત્યા કેસનો આરોપી સુરત નજીક આવેલા શેરપુર ગામમાં રહે છે. જેથી પોલીસે દરોડો પાડી તેને ઝડપી પાડ્યો હતો અને વધુ તપાસ માટે ડભોઇ પોલીસને સોંપવામાં આવ્યો હતો. સુરત જિલ્લાના કામરેજના શેરપુરની નવીનગરીમાં રંજનબહેન નામની મહિલા સાથે બીજા લગ્ન કરીને અને પોતાનું નામ ડાહ્યાભાઇ ભોગીલાલ ઢોડીયા(પટેલ) રાખીને રહેતો હતો.

ગામના લોકો પણ તેના કૃત્યથી અજાણ હતા
પત્નીના હત્યા કેસમાં આજીવન કેદની સજા પામી ફરાર થયેલા મહેન્દ્ર વિશે બાતમી મળતાં પોલીસે સુરતના કામરેજ તાલુકામાં આવેલા શેરપુર ગામમાં દરોડો પાડ્યો હતો. જોકે તેણે હાલમાં પોતાનું નામ ડાહ્યા ભોગીલાલ ધોડિયા (પટેલ) હોવાનું જણાવ્યું હતું. જોકે પોલીસે તેને ફોટાના આધારે તથા બાતમીદારો નેટવર્કના આધારે પકડી તેની પૂછપરછ કરતાં પોતાનું નામ બદલી દીધું હોવાનો એકરાર કરી તેણે આ ગુનો આચર્યો હોવાનું પણ એકરાર કર્યો હતો. તેણે આ ગામમાં રહીને રંજનબેન નામની મહિલા સાથે બીજું લગ્ન પણ કરી લીધું હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. ગામમાં પણ તેના કૃત્યથી લોકો અજાણ હોવાનું જણાયું હતું.

પત્ની રેવા પર ચારિત્ર્યની શંકા રાખી જીવતી સળગાવી દીધી હતી
પેરોલ-ફર્લો સ્ક્વોડના PSI એ.કે. રાઉલજીએ જણાવ્યું હતું કે, ઇન્ચાર્જ એસ.પી. ડી.એચ. ગોરની સૂચના પ્રમાણે 11થી 20 સપ્ટેમ્બર દરમિયાન નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટેની ડ્રાઇવ ચાલી રહી છે. આ ડ્રાઇવ દરમિયાન છેલ્લા 20 વર્ષથી નાસતો-ફરતો મહેન્દ્ર ઉર્ફ ડાહ્યાભાઇ તડવી સુરતના કામરેજના શેરપુર ગામમાં નામ બદલીને બીજી પત્ની સાથે રહેતો હોવાની માહિતી મળી હતી. જે માહિતીના આધારે તેણે ઝડપી પાડી જેલમાં મોકલી આપવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...