તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વડોદરા PI પત્ની ગુમ કેસ:સ્વીટી પટેલની શોધખોળમાં દહેજમાંથી મળેલા સળગેલા હાડકાં યુવાન વયના માનવ શરીરના હોવાનું FSL રિપોર્ટમાં ખુલ્યું

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
સ્વીટી પટેલ કેસમાં પોલીસને મળેલા સળગેલાં હાકડા માનવ શરીરના હોવાનું ખુલ્યું છે. - Divya Bhaskar
સ્વીટી પટેલ કેસમાં પોલીસને મળેલા સળગેલાં હાકડા માનવ શરીરના હોવાનું ખુલ્યું છે.
  • સ્વીટી પટેલના બાળક તથા મળી આવેલા હાડકાંના સેમ્પલ DNA માટે ગાંધીનગર મોકલાયાં

ભારે ચકચારી બનેલા વડોદરા જિલ્લા SOGના પીઆઇ એ.એ.દેસાઈનાં પત્ની સ્વીટી પટેલના ગુમ થવાના કેસમાં રોજે રોજ નવા ફણગાં ફૂટી રહ્યાં છે.સ્વીટી પટેલની શોધખોળ માટે ગયેલી પોલીસને થોડા દિવસ અગાઉ દહેજના અટાલી ગામ નજીક ત્રણ માળના અવાવરું મકાનમાંથી તથા તેની પાછળના ભાગમાંથી સળગેલી હાલતમાં કેટલાક હાડકાં મળ્યા હતાં.જેને તપાસ માટે સુરત FSLમાં મોકલાયાં હતાં.ફોરેન્સિકની તપાસમાં આ હાડકા યુવાન અને મધ્યમ વર્ગની વયના માનવ શરીરના હોવાનું બહાર આવ્યું છે.હાડકાં માનવીના હોવાનું બહાર આવતા પોલીસે એ દિશામાં તપાસ કેન્દ્રીત કરી છે. સાથે જ સ્વીટી પટેલના બે વર્ષના બાળક તથા મળી આવેલા હાડકાંના સેમ્પલ ડી.એન.એ. ટેસ્ટ માટે ગાંધીનગર ફોરેન્સીક તપાસ માટે મોકલી આપ્યા છે.બીજી તરફ કરજણ કોર્ટે મંજૂરી આપી હોવાથી આજે પી.આઇ. એ.એ. દેસાઇનો પોલીગ્રાફ ટેસ્ટ કરાયો હતો.

પોલીસે દહેજ આસપાસ છ દિવસ તપાસ કરેલી
વડોદરા જિલ્લાના કરજણની પ્રયોશા સોસાયટીમાં રહેતા વડોદરા જિલ્લા SOG પીઆઇ એ.એ. દેસાઇનાં પત્ની સ્વીટી મહેન્દ્રભાઇ પટેલ(ઉં.વ.37) ગત 5 જૂનની રાત્રે 1 વાગ્યાથી સવારે 8:30 વાગ્યાના અરસામાં ઘર છોડીને જતાં રહ્યાં હતાં. એક મહિના પછી પણ સ્વીટી પટેલની ભાળ ન મળતાં વડોદરા જિલ્લા પોલીસે શોધખોળ શરૂ કરી હતી. વડોદરા જિલ્લા પોલીસ દહેજ અને તેની આસપાસનાં ગામોમાં સતત છ દિવસ સુધી સર્ચ ઓપરેશન કર્યું હતું. જેમાં પોલીસને અટાલી ગામ પાસેના ત્રણ માળના અવાવરું મકાનમાંથી અને મકાનના પાછળના ભાગમાંથી બળેલા કથિત માનવ હાડકાં મળી આવ્યા હતા.

અવાવરું મકાનમાંથી મળેલા માનવ હાડકાં રહસ્યમય ગુમ સ્વીટી પટેલ પ્રકરણ ઉપરથી પડદો ઉંચકે તેવી આશા
અવાવરું મકાનમાંથી મળેલા માનવ હાડકાં રહસ્યમય ગુમ સ્વીટી પટેલ પ્રકરણ ઉપરથી પડદો ઉંચકે તેવી આશા

હાડકાં મળેલાં ત્યાંથી PIનું લોકેશન પણ મળેલું
પોલીસને અટાલીના મકાનમાંથી માનવ હાડકાં મળી આવતા પોલીસે અવાવરું મકાનની આસપાસના મોબાઇલ ટાવરોની તપાસ કરી હતી. જેમાં સ્વીટીના પતિ એ.એ.દેસાઇના મોબાઈલ ફોનનું લોકેશન મળી આવ્યું હતું. બીજી બાજુ પોલીસે કથિત મળેલા માનવ હાડકાં મળ્યા બાદ પી.આઇ. એ.એ. દેસાઇ અને તેમની પત્ની સ્વીટી પટેલના બે વર્ષના બાળકના સેમ્પલ ડી.એન.એ. ટેસ્ટ માટે લઇ તપાસ માટે સુરત ફોરેન્સીક લેબમાં મોકલી આપ્યા હતાં.જેનો રિપોર્ટ આજે આવતાં હવે વધુ તપાસ તે દિશામાં પોલીસે કેન્દ્રીત કરી છે.

પોલીસે દહેજ અને તેની આસપાસનાં ગામોમાં સતત છ દિવસ સુધી સર્ચ ઓપરેશન કર્યું હતું
પોલીસે દહેજ અને તેની આસપાસનાં ગામોમાં સતત છ દિવસ સુધી સર્ચ ઓપરેશન કર્યું હતું

ડી.એન.એ.ટેસ્ટ કરાશે
રહસ્યમય ગુમ પી.આઇ.પત્ની સ્વીટી પટેલ પ્રકરણની તપાસ કરી રહેલા જિલ્લા ડી.વાય.એસ.પી. કલ્પેશ સોલંકીએ જણાવ્યું હતું કે, અટાલી ગામ પાસેના અવાવરું મકાનમાંથી મળી આવેલા હાડકાં માનવના છે કે, પ્રાણીના જાણવા માટે ફોરેન્સીક લેબ સુરત ખાતે મોકલી આપ્યા હતાં. જેની તપાસમાં આ હાડકાં યુવાન અને મધ્યમ વર્ગની વયની વ્યક્તિના હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. હાડકાં માનવના હોવાનું બહાર આવતા, આજે પી.આઇ. એ.એ. દેસાઇ અને તેમની પત્ની સ્વીટી પટેલના બે વર્ષના બાળકના સેમ્પલ અને હાડકાંના સેમ્પલ લઇ ડી.એન.એ. ટેસ્ટ માટે ગાંધીનગર ફોરેન્સીક મોકલી આપ્યા છે. આ ઉપરાંત આજે પી.આઇ. એ.એ. દેસાઇનો કોર્ટે પોલીગ્રાફ ટેસ્ટ અને નાર્કો ટેસ્ટ કરવાની મંજૂરી આપતા પી.આઇ.નો પોલીગ્રાફ ટેસ્ટ ગાંધીનગર ખાતે કરવામાં આવ્યો છે. જેનો રિપોર્ટ હજુ આવ્યો નથી.

કરજણ કોર્ટે મંજૂરી આપી હોવાથી આજે પી.આઇ. એ.એ. દેસાઇનો પોલીગ્રાફ ટેસ્ટ કરાયો હતો.
કરજણ કોર્ટે મંજૂરી આપી હોવાથી આજે પી.આઇ. એ.એ. દેસાઇનો પોલીગ્રાફ ટેસ્ટ કરાયો હતો.

38 દિવસથી સ્વીટી પટેલ ગુમ છે
સમગ્ર રાજ્યના પોલીસ વિભાગમાં ભારે ચકચાર જગાવી મૂકનાર સ્વીટી પટેલ ગુમ થયે 38 દિવસ થઈ ચૂક્યાં છે. વડોદરા જિલ્લા એસ.ઓ.જી. પી.આઇ. એ.એ. દેસાઇની પત્ની સ્વીટી પટેલને શોધવા માટે જિલ્લા પોલીસ આકાશ-પાતાળ એક કરી રહી છે. પરંતુ, સ્વીટી પટેલનો કોઇ પત્તો મળ્યો નથી. પોલીસે ગુજરાતની વિવિધ હોસ્પિટલના કોલ્ડરૂમમાં રાખવામાં આવેલી બિનવારસી 17 ડેડ બોડીની તપાસ કરી છે, પરંતુ, તે તમામ ડેડ બોડીઓ અન્ય કોઇ વ્યક્તિની હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. આ ઉપરાંત પોલીસ દ્વારા પાડોશી રાજ્યો મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનની હોસ્પિટલોના કોલ્ડરૂમોમાં પણ બિનવારસી ડેડ બોડી અંગે તપાસ કરાવી છે. જોકે, આ રાજ્યોમાંથી પણ હજુ કોઇ સગડ મળ્યા નથી. જોકે, પોલીસને અટાલી ગામ પાસેના અવાવરું મકાનમાંથી મળેલા માનવ હાડકાં રહસ્યમય ગુમ સ્વીટી પટેલ પ્રકરણ ઉપરથી પડદો ઉંચકે તેવી આશા છે.

અન્ય સમાચારો પણ છે...