ઠગાઇ:IIFL ફાઇનાન્સ કંપની સાથે રૂા.1.29 કરોડની છેતરપિંડી

વડોદરા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગીરો મૂકેલાં ગોલ્ડનાં નાણાં ભરપાઇ કર્યાં પણ પૈસા જમા ના કરાવ્યા
  • 2 બ્રાન્ચ મેનેજર​​​​​​​ સહિત 7 સામે વિશ્વાસઘાતનો ગુનો નોંધાયો

હરણી વારસીયા રીંગ રોડની આઇઆઇએફએલ કંપની સાથે બેંકના મહિલા સહિત 2 બ્રાન્ચ મેનેજર અને કર્મીઓએ 1.29 કરોડની છેતરપીંડી કરતાં વારસીયા પોલીસે ગુનો નોંધ્યો હતો.

વારસીયા પોલીસમાં કંપનીના રીજનલ મેનેજર નિખીલ સિંધે (ન્યુ સમા રોડ) વારસીયા હરણી રિંગ રોડ પરની આઇઆઇએફએલ કંપનીના બ્રાન્ચ મેનેજર કિરણબેન ગોપીચંદ પુરુષવાણી (સંતકંવર કોલોની, વારસીયા) તથા આસિ. મેનેજરો વિકીતા રવિ ચૌહાણ (સોહમ રેસીડેન્સી, ખોડીયારનગર), પ્રિયલ મનસુખ ગોહિલ (વિજયનગર, હરણી રોડ), કર્મચારી દિલીપ સતિષ જાડેજા (સાંનીધ્ય ટાઉનશીપ, ન્યુવીઆઇપી રોડ), ડભોઇ બ્રાન્ચ મેનેજર વિશાલ પરેશ ઓડ (ગોસાઇ મહોલ્લો, વારસીયા), અંબીકા જ્વેલર્સ વાઘોડીયા રોડના વિકાસ પંકજ ઝીંઝુંવાડીયા (જલારામ પાર્ક, સંગમ ચાર રસ્તા) તથા સોની રમેશ હોતચંદ શીતલાણી (અરવિંદ પાર્ક, વારસીયા રીંગ રોડ) સામે ફરિયાદ નોંધાવી છે. જે મુજબ કંપનીમાં સોનાના દાગીના ગીરવે મૂકી લોન લેનાર ગ્રાહકો જેમણે લોન ભરપાઇ કરી હતી તેના રુપીયા કિરણે વારસીયા બ્રાન્ચમાં જમા કરાવ્યા ન હતા અને બ્રાન્ચ મેનેજર તથા કર્મચારીઓએ મળીને ગીરવે મુકેલા દાગીનાના પેકેટો તોડી તેમાંથી થોડા દાગીના કાઢી લીધા હતા. તેના જુદા જુદા પેકેટો બનાવી લોન મેળવી હતી. ઉપરાંત તમામે એક ગ્રાહકના પેકેટમાં અડધું નકલી સોનુ ઉમેરીને તેના પર પણ લોન મેળવી હતી. ગ્રાહકોના 23 પેકેટ વગે કરી કિરણે આ પેકેટના દાગીના વિકાસ ઝીંઝુંવાડીયાને તથા રમેશ શીતલાણીને આપી વ્યાજે નાણાં માંગ્યા હતા અને બંનેએ લોન આપી હતી અને ઘરેણા લઇ લીધા હતા.

ઓડીટ વખતે રમેશે 6 સીલબંધ પેકેટ લઇને કિરણને આપતાં તેણે ઓડીટર પ્રિયાંક પટેલને આપતાં તેમણે જમા લીધા હતા અને કિરણે ડભોઇ બ્રાન્ચ મેનેજર વિશાલને પૈસાની જરુર છે તેમ કહી વારસીયા બ્રાન્ચના ગ્રાહકોના ઘરેણાં ડભોઇ બ્રાન્ચમાં મોકલતાં વિશાલે ડભોઇ બ્રાન્ચમાંથી 26.88 લાખની લોન લીધી હતી. પોલીસે કિરણ, વિશાલ ઓડ, વિકાસ અને રમેશ શીતલાણીની અટકાયત કરી હતી. તપાસમાં બહાર આવ્યું કે બ્રાન્ચ મેનેજરો અને કર્મચારીઓએ ભેગા મળીને દાગીનાના પેકેટના 36 પેકેટ વગે કર્યા હતા. જે પૈકી 13 23 પેકેટ કબજે કરવાના બાકી છે. ફરિયાદમાં આરોપ લગાવાયો કે પુર્વ નિયોજીત કાવતરું રચી ખોટા દસ્તાવેજોથી નાણાંનું ધીરાણ મેળવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...