હાઇ પ્રોફાઈલ રેપ કેસ:વડોદરામાં દુષ્કર્મ કેસમાં ભાગેડું આરોપી અશોક જૈને જેલમાં જવાથી બચવા આગોતરા જામીન માટે અરજી કરી

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
આરોપી અશોક જૈનની પીડિતા સાથેની તસવીર - Divya Bhaskar
આરોપી અશોક જૈનની પીડિતા સાથેની તસવીર
  • પોલીસ તંત્ર દ્વારા યોદ્ય તપાસ કરવામાં આવી રહી નથી: આરોપીના વકીલ
  • રવિવારે પોલીસે દુષ્કર્મ થયું તે ફ્લેટના માલિકને ફરીવાર બોલાવી પૂછપરછ કરી

શહેરના ચકચારી હાઇપ્રોફાઇલ બળાત્કાર પ્રકરણના આરોપી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અશોક જૈન અને પાવાગઢ મંદિરના પૂર્વ ટ્રસ્ટી રાજુ ભટ્ટ હજુ પોલીસને હાથ લાગ્યા નથી. ત્યારે આજે આરોપી અશોક જૈનના વકીલ હિતેષ ગુપ્તાએ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી મૂકી છે. આરોપીના વકીલે જામીન અરજીમાં જણાવ્યું છે કે, પોલીસ તંત્ર દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવી રહી નથી. પોલીસ દ્વારા આ પ્રકરણના સૂત્રધાર મનાતા કુખ્યાત બુટલેગર અલ્પુ સિંધીને પકડી શકી નથી.

પોલીસે બંને આરોપીઓની મિલકત ટાંચમાં લેવાની તજવીજ શરૂ કરી
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, પોલીસે બંનેને ભાગેડું જાહેર કરી સીઆરપીસીની કલમ 70 મુજબનું વોરંટ મેળવવાની તજવીજ કરી બંનેની મિલકત ટાંચમાં લેવાની તજવીજ શરૂ કરી હતી, જેથી બંને પાસે કયાં કયાં કેટલી સ્થાવર જંગમ મિલકતો છે તેની માહિતી સંબંધિત વિભાગો પાસેથી માગવામાં આવી છે. આગામી બે-ત્રણ દિવસમાં આ માહિતી મળી જશે તેવો દાવો પોલીસે કર્યો હતો. પોલીસે નિસર્ગ કોમ્પલેક્ષમાં જે ફ્લેટમાં યુવતી પર દુષ્કર્મ થયું હતું, તે ફ્લેટના માલિક રાહિલ જૈનને રવિવારે ફરી એકવાર બોલાવી પૂછપરછ કરી હતી અને ફ્લેટને લગતાં જરૂરી દસ્તાવેજો કબજે કર્યા હતા.

દુષ્કર્મ કેસના આરોપીઓની તસવીર
દુષ્કર્મ કેસના આરોપીઓની તસવીર

આરોપીઓ હજુ ક્રાઈમબ્રાન્ચની પહોંચથી બહાર
ઉલ્લેખનિય છે કે, ગોત્રી દુષ્કર્મ કેસની ફરિયાદ થયાને 10 દિવસ થયા છતાં આરોપીઓને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી નથી. પોલીસ રોજ અલગ અલગ લોકોના નિવેદનો લઇ રહી છે. ગોત્રી પોલીસ બાદ ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપાયે 72 કલાકથી વધુ સમય વીતી ગયો છે છતાં પોલીસ આરોપી અશોક જૈન અને રાજુ ભટ્ટ તથા બૂટલેગર અલ્પુ સિંધીને હજી સુધી પકડી શકી નથી. બંને આરોપીને શોધવા પોલીસની સાત ટીમો બંનેના આશ્રયસ્થાનો ઉપરાંત સગા સબંધીઓને ત્યાં તપાસ કરાઇ રહી છે. ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યોમાં પણ આશ્રયસ્થાનો હોવાની માહિતી મળતાં ત્યાં પણ તપાસ કરાઇ રહી છે.

અશોક જૈને ગૃહમંત્રીને કાગળ લખી નિર્દોષ હોવાનું જણાવ્યું
સૂત્રો મુજબ, 19 તારીખે ગોત્રી પોલીસમાં ફરિયાદ નોંધાયા બાદ આરોપી અશોક જૈન તેના મિત્રો અને સગા સાથે સંપર્કમાં છે અને તેણે કાગળ લખીને ગૃહમંત્રીને પણ પોતે નિર્દોષ હોવાનું ગાણું ગાયું હતું અને પોતે નાર્કો ટેસ્ટ કરાવવા તૈયાર હોવાનું જણાવ્યું હતું. ફરિયાદ નોંધાયા બાદ રાજુ ભટ્ટ પણ તેના પોલીટીકલ સંપર્કોમાં સક્રીય હતો અને તેણે પાવાગઢના ટ્રસ્ટી સુરેન્દ્રભાઈને પણ ફોન કરી પોતે રાજીનામું મોકલે છે તેવી જાણ કરી હતી. બુટલેગર અલ્પુ સિંધી નજીકના સંપર્કો સાથે સોશિયલ મિડીયા દ્વારા સંપર્કમાં છે.

અશોક જૈનના અન્ય યુવતીઓ સાથેના સંપર્કોની પણ તપાસ શરૂ
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે પીડિતા જે ફ્લેટમાં રહેતી હતી તે ફ્લેટમાં અને અશોક જૈન જે ગેસ્ટ હાઉસમાં લઈ જતો હતો તે હેલી ગ્રીનના ફ્લેટમાં અગાઉ ઘણી યુવતીઓ પણ આવતી જતી હતી અથવા તો રહેતી હતી એવું તપાસમાં બહાર આવ્યું છે જેથી આ યુવતીઓ કોણ છે તેની તપાસ શરૂ કરાઇ છે. ઉલ્લેખનીય છે કે પીડિતાએ આરોપ લગાવ્યો હતું કે આરોપીઓએ તેનો મોબાઇલ તોડી નાખ્યો હતો તેથી આ મોબાઇલમાં અન્ય યુવતીઓના નામ અને નંબર હોઈ શકે છે. આ યુવતીઓની માહિતી મેળવવા પોલીસે તૂટેલા મોબાઇલ ફોનનો ડેટા બેકઅપ લેવાનો પ્રયાસ શરૂ કર્યો છે આ ફ્લેટમાં રહેતી યુવતી હાલોલ પંથકમાં રહેતી હોવાનું જાણવા મળે છે. અશોક જૈનના ઘરે અને ઓફિસમાંથી પોલીસે કેટલીક ડાયરી સહિતના દસ્તાવેજો પણ કબજે કર્યા છે તેની પણ તપાસ ચાલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...