ભાસ્કર એક્સક્લુઝિવ:1 જુલાઇથી પ્રસંગોમાં વપરાતી થર્મોકોલની ડીશ,પ્લાસ્ટિકના ગ્લાસ નહીં વાપરી શકાય

વડોદરાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વડોદરાનાં 11 યુનિટોને સિંગલ યૂઝ પ્લાસ્ટિકનું ઉત્પાદન ન કરવા GPCBની નોટિસ
 • હાલમાં સિંગલ યૂઝ પ્લાસ્ટિકનો રોજ 5થી 7 ટનનો વપરાશ થાય છે

આગામી 1લી જુલાઇથી દેશભરમાં પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલયના નોટિફિકેશન મુજબ સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉત્પાદન, આયાત, સંગ્રહ , વિતરણ, વેપાર અને વપરાશ પર પ્રતિબંધ મૂકાયો છે. જે સંદર્ભે વડોદરાની પ્રદુષણ વિભાગની કચેરી દ્વારા શહેરના 11 સિંગલ યુઝ પ્લાસ્ટિક યુનિટને પ્રતિબંધક નોટિસો આપીને 1લી જુલાઇથી ઉત્પાદન બંધ કરવાના આદેશ આપવામાં આવ્યાં છે. આ પ્રતિબંધ બાદ 100 માઇક્રોનથી ઓછી જાડાઇની સંખ્યાબંધ એવી ચીજો જે એકવારનો ઉપયોગ કરીને જ ફેકવામાં આવે છે તેનો કોઇ ઉપયોગ પણ કરી શકશે નહીં. જેને પગલે નાના મોટા પ્રસંગોમાં વપરાતી થર્મોકોલની ડીસ્પોઝલ ડીશ, પ્લાસ્ટીકના ગ્લાસ સહિતની વસ્તુઓ પણ નહીં વાપરી શકાય.

આ નિયમનો ભંગ શહેર-જિલ્લામાં ન થાય તે માટેની જવાબદારી જીપીસીબી અને પાલિકાની છે. જીપીસીબીના પ્રાદેશિક અધિકારી આર.બી.ત્રિવેદીએ જણાવ્યું કે, વડોદરામાં પ્લાસ્ટિકની વસ્તુ બનાવતા 260 ઉદ્યોગો છે. જેમાંથી સિંગલ યુઝ પ્લાસ્ટિકનું મેન્યૂફેકચરિંગ કરતા 11 યુનિટોને આગોતરી નોટિસ આપી છે કે આ ઉત્પાદન 1લી જુલાઇથી બંધ કરે. આ ઉપરાંત કલેક્ટર, ડીડીઓ, મ્યુ. કમિશનરને પણ નિયમનો અમલ કરવાના નિર્દેશો મોકલાયા છે.’ વડોદરા પાલિકા દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિકના વેચાણ, વિતરણ અને ઉપયોગ સંબંધે જથ્થાબંધ અને રિટેલર તથા તમામ વાણિજ્યિક વેચારણકર્તા અને વપરાશકર્તાને એકમોનો સરવે અને મોનિટરિંગ અને પ્રતિબંધોનો ભંગ કરતા તમામ સામે કાર્યવાહી કરો.

નવા નિયમ મુજબ કેરી બેગની જાડાઇ 50 માઇક્રોનથી 75 માઇક્રોન અને 31મી ડિસેમ્બરથી આ જાડાઇ 75 માઇક્રોનથી 120 માઇક્રોન કરવાની રહેશે. ઉલ્લેખનીય છે કે, વડોદરામાં રોજનો 50 ટન પ્લાસ્ટિક વેસ્ટ સર્જાય છે. જોકે સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વપરાશ પાંચથી 7 ટનની આસપાસ છે.

આ ચીજો પર પ્રતિબંધ

 • પીણામાં અપાતી પ્લાસ્ટિક સ્ટ્રો
 • પ્લાસ્ટિક ડીશ
 • ફુગ્ગા સાથે જોડવામાં આવતી પ્લાસ્ટિકની દંડી
 • ઇયર બડ્સ
 • કપ - ગ્લાસ
 • બેનર
 • પ્લાસ્ટિક ધ્વજ
 • કેન્ડી સ્ટીક્સ
 • આઇસક્રીમની દાંડી
 • થર્મોકોલની સજાવટની સામગ્રી
 • થર્મોકોલની પ્લેટો - કપ, ગ્લાસ, કાંટા, ચમચી, ચાકુ
 • સ્ટ્રો જેવી કટલરી
 • મીઠાઇના ડબા
 • નિમંત્રણ કાર્ડ
 • સિગરેટના પેકેટ

નિયમભંગ કરનાર ઉત્પાદકને રૂા.5000 દંડ થશે
સિંગલ યુઝ પ્લાસ્ટિકનું કોઇ ઉત્પાદન કે વપરાશ કરશે તો તંત્ર દ્વારા સામાન જપ્ત કરાશે. જીપીસીબીની ગાઇડલાઇન મુજબ રૂ.5000 પ્રતિ ટન એન્વાયર્મેન્ટ કમ્પેન્સેશનરૂપે વસૂલ કરાશે. આ માટે પાલિકાને જાગૃતિ કાર્યક્રમ કરવાની પણ સૂચના અપાઇ આવી છે.

પ્રતિબંધનો ગાળિયો પહેલીવાર મેન્યૂફેક્ચરર્સ પર કસાયો
અગાઉ પણ સિંગલ યૂઝ પ્લાસ્ટિકના વપરાશ અંગે નિયમો જાહેર કરાયા હતા. જેનું પાલન જાણે વેપારીઓ જ કરવાનું હોય તેવું વલણ તંત્ર રાખતુ઼ હતું. આ વખતે પહેલીવાર પ્લાસ્ટિક પ્રતિબંધનો ગાળિયો પહેલીવાર મેન્યૂફેકચરર્સ પર કસાયો છે.

અન્ય સમાચારો પણ છે...