ભાજપના 3 બળવાખોર સામે ગૃહમંત્રી આકરાપાણીએ:'15 નવેમ્બરથી 8 ડિસેમ્બર સુધી વિસ્તારમાં ફરીને પાર્ટી તોડનારા લોકોને શોધી-શોધીને હિસાબ કરજો'

વડોદરાએક મહિનો પહેલા
  • ગૃહમંત્રી સાથે મુલાકાત ટાળવા મધુ શ્રીવાસ્તવે સાળંગપુરનું બહાનું કાઢ્યું
  • સતીષ નિશાળીયાએ ફોન ન ઉઠાવ્યો અને દિનુ મામાનો ફોન સ્વિચ ઓફ

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ભાજપ દ્વારા વડોદરા શહેર-જિલ્લાની બે બેઠકોને બાદ કરતા તમામ ઉમેદવારો જાહેર કરતા વાઘોડિયા, કરજણ અને પાદરા બેઠક ઉપર ભડકો થયો છે. આ ત્રણેય બેઠકના વર્તમાન ધારાસભ્ય અને બે પૂર્વ ધારાસભ્યોએ અપક્ષ અથવા અન્ય પાર્ટીના બેનર હેઠળ ચૂંટણી લડવા માટે રણશિંગુ ફૂંકી દીધું છે, ત્યારે ભાજપ દ્વારા વર્તમાન અને બે પૂર્વ ધારાસભ્યો બળવો કરી ચૂંટણી લડે ન તે માટે ડેમેજ કંટ્રોલની શરૂઆત કરી દીધી છે, ત્યારે વાઘોડિયા, કરજણ અને પાદરા બેઠકના હોદ્દેદારો-કાર્યકરોની મુલાકાતે આવેલા રાજ્યના ગૃહમંત્રીએ કરજણમાં બળવાખોર પર નિશાન સાંધતા જણાવ્યું હતું કે, 15 નવેમ્બકરથી 8 ડિસેમ્બર તારીખ સુધી વિસ્તારમાં ફરીને પાર્ટી તોડનારા લોકોને શોધી શોધીને તેમનો હિસાબ કરવાનું ચૂકતા નહીં

કાર્યકરોને મળવાના નામે ગૃહમંત્રી પહોંચ્યા
વડોદરા જિલ્લાની વાઘોડિયા બેઠકના વર્તમાન ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ, કરજણ બેઠક ઉપર ભાજપના પૂર્વ ધારાસભ્ય સતિષ પટેલ (નિશાળીયા) અને પાદરા બેઠકના ભાજપાના પૂર્વ ધારાસભ્ય દિનેશ પટેલ (દિનુ મામા)ને ભાજપમાંથી ટિકિટ ન મળતા તેઓએ બળવો કરી ચૂંટણી લડવાની જાહેરાત કરતા ભાજપમાં સન્નાટો વ્યાપી ગયો છે, ત્યારે આ ત્રણેયને સમજાવવા માટે પ્રદેશ ભાજપ દ્વારા શરૂઆત કરી દેવામાં આવી છે. જેના ભાગરૂપે આજે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી આ ત્રણેય બેઠકના કાર્યકરોને મળવાના નામે મુલાકાત લીધી હતી.

વાઘોડિયા ખાતે પહોંચેલા ગૃહમંત્રી હર્ષ સંઘવી.
વાઘોડિયા ખાતે પહોંચેલા ગૃહમંત્રી હર્ષ સંઘવી.

પ્રદેશ કાર્યાલયે ફોન કર્યાં
મળેલી માહિતી પ્રમાણે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી વાઘોડિયા કાર્યકરોને મળવા ગયા હતા. તે સમયે પ્રદેશ કાર્યાલય તરફથી વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને જણાવાયું હતું કે, ગૃહમંત્રીને મળવા જજો, ત્યારે મધુ શ્રીવાસ્તવે મુલાકાત ટાળવા માટે જણાવ્યું હતું કે, હું સાળંગપુર હનુમાનજીના દર્શન કરવા માટે આવ્યો છું. મુલાકાત થઇ શકશે નહીં. મધુ શ્રીવાસ્તવે મુલાકાત ટાળતા ગૃહમંત્રી ધૂંઆપૂંઆ થઇ ગયા હતા અને તે બાદ તેઓ કરજણ ખાતે આયોજીત કાર્યકરોની બેઠકમાં હાજરી આપી હતી.

કરજણમાં કાર્યકરોને સંબોધી રહેલા ગૃહમંત્રી.
કરજણમાં કાર્યકરોને સંબોધી રહેલા ગૃહમંત્રી.

કરજણમાં ગૃહમંત્રી અકળાયા
પ્રદેશ કાર્યાલય તરફથી બળવો કરીને કરજણ બેઠક ઉપર ચૂંટણી લડવાની તૈયારી કરી રહેલા પૂર્વ ધારાસભ્ય સતીષ પટેલ (નિશાળીયા)નો પણ સંપર્ક કરવામાં આવ્યો હતો. પરંતુ, ગૃહમંત્રી સાથેની મુલાકાત ટાળવા માટે તેઓએ ફોન રિસીવ કર્યો ન હોવાનું જાણવા મળ્યું હતું. બળવો કરીને ચૂંટણી લડવાની જાહેરાત કરનાર પૂર્વ ધારાસભ્ય સતીષ પટેલે (નિશાળીયા) પણ ગૃહમંત્રીની મુલાકાત કરવાનું ટાળતા ગૃહમંત્રી હર્ષ સંઘવી ભાજપ કાર્યકરોને સંબોધતા સમયે બળાવાખોરો સામે નિશાન સાધ્યું હતું. તે સાથે આમ આદમી પાર્ટી ઉપર પણ વરસ્યા હતા.

કરજણના બળવાખોર પૂર્વ ધારાસભ્ય સતિષ પટેલ (નિશાળીયા).
કરજણના બળવાખોર પૂર્વ ધારાસભ્ય સતિષ પટેલ (નિશાળીયા).

જોરદાર રેલી કાઢજો
કરજણમાં કાર્યકરોને સંબોધતા ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ભાજપ આપણી માં છે. ભાજપે આપણને ઓળખ આપી છે, તે ભૂલતા નહીં. તો તારીખ 15 નવેમ્બરથી 8 ડિસેમ્બર યાદ રાખજો અને વિસ્તારમાં ફરીને પાર્ટી તોડનારા લોકોને શોધી-શોધીને તેમનો હિસાબ કરવાનું ચૂકતા નહીં. ફોર્મ ભરતાની સાથે જ વિરોધીઓ કરજણ છોડીને જતા રહે તેવી રેલી કાઢજો. ભાજપ અને ગુજરાતની જનતા ન હોય તો મારી અને તમારી કોઈ ઓળખ નથી.

પાદરાના બળવાખોર પૂર્વ ધારાસભ્ય દિનેશ પટેલ (દિનુ મામા).
પાદરાના બળવાખોર પૂર્વ ધારાસભ્ય દિનેશ પટેલ (દિનુ મામા).

માહોલ બગાડવાની કોશિષ
ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કરજણમાં આમ આદમી પાર્ટી પર નિશાન સાધતા જણાવ્યું કે, ઇમાનદારી અને ગરીબોની વાતો કરનારા લોકો કરોડો રૂપિયાનાં હવાલા કૌભાંડ કરી રહ્યા છે. દિલ્હી અને પંજાબથી હવાલા મારફતે ગુજરાતમાં રૂપિયા મોકલે છે. આમ આદમી પાર્ટી હવાલાથી ગુજરાતમાં રૂપિયા મોકલીને ગુજરાતનો માહોલ બગાડવાની કોશિષ કરી રહી છે, આ બાબતથી ચેતજો.

મોડી સાંજ સુધી ચૂંટણી લડવા મક્કમ
બળવાખોરોને સમજાવવા માટે આજે વાઘોડિયા, કરજણ અને પાદરા આવેલા રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીને ધક્કો પડ્યો હતો. બીજી બાજુ આજે મોડી સાંજ સુધી વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ, કરજણના પૂર્વ ધારાસભ્ય સતીષ પટેલ (નિશાળીયા) અને પાદરાના પૂર્વ ધારાસભ્ય દિનેશ પેટલ (દિનુ મામા) પોતાની બેઠકો ઉપર બળવો કરી ચૂંટણી લડવા માટે મક્કમ હોવાનું જાણવા મળ્યું હતું.

કાર્યકરો સાથે વાઘોડિયાના બળવાખોર ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ.
કાર્યકરો સાથે વાઘોડિયાના બળવાખોર ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ.

બળવાખોરોની વિદાય નક્કી
તો બીજી બાજુ એવી પણ માહિતી હતી કે, જો વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ, કરજણના પૂર્વ ધારાસભ્ય સતીષ પટેલ (નિશાળીયા) અને પાદરાના ધારાસભ્ય દિનેશ પટેલ (દિનુ મામા) પોતાની બળવો કરીને પોતાની બેઠક ઉપર ચૂંટણી લડવાની જીદ નહીં છોડે તો મોડી રાત સુધીમાં આ ત્રણેયને ભાજપ આગામી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવાની તૈયારી કરી રહ્યું હોવાનું શસ્ત્ર ઉગામે તેવી ભાજપાના વગદાર વર્તુળોમાંથી જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...