હરિધામ-સોખડા ખાતે રામનવમીની સંધ્યાએ યોજાયેલા શ્રી હરિ પ્રાગટ્ય ઉત્સવમાં પ્રેમસ્વરૂપ સ્વામીને જ ગાદીપતિ તરીકે દર્શાવ્યા બાદહવે મંદિર અને ટ્રસ્ટની મિલકતો પર એકહથ્થુ શાસન જમાવવાની તૈયારી કરવામાં આવી રહી હોવાનો આક્ષેપ પ્રબોધમ ગ્રૂપના હરિભક્તોએ લગાવ્યો છે. જેમાં કાર્યક્રમ બાદ પ્રબોધમ ગ્રૂપના ચાર સેવકોને મંદિરમાંથી રવાના કરવામાં આવ્યાં છે.
જેમની પર ચોરીનો આક્ષેપ કરાયો હોવાની પણ ચર્ચા છે. જેનિસ, રાજેશ, ધર્મેશ અને રિયાંગ નામના સેવકોને રવાના કરવામાં આવ્યાં હોવાનું મંદિરના સૂત્રોએ જણાવ્યું હતું. ધીરેધીરે હવે એક પક્ષના સંતો દ્વારા બીજા પક્ષના સેવકો અને સંતો પર નજર રાખી તેમને હરિધામમાંથી બહાર કાઢવાની તૈયારીઓ કરવામાં આવતી હોવાની વાતો વાયુવેગે ફેલાતાં ફરી એક વખત હરિધામના વિવાદ વધુ વકરે તેવી હરિભક્તોમાં શંકા છે.
પ્રબોધમ ગ્રૂપ જમીન જોઇ રહ્યું હોવાની ચર્ચા
હરિધામમાં એકહથ્થુ શાસન લાદવાની ચર્ચા વચ્ચે પ્રબોધમ ગ્રુપ દ્વારા કરજણ સહિત અન્ય સ્થળે મંદિર અથવા આત્મીયધામ માટે જમીન જોવાઈ રહી હોવાની ચર્ચા શરૂ થઈ છે. જોકે આ અંગે પ્રબોધમ ગ્રૂપના સંતો સાથે વાત કરતા તેમને આ વાત ખોટી હોવાનું જણાવ્યું હતું.
દર્શન માટે આવતા હરિભક્તોને હેરાનગતિ
મંદિરમાં દર્શન કરવા માટે આવતી મહિલાઓ સાથે ગેટ પર બાઉન્સરો સાથે ગેરવર્તણૂક કરવામાં આવતી હોવાનો વિડિયો પણ વાયરલ થયો છે. આ ઉપરાંત મંદિરમાં દર્શન કરવા આવતા હરિભકતોને સતત હેરાનગતી કરવામાં આવતી હોવાના પણ આક્ષેપો થઈ રહ્યાં છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.