ખુલ્લેઆમ દાદાગીરી:અલાયદું ગ્રૂપ બનાવતાં AGSUના નેતાઓએ વિદ્યાર્થીને ઢોર માર માર્યો

વડોદરાએક દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • કોમર્સ ફેકલ્ટીના યુનિટ બિલ્ડિંગ ખાતે એજીએસયુ ગ્રૂપની ખુલ્લેઆમ દાદાગીરી
  • વિદ્યાર્થી છેડતી કરતો હોવાનો આક્ષેપ, પોલીસ મથકમાં સમાધાન, ડીનને રજૂઆત

એમ.એસ.યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીના યુનિટ બિલ્ડીંગ ખાતે એજીએસયુના આગેવાનોએ વિદ્યાર્થીને માર્યો હતો. પોતાના ગ્રુપમાંથી નીકળી ગયા બાદ નવું ગ્રુપ બનાવનાર વિદ્યાર્થીને યુનિટ બિલ્ડિંગ પર પકડીને માર મારતા વિદ્યાર્થીએ ડીનને ફરીયાદ કરી હતી. ઝપાઝપીના પગલે વિદ્યાર્થીનું શર્ટ પણ ફાટી ગયું હતું. એજીએસયુ વિદ્યાર્થી સંગઠને તે વિદ્યાર્થી છેડતી કરતો હોવાના આક્ષેપો પણ કર્યા હતા. મામલો પોલીસ મથકે પહોંચતા બંને વચ્ચે સમાધાન થઇ ગયું હતું.

યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં સક્રિય એજીએસયુ વિદ્યાર્થી સંગઠન સાથે જોડાયેલા શહેર બહારથી અભ્યાસ અર્થે આવેલા વિદ્યાર્થી દ્વારા થોડા સમય પહેલા ગ્રુપ છોડી દીધું હતું. ગ્રુપ છોડી દીધા બાદ પોતાનું નવું કોમર્સ સ્ટુડન્ટ સંગઠન શરૂ કર્યું હતું. જેના પગલે એજીઅસયુ વિદ્યાર્થી સંગઠન વિદ્યાર્થીને શોધી રહ્યું હતું. વિદ્યાર્થી છેલ્લા 3-4 દિવસથી કોલેજમાં આવ્યો ના હતો. જોકે ગરૂવારે વિદ્યાર્થી યુનિટ બિલ્ડિંગ ખાતે પહોંચ્યો હતો અને તે દરમિયાન એજીએસયુ વિદ્યાર્થી સંગઠનના 3-4 આગેવાનોએ તેને પકડીને માર માર્યો હતો. વિદ્યાર્થી એકલો હતો અને 3-4 વિદ્યાર્થીઓએ સાથે ઝપાઝપી થતાં વિદ્યાર્થીનો શર્ટ પણ ફાટી ગયો હતો.

મારામારીની ઘટના થઇ હોવાની જાણ થતાં વીજીલન્સ પણ દોડી આવ્યું હતું. જે વિદ્યાર્થીને માર પડયો તે વિદ્યાર્થીની સાથે અન્ય ગ્રુપના વિદ્યાર્થીઓએ ડીનને રજૂઆતો પણ કરી હતી. વિદ્યાર્થીઓએ સીસીટીવી ફૂટેજ પણ માંગ્યા હતા જોકે તે આપવામાં આવ્યા ના હતા. જે વિદ્યાર્થીને માર મરાયો હતો તે પોલીસ મથકે પહોંચ્યો હતો. જોકે યુનિવર્સિટીના પીઢ પૂર્વ વિદ્યાર્થી આગેવાને બંને વચ્ચે સમાધાન કરાવી દીધું હતું. એજીએસયુ વિદ્યાર્થી સંગઠન દ્વારા એવા આક્ષેપો કરાયા હતા કે વિદ્યાર્થી છોકરીઓની છેડતી કરતો હતો જેથી માર માર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...