ધાર્મિક વિવાદોનું એપી સેન્ટર બન્યું વડોદરા:વૈષ્ણવોની હવેલીથી લઈને હરિધામ સોખડા મંદિર સુધીની આ 5 ઘટના આખા ગુજરાતમાં ગુંજી

વડોદરા2 મહિનો પહેલાલેખક: મેહુલ ચૌહાણ
  • સ્વામિનારાયણ સંપ્રદાયનાં મંદિરો, ભારતી આશ્રમ અને હિન્દુ દેવી-દેવતાનાં વિવાદાસ્પદ ચિત્રોએ ચકચાર જગાવી

શિક્ષણ, કલા અને સંસ્કારી નગરી તરીકે ઓળખાતું વડોદરા છેલ્લા ચાર મહિનાથી ધાર્મિક વિવાદોના કારણે ખૂબ જ ચર્ચામાં છે અને ગુજરાતમાં ધાર્મિક વિવાદોનું એપી સેન્ટર બન્યું છે. છેલ્લા ચાર મહિનામાં શહેરમાં એટલા ધાર્મિક વિવાદ થયા છે કે ભાગ્યે જ આટલા સમયગાળામાં કોઇ શહેર કે રાજ્યમાં થયા હશે. એમાં વૈષ્ણવોની હવેલી, સોખડા સ્વામિનારાયણ મંદિર, ભારતી આશ્રમનો વિવાદ, હિન્દુ દેવી-દેવતાઓનાં આર્ટવર્ક અને વડતાલ તાબાના સ્વામિનારયણ મંદિરમાં પૂજા કરવા સંબંધી વિવાદ સામેલ છે.

વિવાદ નંબર 1: વૈષ્ણવોની હવેલી સ્વામિનારાયણ મંદિરને સોંપવાનો વિવાદ
ગત ફેબ્રુઆરી મહિનામાં વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં આવેલી વૈષ્ણવોની હવેલીને ખાલી કરીને આ જગ્યા એની બાજુમાં જ આવેલા સ્વામિનારાયણ મંદિરને આપવાના મુદ્દાને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં લાવવામાં આવ્યો હતો. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આ મુદ્દો જવાનું કારણ એ હતું કે વૈષ્ણવોની હવેલીની જગ્યા કોર્પોરેશનની માલિકી છે અને 99 વર્ષના ભાડાપટ્ટે આ જમીન તેમણે લીધી હતી તેમજ આ હવેલીમાં ઠોકારજી બિરાજિત કરવામાં આવ્યા હતા, પરંતુ આ ગોવર્ધન હવેલીને મંદિરના ટ્રસ્ટ દ્વારા ખસેડીને ડાકોર સ્થળાંતર કરવા અથવા તો કારેલીબાગમાં જ બીજે સ્થાપિત કરવાનો વિચાર કરવામાં આવ્યો હતો.

આ પાછળ ટ્રસ્ટનો તર્ક હતો કે બાજુમાં આવેલા સ્વામિનારાયણ મંદિર અને વૈષ્ણવ હવેલીમાં મોટા ભાગના ધાર્મિક પ્રસંગો એકસાથે આવતા હોવાથી ટ્રાફિકની સમસ્યા સર્જાય છે, જેથી જો આ હવેલીને બીજે સ્થળાંતરિત કરવામાં આવે તો સુવિધાઓ વધારી શકાય. જોકે આ અંગે વૈષ્ણવ ભક્તોમાં ભારે નારાજગી વ્યાપી હતી અને હવેલી નહીં ખસેડવા અંગે ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરાઇ હતી. વડોદરા મેયર કેયૂર રોકડિયા અને શહેર ભાજપ પ્રમુખ ડૉ. વિજય શાહ પણ આ વિવાદમાં ચર્ચામાં રહ્યા હતા. જોકે હવેલીનો વિવાદ વધુ વકરતાં આખરે વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે ગોવર્ધન હવેલીમાં બિરાજી ઠાકોરજીને સ્થળાંતરિત નહીં કરાય અને હવેલી અહીં જ રહેશે. આમ આ વિવાદનો સુખદ અંત આવ્યો હતો.

વિવાદ નંબર-2: સોખડા મંદિરનો ઐતિહાસિક વિવાદ
વડોદરા શહેર નજીક આવેલા હરિધામ સોખડામાં હરિપ્રસાદસ્વામી જુલાઇ 2021માં બ્રહ્મલીન થયા બાદ તેમના ઉત્તરાધિકારી કોણ તેને લઇને આંતરિક ગણગણાટ શરુ થયો હતો. સંતો દ્વારા અનુજ નામના સેવકને માર મારવાની ઘટના બાદ એકબીજા પર આક્ષેપ શરૂ થયા અને એપ્રિલ 2022માં આ વિવાદ ચરમસીમાએ પહોંચ્યો. મંદિરમાં સંતોનાં બે જૂથ પડ્યાં, જેમાં એક જૂથ પ્રેમસ્વરૂપ અને ત્યાગવલ્લભ સ્વામીનું અને બીજું જૂથ પ્રબોધસ્વામીનું સમર્થન કરતું હતું.

મંદિરમાં સંતોના બે ભાગલા પડી ગયા
સ્થિતિ એ કક્ષાએ પહોંચી કે પ્રબોધસ્વામી જૂથના સમર્થકોએ ગુજરાત હાઇકોર્ટમાં હેબિયસ કોર્પસ દાખલ કરી. ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર 21 એપ્રિલ 2022ના રોજ પોલીસ બંદોબસ્તમાં સોખડા મંદિરથી 200થી વધુ સંતોને વડોદરા કોર્ટમાં હાજર કરીને વીડિયો-કોન્ફરન્સના માધ્યથી હાઇકોર્ટમાં હાજર રાખવામાં આવ્યા અને પ્રબોધસ્વામી તેમજ તેમના સમર્થક સંતો અને અનુયાયીઓ સોખડા મંદિર છોડી આણંદના બાકરોલ ખાતે ગયા. આમ, હરિપ્રસાદસ્વામીએ સ્થાપેલા આ મંદિરમાં સંતોના બે ભાગલા પડી ગયા.

સોખડા મંદિરમાં ગુણાતીતસ્વામીનું અપમૃત્યુ
પ્રબોધસ્વામી જૂથના સંતો સોખડા છોડી આણંદના બાકરોલ ખાતે ગયા બાદ મંદિરની સંપત્તિની માલિકી અંગે ચર્ચાઓ જારી હતી, ત્યાં તો સોખડા મંદિરમાં ગુણાતીતસ્વામીએ ફાંસો ખાઇને જીવન ટૂંકાવી લીધું. ગુણાતીતસ્વામીના અપમૃત્યુની ઘટનાને છુપાવવામાં આવી પણ પ્રબોધસ્વામી જૂથના હરિભક્તો વડોદરા જિલ્લા એસ.પી. અને કલેક્ટર પાસે પહોંચ્યા અને તેમણે ગુણાતીતસ્વામીના અંતિમસંસ્કાર અટકાવી મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવડાવ્યું, જેમાં ગુણાતીતસ્વામીનું મૃત્યું ગળેફાંસો લાગવાથી થયું હોવાનું પ્રાથમિક રિપોર્ટમાં આવતા જ ચકચાર મચી ગઇ હતી.

ગુણાતીતસ્વામીની હત્યાના આક્ષેપ થયા
પ્રબોધસ્વામી જૂથના હરિભક્તોએ આક્ષેપ કર્યા કે ગુણાતીતસ્વામીની હત્યા કરવામાં આવી છે, જેથી પોલીસ તપાસ શરૂ થઇ અને નિવેદનો લેવાયાં, જેમાં સોખડાના ત્યાગવલ્લભસ્વામીએ નિવેદન આપ્યું કે ગુણાતીતસ્વામીનાં પરિવારજનોના કહેવાથી તેમના અપમૃત્યુને જાહેર કરવામાં આવ્યું ન હતું. જો કશું ખોટું કરવું હોત તો રાત્રે જ થઇ ગયું હોત અથવા તો બીજા દિવસે સવારે જ અંતિમસંસ્કાર કરી નાખ્યા હોત. બપોર સુધી રાહ ન જોવાઇ હોત. આ મામલે હજુ પોલીસ તપાસ જારી છે.

પ્રેમસ્વરૂપસ્વામીની ચાદરવિધિ ચર્ચામાં
સોખડા હરિધામમાં પ્રેમસ્વરૂપસ્વામી દ્વારા હરિપ્રસાદ સ્વામીનો પ્રાગટ્ય મહોત્સવ 11 એપ્રિલ 2022ના રોજ યોજવામાં આવ્યો, જેમાં અનેક સંતો અને રાજકીય નેતાઓને આમંત્રિત કરાયા અને પ્રેમસ્વરૂપસ્વામીની ચાદરવિધિ થઇ. પ્રબોધસ્વામી જૂથનું કહેવું હતું કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં ચાદરવિધિ જેવી કોઇ પરંપરા નથી. આ સોખડા મંદિરના ઉત્તરાધિકારી તરીકે પોતાને સ્થાપિત કરવાનો પ્રયાસ છે. હાલ હરિધામ સોખડાની સંપત્તિનો વિવાદ ગુજરાત હાઇકોર્ટમાં છે અને બંને પક્ષે સમાધાનની ફાર્મ્યુલા પર વાતચીત ચાલી રહી છે, પરંતુ બીજી તરફ પ્રેમસ્વરૂપસ્વામી જૂથ અને પ્રબોધસ્વામી જૂથ ધાર્મિક કાર્યક્રમો યોજીને એક પ્રકારે પોતાનું શક્તિ પ્રદર્શન કરી રહ્યાં છે.

વિવાદ નંબર 3: ભારતી આશ્રમના વિવાદમાં હરિહરાનંદ ગુમ
જૂનાગઢમાં મહામંડલેશ્વર ભારતીબાપુ બ્રહ્મલીન થયા બાદ તેમના ઉત્તરાધિકારી તરીકે હરિહરાનંદ ભારતીને જાહેર કરાયા હતા, જેમાં અમદાવાદના સરખેજ વિસ્તારમાં આવેલા ભારતી આશ્રમના વિલને લઇને ઋષિભારતી સાથે વિવાદ સર્જાયો અને હરિહરાનંદ બાપુ વડોદરાની કપુરાઇ ચોકડીથી એક ભક્તની કારમાંથી ઊતરી 30 એપ્રિલ 2022ના રોજ ગુમ થયા. સમગ્ર મામલે વાડી પોલીસ સ્ટેશનમાં અરજી દાખલ થઇ. પોલીસ અને અનુયાયીઓ તેમની શોધખોળ કરવા લાગ્યા. આખરે તેમના અનુયાયીઓને હરિહરાનંદ બાપુ 4 મે 2022ના રોજ નાસિક નજીકથી મળી આવ્યા અને તેમને વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ઓફિસમાં હાજર કરવામાં આવ્યા. હાલ હરિહરાનંદ બાપુ જૂનાગઢ સ્થિત આશ્રમે પહોંચ્યા છે, પરંતુ કરોડો રૂપિયાની સરખેજ આશ્રમની જમીનને લઇને સંતો વચ્ચે આક્ષેપબાજી અને વિવાદ ચાલુ છે.

વિવાદ નંબર-4: ફાઇન આર્ટ્સ ફેકલ્ટીમાં હિન્દુ દેવી-દેવતાઓનાં ચિત્રનો વિવાદ
વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીનાં આર્ટવર્ક માટે પ્રખ્યાત ફેકલ્ટી ઓફ ફાઇન આર્ટ્સમાં 5 મે 2022ના રોજ કુંદન યાદવ નામના વિદ્યાર્થીએ બનાવેલા હિન્દુ દેવી-દેવતાઓનાં ચિત્રોને લઇને ભારે વિવાદ થયો. આ વિદ્યાર્થીએ અખબારોમાં દુષ્કર્મની ઘટનાઓના સમાચારોના પેપર કટિંગમાંથી હિન્દુ દેવી-દેવતાઓનાં આર્ટ તૈયાર કર્યા હતા, જેના ભારે વિરોધ થતાં પોલીસ બોલાવવી પડી અને ઘર્ષણ દરમિયાન સયાજીગંજ પોલીસ સ્ટેશનના પોલીસકર્મી ભરતભાઇને વિરોધ કરવા આવેલી બે વ્યક્તિએ લાફા ઝીંકી દીધા હતા.

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP)ના નેતા અને વિદ્યાર્થીઓ દ્વારા ચિત્રો બનાવનાર વિદ્યાર્થીને રસ્ટિકેટ કરી ફેકલ્ટીના ડીન જયરામ પોંડુવાલને પદેથી હટાવવાની માગણી સાથે યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે ધરણાં કર્યા, જેમાં ફરી પોલીસ સાથે ઘર્ષણ થયું અને 31 લોકો સામે પોલીસ ફરિયાદ દાખલ થઇ. તો સાથે વિવાદાસ્પદ ચિત્રો બનાવનાર સામે પણ સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો અને એમ.એસ. યુનિવર્સિટીની સત્ય શોધક કમિટીએ આ વિદ્યાર્થીને દોષિત ઠેરવી રસ્ટિકેટ કરી નાખ્યો, સાથે ફેકલ્ટી ડીન સહિતના લોકોને કારણદર્શક નોટિસ અપાઇ. સિન્ડિકેટની બેઠકમાં ઐતિહાસિક નિર્ણય લેવાયો કે હવેથી ફાઇન આર્ટ્સ ફેકલ્ટીમાં આવા પ્રકારના એક્ઝિબિશન કમિટીની મંજૂરી લીધા બાદ જ થશે.

વિવાદ નંબર 5: છાણીમાં વડતાલ તાબાના મંદિરમાં પૂજા-અર્ચના કરવાનો વિવાદ
છેલ્લા ચાર મહિનાથી ચાલી રહેલા ધાર્મિક વિવાદ ઓછા હોય તેમ 4 મે, 2022ના રોજ વડોદરાના છાણી વિસ્તારમાં આવેલા વડતાલ તાબાના સ્વામિનારાયણ મંદિરમાં પૂજા-અર્ચના હકના વિવાદને લઇને બે જૂથ સામસામે આવી ગયાં, જેમાં છાણી ગામના સ્વામિનારાયણ ફળિયામાં રહેતા અને ખાનગી બેંકમાં રીજનલ મેનેજર વિપુલભાઇ કોઠારીએ ફરિયાદ નોંધાવી છે કે તેમને અને તેમના સમર્થકોને સામેના જૂથના દિનેશભાઇ ખુશાલભાઇ મિસ્ત્રીએ માર માર્યો તેમજ મંદિરમાં મૂકવામાં આવેલા બે સંતો શ્રીરંગ સ્વામી અને બાલકૃષ્ણ સ્વામીને પરેશાન કરવામાં આવ્યા. તો સામે પક્ષે દિનેશભાઇએ પણ પોલીસ ફરિયાદ નોંધાવી કે વિપુલ કોઠારી અને તેમના સમર્થકોએ તેમને માર માર્યો. આ ઘટનામા મારામારીનાં દૃશ્યો સીસીટીવીમાં કેદ થયાં છે અને પોલીસની તપાસ જારી છે.

અન્ય સમાચારો પણ છે...