19 વર્ષના વિદ્યાર્થીનો 9મા માળેથી આપઘાત:IIM-UPSCની એક્ઝામ ક્લિયર કરવાનાં સપનાં હતાં ને હવે મારો ખોળો સૂનો કરી ગયો: માતાનું આક્રંદ

વડોદરા8 મહિનો પહેલા
  • કૉપી લિંક
જૂના પાદરા રોડ પર આવેલા ભદ્રલોક એપાર્ટમેન્ટના સી બ્લોકના નવમા માળેથી યુવાને આપઘાત કર્યો હતો. - Divya Bhaskar
જૂના પાદરા રોડ પર આવેલા ભદ્રલોક એપાર્ટમેન્ટના સી બ્લોકના નવમા માળેથી યુવાને આપઘાત કર્યો હતો.
  • જૂના પાદરા રોડના ભદ્રલોક ફ્લેટના સી ટાવરમાં બનેલા બનાવથી અરેરાટી
  • ચંડીગઢની કોલેજમાં બીજા વર્ષમાં ભણતા વિદ્યાર્થીની બપોરે 2 વાગે ઓનલાઇન પરીક્ષા હતી, 10 વાગે અંતિમ પગલું ભર્યું
  • ધડાકાભેર યુવક નીચે પટકાતાં સિક્યોરિટી ગાર્ડ અને રહીશો દોડી આવ્યા

જૂના પાદરા રોડ પર આવેલા ભદ્રલોક એપાર્ટમેન્ટમાં રહેતા બી. ટેકના 19 વર્ષના વિદ્યાર્થીએ 9મા માળેથી કૂદકો મારી આપઘાત કર્યો હતો. બપોરે બે કલાકે તેની ઓનલાઇન એકઝામ હતી એના 4 કલાક પહેલાં જ તેણે આ પગલું ભર્યું હતું. 9મા માળેથી કૂદી યુવકે આપઘાત કરતાં ભદ્રલોક ફ્લેટમાં અરેરાટી વ્યાપી હતી. બનાવને પગલે જેપી રોડ પોલીસે મૃતદેહને સયાજી હોસ્પિટલમાં ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ચંડીગઢની કોલેજમાં અભ્યાસ કરતો હતો
પોલીસના જણાવ્યા અનુસાર, શહેરના જૂના પાદરા રોડ પર ભદ્રલોક ફ્લેટના 9મા માળે રાજેશ રમણ કુમાર બેન્ક ઓફ બરોડાની રીજનલ બ્રાન્ચમાં નોકરી કરે છે. તેમના પરિવારમાં પત્ની અને એક પુત્રી અને એક પુત્ર છે. 19 વર્ષનો પુત્ર આયુષ ચંડીગઢની કોલેજમાં બી. ટેકના બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો. હાલમાં કોરોનાને કારણે તે ઓનલાઇન અભ્યાસ કરતો હતો. બુધવારે બપોરે 2 વાગ્યે તેની ઓનલાઈન પરીક્ષા હતી. જોકે તેના ચાર કલાક પહેલાં સવારે 10 વાગે તેણે 9મા માળની ગેલેરીની બારીમાંથી કૂદકો માર્યો હતો. 9મા માળેથી નીચે પટકાતાં આયુષ સ્થળ પર જ મોતને ભેટ્યો હતો.

આત્મહત્યાનું કારણ અકબંધ
આયુષ પડવાથી ધડાકા સાથે અવાજ થયો હતો, જેને કારણે ફ્લેટના લોકો બહાર દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં પિતા રાજેશ કુમાર ઓફિસમાંથી ઘરે દોડી આવ્યા હતાં. પુત્રના મૃતદેહ પાસે માતા અને પુત્રીને આક્રંદ કરતાં હોઈ પિતા રાજેશ કુમારના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જે.પી. રોડ પોલીસ સ્થળ પર દોડી આવી હતી. ઘટના બાદ મૃતદેહને સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જે.પી. રોડ પોલીસ મથકના તપાસ અધિકારીએ જણાવ્યું હતું કે આયુષે ક્યાં કારણથી આપઘાત કર્યો છે એ જાણવા મળ્યું નથી. તેના રૂમમાંથી કોઈ સુસાઇડ નોટ મળી નથી.

કાલે જ પુત્રે કીધું હતું, ‘હું IIMમાં ભણ્યા બાદ UPSCની પરીક્ષા આપીશ’
યુવાન પુત્રના આપઘાતથી પરિવારની સ્થિતિ હૃદયદ્રાવક બની હતી. સયાજી હોસ્પિટલમાં પુત્રના મૃતદેહને જોઈ માતા વલોપાત કરતી નજરે પડી હતી. માતાએ પિતાના ખભા પર માથું મૂકી કહ્યું હતું કે ગઈકાલે જ પુત્ર આયુષ જણાવતો હતો કે તે 23 વર્ષની ઉંમરે એન્જિનિયરિંગ પૂરું કરશે. ત્યાર બાદ IIM કરવાનો છે. ત્યાર બાદ UPSCની તૈયારી કરવાનું કહેતો હતો. હું UPSCની તૈયારી વખતે જોબ નહિ કરું. ત્યારે મેં તેને કહ્યું હતું કે તારે ક્યાં જોબ કરવાની જરૂર છે, અમે છીએ ને. ભગવાને મારી ગોદ સૂની કરી નાખી. હવે હું કેવી રીતે જીવીશ.

સિક્યોરિટી ગાર્ડે પરિવારને જાણ કરી
ઓ.પી. રોડ પર આવેલા ભદ્રલોક ફ્લેટના સી ટાવરના 9મા માળેથી કૂદી આયુષે આપઘાત કર્યો હતો. ધડાકા સાથે થયેલા અવાજને પગલે સિક્યોરિટી ગાર્ડ ત્યાં દોડી ગયા હતા. બનાવથી અજાણ પરિવારને 9મા માળે પહોંચી, જ્યારે સિક્યોરિટી ગાર્ડે ઘટનાથી વાકેફ કરતાં પરિવારના હોંશ ઊડી ગયા હતા. તેઓ રડતાં રડતાં નીચે દોડી આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...