સફળતા:વડોદરામાં GACL સાથે શિપ ભાડાના બહાને થયેલી ઠગાઇના 1.94 કરોડ રૂપિયા સાઇબર ક્રાઇમ બ્રાન્ચે કંપનીને પરત અપાવ્યા

વડોદરા8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કંપનીના ચેન્નઈ સ્થિત એજન્ટના ઇ-મેલથી ગઠિયાએ બેંક ડિટેઇલમાં ફેરફાર કરી દીધો હતો

વડોદરા શહેરની જીએસીએલ કંપનીના ચેન્નઇ સ્થિત એજન્ટના મેઇલ આઇડીનો દુરુપયોગ કરી મેઇલમાં ખોટી માહિતી આપી કંપની પાસેથી રો મટિરિયલનું શિપનું ભાડું મેળવવાના બહાને 1.94 કરોડ બેંક ખાતામાં ભરાવી લીધા હતા. કંપનીની ફરિયાદના આધારે વડોદરા સાઇબર ક્રાઇમ બ્રાન્ચે 1.94 કરોડ રૂપિયા પરત અપાવ્યા છે.

કંપનીના ફાઇનાન્સ વિભાગના એડિશનલ જનરલ મેનેજર રામપ્રેમચંદ ગીઆનાનીએ શહેર સાઇબર ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી કે, તેમની રણોલીમાં આવેલી કંપનીમાં કોસ્ટિક સોડા બનાવવામાં આવે છે. તે ઓર્ડરનું મટિરિયલ તેઓ શિપ દ્વારા દરિયાઇ માર્ગે મોકલે છે, જે માટે કંપનીનો ચેન્નાઇમાં ઓશન મુવર્સ નામનો એજન્ટ આવેલો છે. એજન્ટ ઓર્ડર મોકલવા માટે શિપ શોધી આપે છે.

ગત માર્ચ માસમાં કંપનીનું રો મટિરિયલ ભરીને શિપ વિશાખાપટ્ટનમ મોકલવામાં આવ્યું હતું, જેનું 1.94 કરોડ ભાડું કંપનીએ ચૂકવવાનું હતું. ચેન્નાઇના એજન્ટે મેઇલ કરીને બેંક ડિટેઇલ મોકલી હતી, જેમાં પૈસા ભરવાના હતા. ત્યારબાદ એજન્ટે મેઇલ કરી જાણ કરી હતી કે, શિપના માલિકને અમેરિકન ડોલરમાં પૈસા જોઇએ છે. તે પછી એજન્ટના મેઇલ આઇડી પર કરારની બેંક માહિતી મોકલાઇ હતી. એજન્ટના મેઇલ આઇડી તરફથી બીજો મેઇલ આવ્યો હતો, જેમાં ડિટેઇલમાં ફેરફાર જણાયો હતો.

કંપનીએ મેઇલમાં આવેલ ટાર્ગો બેંકના ખાતામાં 2,65,000 યુએસડી એટલે કે ભારતીય ચલણમાં 1.94 કરોડ ટ્રાન્સફર કરી મોકલી આપ્યા હતા. ત્યારબાદ એજન્ટે જાણ કરી હતી કે, શિપના માલિકને પૈસા મળ્યા નથી. જેથી તપાસ કરાતાં ખોટું ટ્રાન્જેક્શન થયું હોવાનું બહાર આવ્યું હતું.

ગઠિયાએ એજન્ટના મેઇલ આઇડીનો દુરુપયોગ કરી રો મટિરિયલનું શિપના ભાડાના બહાને 1.94 કરોડ ટ્રાન્સફર કરાવી છેતરપિંડી કરાઇ હોવાનું જણાયું હતું. પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ આદરી હતી. જેમાં વડોદરા સાઇબર ક્રાઇમ બ્રાન્ચે 1.94 કરોડ રૂપિયા પરત અપાવ્યા છે.

ટેક્નિકલ સોર્સની મદદથી હેકર્સની તપાસ
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, જીએસીએલ કંપનીના એજન્ટનું ઇ-મેલ હેક કરીને ઓર્ડરનું ઇનવોઇસ બદલી તથા બેંકની માહિતી બદલી નાખી પૈસા ટાર્ગો બેંકમાં જમા કરાવ્યા હતા. જેથી સમગ્ર બાબતો અંગે ટેક્નિકલ સર્વેલન્સ દ્વારા તપાસ કરાઇ રહી છે. જોકે હજુ હેકર્સ વિશે કોઇ ચોક્કસ કડી મળી શકી નથી.

અન્ય સમાચારો પણ છે...