• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • From The Stage At The Teacher's Day Program In Vadodara, Presenting On The Issue Of Teachers' Grade Pay old Pension Scheme, Said: 'Are The Representatives Ignorant Of Our Questions?'

વડોદરામાં શિક્ષક દિને હોબાળો:શિક્ષકોએ સ્ટેજ પરથી જ ગ્રેડ-પે અને જૂની પેન્શન યોજનાનો મુદ્દો ઉછાળ્યો, રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું: 'સન્માન સમારોહ, માગણી સમારોહ થઈ ગયો'

વડોદરા21 દિવસ પહેલા
  • સ્ટેજ પરથી શિક્ષકોની રજૂઆતથી મંત્રી અને મેયરમાં નારાજગી જોવા મળી

વડોદરા શહેરમાં શિક્ષક દિને યોજાયેલા શિક્ષક સન્માન સમારોહમાં શિક્ષકોએ સ્ટેજ પરથી ગ્રેડ પે-જૂની પેન્શન યોજના મુદ્દે રજૂઆત કરતાં હોબાળો મચી ગયો હતો. કેબિનેટ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી અને વડોદરાના મેયર સહિતના પદાધિકારીઓની સાથે તેમની હાજરીમાં શિક્ષકોએ ગ્રેડ-પે તેમજ પગાર મામલે જાહેર મંચ પરથી માગણીઓ સંતોષાઈ નથી, એવા જોરદાર ભાષણ કર્યા છે.

4200ના ગ્રેડ પેનો પ્રશ્ન ઉકેલાતો નથી
શિક્ષક સંઘના અગ્રણી પિનાકિન પટેલે જણાવ્યું હતું કે શિક્ષકો માટે જૂની પેન્શન યોજના બંધ કરીને નવી પેન્શન યોજના શરૂ કરી છે. આ અત્યંત દુ:ખદ બાબત છે તેમજ શિક્ષકોનો 6માંથી 4 મહાનગરપાલિકાનો 4200નો ગ્રેડ પેનો પ્રશ્ન પણ અધૂરો છે. અહીંના સાંસદ શિક્ષણ સમિતિના વાઇસ-ચેરમેન હતા. કેબિનેટ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી પણ શિક્ષણ સમિતિના ચેરમેન રહી ચૂક્યા છે. અમે છેલ્લાં 20 વર્ષથી આ પ્રશ્ન માટે લડી રહ્યા છીએ છતાં પણ 4 મહાનગરપાલિકાના શિક્ષકોના આ પ્રશ્નો સોલ્વ થતા નથી.

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, વડોદરા મહાનગરના અધ્યક્ષ કૃણાલ સુથાર અને શિક્ષક સંઘના અગ્રણી પિનાકિન પટેલ.
રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, વડોદરા મહાનગરના અધ્યક્ષ કૃણાલ સુથાર અને શિક્ષક સંઘના અગ્રણી પિનાકિન પટેલ.

દરેક બાળકદીઠ 500 રૂપિયા આપો
શિક્ષક સંઘના અગ્રણી પિનાકિન પટેલે સ્ટેજ પરથી જણાવ્યું હતું કે મે વારંવાર રજૂઆતો કરેલી છે કે શિક્ષકને શિક્ષણ સિવાયની કોઈપણ કામગીરી ન આપો. ઘર હોય, પણ તેને મેઇન્ટેઇન કરવાના પૈસા જ ન હોય તો ઘરને મેઇન્ટેઇન કેવી રીતે કરી શકો. હું બાળકદીઠ દરેક શાળાને 500 રૂપિયાનું મેઇન્ટેન્ટન્સ માગું છું, જેનાથી આચાર્ય પોતાની શાળામાં સુનિયોજિત કાર્ય કરી શકે અને શાળાને સરસ બનાવી શકે.

શિક્ષકોને 4200નો ગ્રેડ પે આપો
રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, વડોદરા મહાનગરના અધ્યક્ષ કૃણાલ સુથારે જણાવ્યું હતું કે શિક્ષકે સ્ટેજ પરથી જણાવ્યું હતું કે છેલ્લા 8 મહિનાથી મહાનગરપાલિકાના શિક્ષકોને 4200નો ગ્રેડ પે શા માટે નથી મળતો એના પર મનોમંથન ચાલી રહ્યું છે. અમારો સંઘ ગાંધીનગર સતત જઈ રહ્યો છે અને 4200નો ગ્રેડ પેનો નિવેડો લાવવા માટે પ્રયાસ કરી રહ્યો છે. 1994 અને 1996માં જે ઠરાવો થયા, જેને લઈને શિક્ષણ સમિતના શિક્ષકોનો 4200નો ગ્રેડ પે બંધ થયો. તો શું આ ઠરાવ બદલાવો જોઈએ કે નહીં? તમામ શિક્ષકોને ગ્રેડ પે મળવો જોઈએ કે ન મળવો જોઈએ? આજે અમુક મહાનગરપાલિકાઓને 4200 ગ્રેડ પે મળતો હોય તો વડોદરા શિક્ષણ સમિતિ આપી શકે કે ન આપી શકે? વડોદરા શિક્ષણ સમિતિના શિક્ષકોને 4200નો ગ્રેડ પે મળવો જોઇએ અને એના માટે અમે સતત કાર્યરત છીએ.

શિક્ષકોના સન્માન સમારોહના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શિક્ષકો હાજર રહ્યા હતા.
શિક્ષકોના સન્માન સમારોહના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શિક્ષકો હાજર રહ્યા હતા.

શું પ્રતિનિધિઓ અમારા પ્રશ્નોથી અજાણ છે?
તેમણે વધુમાં જણાવ્યું હતું કે આપણી સમિતિમાં રાજ્ય લેવલે અને દેશ લેવલે આપણા પ્રતિનિધિઓ છે અને શહેરમાં પણ પ્રતિનિધિઓ છે, તો શું આ પ્રશ્ન તેમનાથી અજાણ છે? તો એ ધારે તો આ ઠરાવ રદ કરી શકે છે એવી મારી તમામ શિક્ષકો વતી અરજી છે તો જ શિક્ષકોનું ખરું સન્માન થયું ગણાશે, તો જ શિક્ષક મુક્ત મને વર્ગખંડમાં બાળકોની વચ્ચે શિક્ષણકાર્ય કરશે અને અન્ય કોઈપણ પ્રકારની કામગીરીમાંથી મુક્ત થશે. શિક્ષકને મળવા પાત્ર સન્માન મળવું જોઈએ ને. 1500 અને 3500 એ પેન્શન નથી. અમારા 2 પ્રશ્ન 4200 ગ્રેડ પે અને જૂની પેન્શન યોજના લાગુ કરો.

શિક્ષકોને આર્થિક નુકસાન
રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, વડોદરા મહાનગરના અધ્યક્ષ કૃણાલ સુથારે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મહાનગરપાલિકાઓમાં શિક્ષકોને માત્ર 2800 ગ્રેડ પે મળતાં તેમને ઘણું આર્થિક નુકસાન ભોગવવું પડે છે. જૂની પેન્શન યોજના શરૂ થાય તો શિક્ષક નિવૃત્ત થાય ત્યારે સ્વમાન અને સન્માન સાથે જીવી શકે. નવી પેન્શન યોજનામાં શિક્ષકોને 1500થી 3500 રૂપિયા મળશે, જેમાં શિક્ષક પોતાના પરિવારનું ભરણપોષણ કેવી કરશે. મંત્રી સહિત તમામ લોકો અમારા પ્રશ્નો જાણે જ છે. 1994 અને 1996ના ઠરાવ રદ થાય તો શિક્ષકોને આર્થિક રીતે ફાયદો થઈ શકે. શિક્ષકોને શિક્ષણને લગતી કામગીરી આપવી જોઈએ.

કેબિનેટ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી.
કેબિનેટ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી.

હું શિક્ષકોની માફી માગું છુંઃ રાજેન્દ્ર ત્રિવેદી
કાયદામંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે તમે બધું જ કરો છો, ક્યાંક ભૂલ થઈ ગઇ એટલે મારે ટોકવું પડ્યું છે. માફ કરજો મને અને આજે માફી પણ માગું છું. આજે ખીચોખીચ હોલ ભરેલો છે. શિક્ષક ભાઈઓને નીચે બેસવું પડ્યું છે, તેમના માટે હું માફી માગું છું. આ હોલમાં જગ્યા ઓછી પડી છે, એના માટે અભિનંદન છે તમને. પરંતુ સરકારના દિલમાં શિક્ષકો પહેલા છે અને આ મેસેજ મુખ્યમંત્રી સુધી પહોંચાડીશ.

શિક્ષકદિનનો સમારોહ, માગણી સમારોહ થઈ ગયોઃ રાજેન્દ્ર ત્રિવેદી
તેમણે વધુમા્ં જણાવ્યું હતું કે આ શિક્ષકદિનનો સન્માન સમારોહ હોવાથી ત્યાં માગણી સમારોહ થઈ ગયો અને ક્યાંય ઓછું લાવવા જેવું નથી. આ શિક્ષકની નોકરી તમે નથી સ્વીકારી, પણ આ ઇશ્વરીય દેન છે. મારા એકેએક શિક્ષક વિદ્યાર્થીઓ માટે અર્પિત છે. વિદ્યાર્થીઓ માટે કંઈપણ કહેવા તૈયાર છે. અમે તમારી પાસેથી શીખ્યા છીએ, તમે અમને ભણાવ્યા છે. જે સમયને સાચવે અને શિક્ષક સાચવે છે.

મેયર કેયૂર રોકડિયા.
મેયર કેયૂર રોકડિયા.

માગણી કરવાનું આ યોગ્ય પ્લેટફોર્મ નહોતુંઃ મેયર
વડોદરાના મેયર કેયૂર રોકડિયાએ જણાવ્યું હતું કે શિક્ષકોએ આજના કાર્યક્રમમાં જે માગ મૂકી છે એની ઉચ્ચ સ્તરે સરકારમાં રજૂ કરીશું. વિદ્યાર્થીદીઠ 500 રૂપિયાની જરૂરિયાત હશે, તો એ પણ અમે પૂરી કરીશું. 4200 ગ્રેડ પે અને પેન્શન પણ રાજ્ય સરકારને લગતી વાત છે. અમે તેમના પ્રશ્નો સાંભળ્યા છે. અમે તેમના પ્રશ્નો શિક્ષણમંત્રી અને મુખ્યમંત્રી સુધી પહોંચાડીશું. આ માગણી કરવાનું યોગ્ય પ્લેટફોર્મ નહોતું. શિક્ષક સંઘની અંદર બે સંઘ અચાનક જ કામ કરી રહ્યા છે, એટલે ચડસાચડસીનો માહોલ પણ જોવા મળ્યો છે. સરકારને શિક્ષકો પર વિશ્વાસ છે, એટલે તેમને મતદાર યાદીનું ડોર ટુ ડોર કામ સોંપાય છે. આ વિશ્વાસની વાત છે અને અમને શિક્ષકો પર પૂર્ણ વિશ્વાસ છે.

અન્ય સમાચારો પણ છે...