ચૂનો ચોપડ્યો:ભાગીદારની જાણ બહાર બારોબાર વ્યવહાર કરી 13.81 લાખની ઠગાઈ

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • RO મશીનના કોન્ટ્રાક્ટની લાલચ આપી કંપની બનાવી હતી
  • અન્ય કંપનીના વકીલની નોટિસ ઘરે આવતાં કૌભાંડનો ભાંડો ફૂટ્યો

આરઓ મશીનના કોન્ટ્રાક્ટ મેળવવાની લાલચ આપી કંપની બનાવી ભાગીદારે અન્ય ભાગીદારની જાણ બહાર લોકો પાસેથી ડિપોઝિટ પેટે રૂા. 13.81 લાખ ઉઘરાવી કંપનીના દસ્તાવેજ અને ચેકનો ઉપયોગ કરતાં તેના વિરુદ્ધ પૂર્વ આયોજિત કાવતરું રચી ઠગાઈ કરવાની ફરિયાદ આપવામાં આવતાં પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

પોલીસના જણાવ્યા અનુસાર તરસાલી સોમનાથ નગરમાં રહેતા નિલેશ મહાજને માંજલપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં જણાવ્યું હતું કે, વર્ષ 2017-18માં તેઓનો ભેટો જ્યુપિટર ચોકડી પાસે લારી ચલાવતા અને વડસર શુભ એન્કલેવમાં રહેતા રવિ બાબુલાલ ભાટિયા સાથે થયો હતો. તેણે રાજસ્થાનની કંપનીનું આરઓ મશીન માટેનું કામ તેને મળવાનું છે, તેમ કહી નિલેશ મહાજનને વિશ્વાસમાં લીધા હતા અને ભાગીદારીમાં આરબીએનએમ કન્સલ્ટન્ટ પ્રા.લિ. રજિસ્ટર કરી હતી. તેઓએ કંપનીના નામે બેંકમાં ખાતું પણ ખોલાવ્યું હતું અને ચેકબુક રવિ ભાટિયાએ તેની પાસે રાખી હતી. મહિનાઓ વીતવા છતાં કંપનીને આરઓ મશીનનું કામ ન મળતાં નિલેશ મહાજને રવિને કોન્ટ્રાક્ટ વિશે પૂછ્યું હતું.

જોકે રવિએ તેમને કોન્ટ્રાક્ટ તેમની કંપનીને જ મળશે તેમ જણાવી શાંત પાડ્યા હતા. નિલેશ મહાજનની આર્થિક સ્થિતિ બગડતાં તેણે મકરપુરા કંપનીમાં નોકરી શરૂ કરી હતી. દરમિયાન તેઓએ રવિ ભાટિયાને કંપનીના નામે ખાતું બંધ કરાવી દેવા જણાવતાં તેણે ખાતું બંધ કરાવ્યું હોવાનું કહ્યું હતું. જોકે વર્ષ 2020માં સાબરકાંઠાના મહેન્દ્ર ભોગીલાલ પટેલના વકીલ મારફતે એક નોટિસ નિલેશ મહાજનના ઘરે આવી હતી. જેમાં તેઓની કંપનીના અલગ-અલગ ચેક મારફતે રૂા. 13.81 લાખ મહેન્દ્ર પટેલને આપ્યા હોવાનું અને તે ચેક રિટર્ન થયા હોવાનું જાણવા મળતાં તેઓ ચોંકી ઊઠ્યા હતા.

તપાસ કરતાં રવિ ભાટિયાએ તેમની ફર્મને અન્ય ફર્મ સાથે જોડી વ્યવહારો કર્યા હોવાની માહિતી મળી હતી. તદુપરાંત કંપનીમાંથી રાજીનામું આપ્યું હતું. રાજીનામું આપ્યા બાદ રવિ ભાટિયાએ નિલેશ મહાજનનો ફોન રિસીવ કરવાનું બંધ કરતાં તેઓએ બેંકમાં તપાસ કરી હતી. જેમાં રવિએ જાણ બહાર બેંકમાંથી નંબર પણ ચેન્જ કરાવ્યો હોવાની સપાટી પર આવતાં જ નિલેશ મહાજને રવિ ભાટિયા વિરુદ્ધ પૂર્વ આયોજિત કાવતરું રચી ઠગાઈ કરવામાં આવી હોવાની ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...