હવે 10+2 પેટર્નની સ્કૂલ સિસ્ટમ બદલાશે:CBSE સ્કૂલોમાં નવા વર્ષથી ધો. 10 બોર્ડનો એકડો નિકળી જશે, 5+3+3+4ની નવી પેટર્ન લાગુ થશે

વડોદરા3 મહિનો પહેલા
CBSEના ચેરપર્સન નિધિ છિબ્બર (વચ્ચે).

વડોદરામાં આયોજીત CBSEની નેશનલ એન્યુઅલ કોન્ફરન્સમાં CBSEના ચેરપર્સન નિધિ છિબ્બરે જણાવ્યું હતું કે આગામી વર્ષથી દેશમાં નવી શિક્ષણ નીતિ અનુસાર વિદ્યાર્થીઓ માટે 5+3+3+4 લાગુ કરવામાં આવશે. જેથી ધોરણ 10નું બોર્ડ નિકળી જશે.

CBSE સ્કૂલોનો પ્રિન્સિપલ હાજર રહ્યા
શહેરના સમા-સાવલી રોડ સ્થિત ખાનગી હોલમાં મધ્ય ગુજરાત સહોદય સ્કૂલનું 28મું રાષ્ટ્રીય વાર્ષિક સંમેલન આયોજીત કરવામાં આવ્યું છે. જેમાં ભાગ લેવા માટે CBSEના ચેરપર્સન નિધિ છિબ્બર સહિતના અધિકારીઓ તેમજ CBSE સ્કૂલોના પ્રિન્સિપલ્સ હાજર રહ્યા હતા. આ દરમિયાન સંબોધનમાં નિધિ છિબ્બરે જણાવ્યું હતું કે નવી શિક્ષણ નીતિ પ્રમાણે CBSE સ્કૂલોમાં નવા શૈક્ષણિક સત્રથી 5+3+3+4 ને લાગુ કરવામાં આવશે.

નવી શિક્ષિણ નીતિના અમલ માટે માર્ગદર્શન અપાયું
નિધિ છિબ્બરે કહ્યું કે રાષ્ટ્રીય વાર્ષિક સંમેલનમાં CBSE સ્કૂલનો સંચાલકો અને પ્રિન્સિપલ્સ ભાગ લઇ રહ્યા છે. આ સંમેલનનું આયોજન નવી શિક્ષણ નીતિના અમલના માર્ગદર્શન માટે આયોજીત કરવામાં આવ્યું છે. નવી શિક્ષણ નીતિના અમલમાં CBSEની શું ભૂમિકા રહેશે તે અંગે ચર્ચા કરીશું. આ સંમેલનમાં વિદ્યાર્થિઓનો સર્વાંગી વિકાસ કેવી રીતે કરી શકાય તેના વિશે ચર્ચા કરીશું.

શું છે 5+3+3+4

  • 3થી 6 વર્ષના બાળકને આંગણવાડી, પ્રિસ્કૂલ કે બાળમંદિરમાં અભ્યાસ કરવાનો રહેશે. ત્યાર બાદ 6થી 8 વર્ષના બાળકને ધોરણ-1 અને ધોરણ-2માં ભણવાનું રહેશે. આમ આંગણવાડીથી બીજા ધોરણ સુધીનું 5 વર્ષનું સેગમેન્ટ રહેશે. જેને ફાઉન્ડેશન સ્ટેજ કહેવાશે.
  • 8થી 11 વર્ષના વિદ્યાર્થીને ધોરણ 3થી 5માં અભ્યાસ કરવાનો રહેશે. ત્રણ વર્ષના આ સેગમેન્ટને પ્રિપેરાટોરી સ્ટેજ કહેવાશે
  • 11થી 14 વર્ષના વિદ્યાર્થીને ધોરણ 6થી 8માં અભ્યાસ કરવાનો રહેશે. ત્રણ વર્ષના આ એજ્યુકેશન સેગમેન્ટને મિડલ સ્ટેજ કહેવાશે.
  • જ્યારે 14થી 18 વર્ષના વિદ્યાર્થીએ ધોરણ 9થી 12નો અભ્યાસ કરવાનો રહેશે. ચાર વર્ષના આ એજ્યુકેશન સેગમેન્ટને સેકન્ડરી સ્ટેજ કહેવાશે.

અત્રે ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી એજ્યુકેશનમાં 10+2 હતું. એટલે કે ધોરણ 10 અને ધોરણ 12 એમ બંને બોર્ડ હતું. હવે નવી શિક્ષણ નીતિ અનુસાર પાંચ વર્ષ, ત્રણ વર્ષ, ત્રણ વર્ષ અને ચાર વર્ષ એમ ચાર સ્ટેજમાં એજ્યુકેશન લેવાનું રહેશે. એટલે કે ધોરણ 10નું બોર્ડ નિકળી જશે.