ખંડેરાવ ફ્રૂટ માર્કેટના વેપારીઓએ મહિલા કાઉન્સિલરે કરેલા ઉચ્ચારણના વિરોધમાં દુકાનો અડધો દિવસ બંધ રાખી રેલી યોજી મેયરને રજૂઆત કરી હતી. મેયરે વિવાદનો અંત લાવવા ખાતરી આપતાં બપોર બાદ દુકાનો ખૂલી હતી. જોકે દબાણો અંગે હજી અનિશ્ચિતતા ફેલાઈ છે.એક સપ્તાહથી ટોક ઓફ ધ ટાઉન બનેલા ખંડેરાવ માર્કેટ વિવાદનો અંશતઃ અંત આવ્યો છે. ખંડેરાવ માર્કેટ નજીક કરાતાં દબાણો મુદ્દે ભાજપનાં કાઉન્સિલર જાગૃતિ કાકાના બહારના અાવીને ધંધો કરે છે તેવા નિવેદન સામે અને વેપારીઓને કરાતી હેરાનગતિ સામે સિંધી સમાજે વિરોધ દર્શાવ્યો હતો.
વેપારીઓએ સોમવારે ફ્રુટ બજાર બંધ રાખી બેનરો સાથે રેલી યોજી પાલિકા ખાતે મેયરને રજૂઆત કરી હતી. મેયરે વેપારીઓએ સાથે બેઠક યોજી દબાણો અને મહિલા કાઉન્સિલરે કરેલા ઉચ્ચારણ અંગેની તપાસ કરી વિવાદનો અંત લાવવા બાંહેધરી હતી. જેને પગલે અડધો દિવસ બાદ દુકાનો ફરી ખૂલી હતી. બીજી તરફ કાઉન્સિલર જાગૃતિ કાકા, ધર્મેશ પટણી અને વોર્ડ પ્રમુખ નલિન પોથીવાલા સહિતના વોર્ડના હોદ્દેદારો સાથે મેયરે બેઠક યોજી તેમને સાંભળ્યાં હતાં.
જોકે દબાણો અંગેની ખેંચતાણ સમાજના વિરોધ તરફ ડાઈવર્ટ થતાં ફ્રુટ માર્કેટનાં દબાણો અંગે અનિશ્ચિતતા ફેલાઈ છે. કાઉન્સિલર જાગૃતિ કાકાએ જણાવ્યું કે અમને મેયરે નથી બોલાવ્યાં પણ જાતે આવ્યા છીએ, વિસ્તારના લોકોની રજૂઆત હતી એટલે ખંડેરાવ માર્કેટ સહિત વોર્ડના મોટાભાગના વિસ્તારમાં દબાણો હટાવ્યાં છે. મેં કોઈ સમાજ કે વ્યક્તિ પર એટેક કર્યો નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.