તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરજ નિષ્ઠા:વડોદરાના પરિવારની સરકારી હોસ્પિટલની સારવારથી કોરોનાને માત, કહ્યું: 'સલામ છે આ સ્ટાફને, પરિવાર પણ ખચકાય એવુ ડાયપર બદલવાનું કામ પણ કરે છે'

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
વડોદરાના વાઘોડિયા રોડ ઉપર રહેતો પંડ્યા પરિવાર - Divya Bhaskar
વડોદરાના વાઘોડિયા રોડ ઉપર રહેતો પંડ્યા પરિવાર
  • 6થી 8 દિવસની સારવારમાં એક રૂપિયો ખર્ચ કર્યા વગર કોરોનામુક્ત થઇને પરિવાર ઘરે ગયો

કોરોનાની મહામારીએ અનેક પરિવારનો માળો પીખી નાખ્યો છે. તો એવા અનેક પરિવારે હિંમતભેર કોરોનાનો સરકારી હોસ્પિટલમાં સારવાર લઈને કાળમુખા કોરોનાને મ્હાત આપી છે. જેમાં વડોદરાના વાઘોડિયા રોડ ઉપર રહેતા પંડ્યા પરિવાર પર કોરોનાની આફત ત્રાટકી હતી, પરંતુ, પંડ્યા પરિવારે સયાજી હોસ્પિટલમાં સારવાર લઈને કોરોનાને હરાવ્યો છે. વાઘોડિયા રોડ ઉપર રહેતા કમલભાઇ પંડ્યાના દીકરા સિવાય ચારેય જણને અસર વધુ હોવાથી દવાખાનામાં દાખલ થવું પડે એવી સ્થિતિ હતી. જ્યારે દીકરાને ખાસ લક્ષણો ન હોવાથી ઘરે સારવાર શક્ય હતી.

એક રૂપિયો ખર્ચ કર્યા વગર કોરોનામુક્ત કરીને ઘરે ગયા
આવા વિકટ સંજોગોમાં સરકારી સયાજી હોસ્પિટલ આ પરિવારની જાણે કે તારણહાર બની. સયાજી હોસ્પિટલની સારવારે પંડ્યા પરિવારના અરવિંદભાઇ, ઉષાબહેન, કમલ અને પ્રજ્ઞાબહેન પંડ્યાને લગભગ 6થી 8 દિવસની સારવારમાં, લગભગ એક રૂપિયો ખર્ચ કર્યા વગર કોરોનામુક્ત કરીને ઘરે મોકલ્યા છે.

41 વર્ષમાં પહેલીવાર સરકારી દવાખાનામાં દાખલ થયા
કમલભાઈ પંડ્યાએ સ્પર્શી જાય એવા સ્વરમાં જણાવ્યુ હતું કે, 41 વર્ષમાં પહેલીવાર સરકારી દવાખાનામાં દાખલ થવાનો પ્રસંગ બન્યો, પણ મારો અને અમારા પરિવારનો અનુભવ ખૂબ સુખદ રહ્યો. ખરેખર સરકાર જ આટલી વ્યાપક વ્યવસ્થાઓ કરી શકે અને તબીબોથી લઈને સફાઈ સેવકો સુધીના સ્ટાફ ની નિષ્ઠા ને વખાણવા મારી પાસે શબ્દો જ નથી.

ભોજન, દૂધ, નાસ્તો, પીવાનુ પાણી અને દવાઓ કોઈ વાતની ખોટ પડવા દીધી નથી
વધુમાં જણાવ્યું કે, દિવસમાં ચારથી પાંચ વાર ઓક્સિજન સહિત વિવિધ તપાસ કરે. અરે! ઘરમાં કોઈ સ્વજનને ડાયપર પહેરાવવું પડે તો એ બદલવામાં બધા અચકાય. આ લોકો કોઈ આનાકાની વગર ડાયપર પણ બદલતા હતા. સવાર સાંજ ભોજન, દૂધ, નાસ્તો, પીવાનુ પાણી અને જરૂરી દવાઓ, ઈન્જેકશનો, કોઈ વાતની ખોટ પડવા દીધી નથી. મારી અને મારા પત્નીની સારવાર 6 દિવસ અને મારા મમ્મી અને પપ્પાની સારવાર 8 દિવસ ચાલી. પાછળથી અમને સમરસ હોસ્પિટલમાં મોકલ્યા હતા. ત્યાં પણ સ્ટાફ અને સુવિધા એટલી જ સારી હતી.

108નો સ્ટાફ પણ ખૂબ વિનયી અને મદદરૂપ બનવાની ભાવનાવાળો હતો
સમરસમાં અમારી નજર સામે ત્રણથી ચાર દિવસમાં ICU તૈયાર કરી દીધું. અહીં જોતજોતામાં 6 માળ સુધી હોસ્પિટલ ઊભી કરી. આ કોઈ ખાવાના ખેલ નથી. દિવસોના દિવસો લાગે એવી સગવડો ગણતરીના દિવસોમાં તૈયાર કરવામાં આવી જે ખરેખર બિરદાવવા યોગ્ય છે. સયાજી હોસ્પિટલમાં દાખલ થવા અમે 108માં ગયા. એનો સ્ટાફ પણ ખૂબ વિનયી અને મદદરૂપ બનવાની ભાવનાવાળો હતો. મારા માતાને ઓક્સિજનની જરૂર લાગી તો તુરંત જ વાહન ઊભું રાખી ઓક્સિજન આપવાનું શરૂ કર્યું હતું.

આ આખું તંત્ર સલામને પાત્ર છે
તબીબો અને સ્ટાફ ખરેખર સમર્પિત ભાવે કામ કરે છે એવી લાગણી વ્યક્ત કરતાં કમલભાઈ કહે છે કે, જો સરકાર પૂરતી સાધન,સુવિધાઓ, દવાઓની વ્યવસ્થા ના કરે તો આ લોકો ઘણું ઈચ્છે તો પણ દર્દીઓની જરૂરી સંભાળ ન લઈ શકે. આમ, હાલમાં સરકાર અને સરકારી દવાખાનાઓનો સ્ટાફ એકબીજાને પૂરક બની ને કામ કરી રહ્યાં છે, જેના સારા પરિણામો મળી રહ્યાં છે. આ આખું તંત્ર સલામને પાત્ર છે.