કર્મચારીઓની તરફેણમાં શિક્ષણ સમિતિનો ઠરાવ અને કોર્ટનો નિર્ણય હોવા છતાં વડોદરા કોર્પોરેશન રસ ન દાખવતા કર્મચારીઓના કાયમી થવા મુદ્દે બ્રેક વાગી છે, જેથી અગાઉ ચોથા વર્ગના કર્મચારીઓએ તંત્રને 10 દિવસનું અલ્ટીમેટમ આપ્યું હતું. તેમ છતાં કોઈ નિર્ણય ન આવતા હવે કર્મચારીઓએ આંદોલનનું રણશિંગું ફૂંક્યું છે. આજે ચોથા વર્ગના કર્મચારીઓએ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચોથા વર્ગ કર્મચારી સંઘના નેજા હેઠળ ધરણા યોજી ભીખ માંગીને અનોખો વિરોધ પ્રદર્શિત કર્યો હતો.
નિવૃત્તિ બાદ પેન્શનનો લાભ ન મળતા આર્થિક સ્થિતિ ગંભીર
વડોદરા કોર્પોરેશન હસ્તક નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા ,બાલવાડી તથા કચેરીમાં ફરજ બજાવતા ચોથા વર્ગના 570 કર્મચારીઓ હતા. છેલ્લા 30 વર્ષથી તેઓએ કાયમી થવા બાબતે તંત્ર સામે બાંયો ચડાવી છે અને ગાંધી ચિંધ્યા માર્ગે સતત લડત ચલાવી રહ્યા છે. હાલ 380 જેટલા કર્મચારીઓ નિવૃત્ત અને કેટલાક કર્મચારીઓ મૃત્યુ પામ્યા છે. જ્યારે 190 કર્મચારીઓ કાર્યરત છે. નિવૃત્તિ બાદ પેન્શનનો લાભ નહીં મળતા આર્થિક પરિસ્થિતિ ગંભીર બની છે.
વડોદરા કોર્પોરેશનની બેવડી નીતિ છતી થઈ
વર્ષ 2019 દરમિયાન લેબર કોર્ટએ કર્મચારીઓની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. ત્યારબાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સામાન્ય સભામાં લેબર કોર્ટના ચુકાદાનો અમલ કરી કાયમી કરવા બાબતનો ઠરાવ કર્યો હતો. જે મંજૂરી અર્થે વડોદરા કોર્પોરેશને મોકલી આપ્યો હતો .પરંતુ સામાન્ય સભામાં આ ઠરાવ મુલતવી કરી આજદિન સુધી મંજૂરી આપવામાં આવી નથી. પરિણામે વડોદરા કોર્પોરેશનની બેવડી નીતિ છતી થઈ છે.
હાઈકોર્ટે ઠરાવને માન્ય રાખીને ઓર્ડર જારી કર્યો હતો
વર્ષ 2021ના અંતે પણ ગુજરાત હાઈકોર્ટે ઠરાવને માન્ય રાખી ઓરલ ઓર્ડર જારી કર્યો હતો. જેમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ચેરમેન, શાસન અધિકારી, કર્મચારી પ્રમુખ, મ્યુનિસિપલ કમિશનરની સંયુક્ત બેઠકમાં આ નિર્ણયનો આગ્રહ કર્યો હતો. પરંતુ તેમાં પણ કોર્પોરેશન તરફથી કોઈ હાજર રહ્યું ન હતું. અગાઉ આ માંગણીઓ સાથે કર્મચારીઓએ તંત્રને 10 દિવસનું અલ્ટીમેટમ આપ્યું હતું. પરંતુ કાયમી કરવામાં નહીં આવતા ગાંધી ચિંધ્યા માર્ગે તેઓએ પ્રતિક ઉપવાસ, રેલી, હડતાલ સહિતના કાર્યક્રમો યોજાશે. જેમાં ચોથા વર્ગના તમામ કર્મચારીઓ જોડાયા છે.
કોર્પોરેશન પૂરી કરે તેવી લાગણી અને માંગણી કરી
વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોષી અને પાલિકાના વિપક્ષના નેતા અમી રાવત, સમિતિના ચોથા વર્ગના કર્મચારીઓના સમર્થન આપવા માટે ધરણાના કાર્યક્રમમાં જોડાયા હતા. તેઓએ ચોથા વર્ગના કર્મચારીઓને કાયમી કરવાની માંગને કોર્પોરેશન પૂરી કરે તેવી લાગણી અને માંગણી કરી હતી.
30 વર્ષ જૂનો પ્રશ્ન પણ હલ કરવામાં આવતો નથી
વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોષીએ જણાવ્યું હતું કે, ભાજપ આ લોકો સાથે અન્યાય કરી રહ્યું છે. અમે કર્મચારીઓની સાથે જ છીએ. હાઇકોર્ટે પણ આદેશ આપી દીધો છે, ત્યારે પાલિકા તંત્ર કોની રાહ જોઇને બેઠુ છે. 30 વર્ષ જૂનો પ્રશ્ન પણ હલ કરવામાં આવતો નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.