ફરિયાદ:ખોટા સોગંદનામાથી ચાર શખ્સે જમીન પચાવી પાડી

વડોદરા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઇંટોલા ગામમાં સંયુક્ત માલિકી જમીનમાં ખોટા સોગંદનામાથી આરોપીઓએ ખેલ કર્યો
  • વરણામા​​​​​​​ પોલીસમાં ગુનો નોંધાતાં તપાસ શરૂ

શહેર નજીક ઇંટોલા ગામમાં આવેલી સંયુકત માલીકીની જમીનને ખોટા સોગંદનામાના આધારે પચાવી પાડનારા ચાર જણા સામે વરણામા પોલીસે ગુનો નોંધી તપાસ આદરી હતી. પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરતાં આરોપીઓમાં દોડધામ મચી ગઇ.

કરજણના લીલોડા ગામમાં રહેતા નિરુબેન મહેશભાઇ વસાવાએ વરણામા પોલીસમાં મણિલાલ ડાહ્યાભાઇ વસાવા, કમલેશ મણિલાલ વસાવા, ધીરુભાઇ લલીતાપ્રસાદ દુબે અને મહેન્દ્રસિંહ ઉમેદસિંહ રાજપુત સામે ફરિયાદ નોંધાવી હતી કે તેઓની ઇંટોલા ગામે ખેતીની જમીન આવેલી છે જે તેના પિતા અને મોટા બાપુના સંયુકત નામે ચાલતી હતી તેમના પિતાએ કુંટુંબની મરજી પ્રેમલગ્ન કર્યા હતા અને બંને ઇંટોલામાં રહેતા હતા. ત્યારબાદ તેમની માતાનું અવસાન થતાં તેમને મોસાળમાં કરજણમાં મોકલી હતી. ત્યારબાદ 2010માં તેમના પિતાનું અવસાન થયું હતું.

જેથી આ જમીનમાં તેઓ કાયદેસરના વારસ બનેલા હતા. તેઓ વારસદાર હોવા છતાં તેમના મોટા બાપુ મણિલાલે તેના પિતાનું નામ કમી કરવા ખોટુ સોગંદનામુ બનાવી તેમના પિતાને અપરણિત અને નિર્વંશ બતાવી તેમાં સહી કરી હતી અને મોટા બાપુના પુત્ર કમલેશે સોગંદનામું ખોટુ હોવાનું જાણવા છતાં પેઢીનામું બનાવ્યું હતું જેમાં પણ તેમના પિતાને અપરણિત અને નિવંશ બતાવ્યા હતા. તમામ આરોપીઓએ ખોટું પેઢીનામું તેમનું નામ વારસાઇથી મળેલ જમીનોમાંથી કમી કરાવી હકપત્રમાં ચઢાવી જમીન તેમના નામે કરી લીધી હતી. પોલીસે આ મામલે ચાર શખ્સો સામે ગુનો નોંધીને તપાસ આદરી હતી.

અન્ય સમાચારો પણ છે...