છેતરપિંડી:શેર બજારમાં ઇન્વેસ્ટ કરવાના નામે રું.5.11 લાખની છેતરપિંડી

વડોદરા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • તરસાલીના યુવાનને અમદાવાદના ભેજાબાજે ચૂનો ચોપડ્યો
  • સારા​​​​​​​ વળતરની લાલચે નાણાં પડાવ્યા બાદ ફોન નંબર બ્લોક કરી દીધો

તરસાલી વિસ્તારમાં રહેતા યુવકને અમદાવાદમાં રહેતા શખ્સે શેર બજારમાં ઇન્વેસ્ટ કરશો તો સારું વળતર મળશે તેવી લાલચ આપી 5.11 લાખ પડાવી લેતાં સાઇબર ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવાઈ હતી. તરસાલી રિંગ રોડ પર શિલ્પ રેસિડેન્સીમાં રહેતા અંકુર પુરણલાલ ગુલયાનીએ પોલીસમાં અમદાવાદના વેદાંગસિંગ રાણા સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત મે માસમાં તે તરસાલી રિંગ રોડની લારી પર ચા પીવા ગયા હતા ત્યારે ત્યાં 4-5 જણા ઊભા હતા.

તેમને તેણે પોલિસી બાબતે સમજાવ્યા હતા અને તેમાંથી એક શખ્સે તેમને શેર માર્કેટમાં રોકવા અને સારા વળતર માટેની સ્કીમ સમજાવી મોબાઇલ નંબર આપ્યો હતો. આ શખ્સે ફોન કરી પોતાની ઓળખ વેદાંગસિંગ રાણા હોવાનું અને તે ઇન્વેસ્ટમેન્ટ બ્રોકર હોવાનું જણાવ્યું હતું. વેદાંગસિંગે તેને શેર બજારમાં સારું વળતર અપાવવાની લાલચ આપી 50 હજાર ટ્રાન્સફર કરાવ્યા હતા. ત્યારબાદ વેદાંગે પરિવારમાં એક સભ્યની તબીયત વધુ ખરાબ હોવાનું જણાવી વધુ 50 હજાર મેળવ્યા હતા અને પૈસા પરત આપ્યા ન હતા.

તે પછી વેદાંગે ફરીથી ફોન કરી દોઢ લાખ રોકાણ કરશો તો 15 હજારનું વળતર આપીશ તેમ જણાવી વધુ દોઢ લાખ મેળવ્યા હતા. તેણે ગોલ્ડમાં ઇન્વેસ્ટ કરવાના બહાને વધુ 1 લાખ માગ્યા હતા અને 2 દિવસમાં 3.50 લાખનું વળતર આપીશ તેવી લાલચ આપી હતી અને વધુ 50 હજાર ટ્રાન્સફર કરાવ્યા હતા. વેદાંગસિંગે અલગ-અલગ પ્રકારના બહાના કરીને યુવક પાસેથી રૂા.5.11 લાખ ટ્રાન્સફર કરાવ્યા હતા. તે પછી વેદાંગે યુવકનો નંબર બ્લોક લિસ્ટમાં નાખી દીધો હતો અને પૈસા પરત કર્યા ન હતા. પોતાની સાથે છેતરપિંડી થઇ હોવાનું જણાતાં યુવકે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. સાઇબર ક્રાઇમ પોલીસે ગુનો નોંધી તપાસ આદરી હતી.

અન્ય સમાચારો પણ છે...