વડોદરા મેયરના નામે ઠગાઈ:મેસેજ કરીને કહ્યું, ‘મદદ કરો’ ને આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરે તાત્કાલિક 50 હજાર મોકલી દીધા!

વડોદરા8 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફેક એકાઉન્ટથી થયેલી વાતચીતનો વોટ્સએપ મેસેજ - Divya Bhaskar
ફેક એકાઉન્ટથી થયેલી વાતચીતનો વોટ્સએપ મેસેજ
  • સોશિયલ મીડિયા પર મેયરનો ફોટો મૂકી હોદ્દેદારો-અધિકારીને મેસેજ મોકલ્યા

મેયરના ફોટાવાળા નંબર પરથી પાલિકાના હોદ્દેદારો અને અધિકારીઓને મેસેજ કરી નાણાં મગાયાં હોવાનો કિસ્સો સપાટી પર આવ્યાે છે. પાલિકાના એક અધિકારીએ તો ઠગના મેસેજ બાદ 50 હજાર ટ્રાન્સફર કર્યા હતા. સાઇબર ક્રાઇમમાં ફરિયાદ કરાઈ છે.

મેયર કેયુર રોકડિયાના ફોટાનો ઉપયોગ કરી ભેજાબાજે અજાણ્યા નંબર પરથી પાલિકાના હોદ્દેદારોને તેમજ અધિકારીઓને મેસેજ કર્યા હતા. જેમાં અંગ્રેજીમાં હું એક મહત્ત્વપૂર્ણ બેઠકમાં છું, જેમાં મર્યાદિત ફોન કોલ્સ લઈ શકું છું. તમે મારા માટે તાત્કાલિક કંઈ કરો, તેમ જણાવ્યું હતું. મેયરના ફોટા સાથેનો મેસેજ જોઈ હોદ્દેદારો અને વેપારીઓએ જવાબ આપ્યો હતો. જે બાદ ભેજાબાજે ઓનલાઈન એપ્લિકેશન મારફતે નાણાં માગ્યાં હતાં. જેમાં આસિ. મ્યુ. કમિ.જિજ્ઞેશ ગોહિલે તુરંત 50 હજાર મોકલ્યા હતા.

બીજી તરફ અન્ય હોદ્દેદારે રૂા. 100 મોકલી ટેસ્ટિંગ કર્યું હતું. આ અંગેની જાણ થતાં મેયરે સાઇબર એક્સપર્ટનું ધ્યાન દોર્યું હતું. જ્યારે નાણાં મોકલનાર અધિકારીએ સાઇબર ક્રાઇમમાં ફરિયાદ આપી હતી. ઉલ્લેખનીય છે કે, અગાઉ એક હોદ્દેદારે પણ સોશિયલ મીડિયામાં આવેલા મેસેજને સાચો માની 84 હજાર ગુમાવ્યા હતા.

લોકો સાવચેત રહે
કેટલાક હોદ્દેદારો અને અધિકારીઓને મારા ફોટાવાળા અજાણ્યા નંબરથી મેસેજ આવ્યા છે, તેવું જાણવા મળ્યું છે. આ હું નથી, ફ્રોડ લોકો છે. આવા લોકોને રૂપિયા આપવા નહિ. ઓટીપી અને પાસવર્ડ શેર ન કરશો. મારા ધ્યાને આ બાબત આવતાં જ આ અંગે પોલીસને જાણ કરી છે. - કેયુર રોકડિયા, મેયર