વિરોધ:CMએ ભાવ ન આપતાં ભાજપથી નારાજ પૂર્વ સાંસદ અને ધારાસભ્ય પાણીમાં બેઠા

વડોદરા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • અત્યાર સુધી લડી લેવાની વાતો કરતા નેતાઓ હવે સમાધાનની વાતો કરવા માડ્યા

7 ગામોને મહાનગરપાલિકામાં સમાવેશ કરવા સામે ગ્રામજનો સાથે ભાજપથી નારાજ થયેલા પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ સાંસદ વિરોધમાં જોડાયા છે. જ્યારે કોંગ્રેસી વિચારધારા ધરાવતા સરપંચોએ 7 ગામોની સાથે વિરોધમાં જોડાવવાની જાહેરાત પણ કરી છે. બીજી તરફ મુખ્યમંત્રીએ કોઈ પણ સંજોગોમાં 7 ગામોને મહાનગર પાલિકામાં સમાવેશ કરાશે, તેમ જણાવી દેતાં હવે પૂર્વ ધારાસભ્યો અને પૂર્વ સાંસદના સૂર પણ બદલાયા છે.

સરકારને ભીડવવા હવે માત્ર કોંગ્રેસી વિચારધારા ધરાવતા ગણતરીના સરપંચો મેદાનમાં રહ્યા
ભાજપે 2017માં રનિંગ ધારાસભ્ય બાલકૃષ્ણ પટેલ (ઢોલાર)ને કાપીને શૈલેષ સોટ્ટાને ટિકિટ આપી હતી. જેથી પૂર્વ ધારાસભ્ય બાલકૃષ્ણ પટેલ ભાજપથી નારાજ હોવાથી ગ્રામજનોની સાથે જોડાયા છે. બીજી તરફ પૂર્વ સાંસદ રામસિંહ રાઠવાને ટિકિટ ન આપી ગીતાબેન રાઠવાને ટિકિટ આપતાં તેઓ પણ પક્ષથી નારાજ હોવાનું મનાય છે. જ્યારે પાદરાના પૂર્વ ધારાસભ્ય દીનુ મામા પણ પાર્ટીથી લાંબા સમયથી નારાજ છે. આમ 2 પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ સાંસદ 7 ગામોના લોકો સાથે જોડાયા છે.જોકે મુખ્યમંત્રી દ્વારા 7 ગામોને સમાવેશ કરાશે જ, તેમ જણાવી દેતાં પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ સાંસદ પણ સૂર બદલી મુખ્યમંત્રી સાથે ચર્ચા કરી માર્ગ કાઢવાની વાતો કરી રહ્યા છે. બીજી તરફ સરપંચ સંઘ દ્વારા 84 ગામોના સરપંચોને ભાયલીની પટેલ વાડીમાં 7 ગામોના સમર્થનમાં બોલાવ્યા હતા, જેમાંથી 34 સરપંચો આવ્યા હતા, જ્યારે 8 સરપંચોએ વિવિધ કારણો આપી ટેલિફોનિક સમર્થન આપી દીધું હતું. જોકે જે સરપંચો મિટિંગમાં આવ્યા હતા, તેમાંથી મોટાભાગે કોંગ્રેસી વિચારધારા ધરાવતા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. અમુક દબાણવશ આવ્યા હતા. આમ 7 ગામોના વિરોધની પાછળ નારાજ ધારાસભ્યો અને કોંગ્રેસ વિચારધારા ધરાવતા સરપંચો રાજનીતિ કરી રહ્યા હોવાની ચર્ચા ચાલી છે.

ભાયલીના સરપંચને રાજકારણમાં આગળ લાવવાનાં સપનાં બતાવાયાં?
7 ગામોમાં ભાયલીનો સમાવેશ થાય છે, પરંતુ ભાયલીના સરપંચ દર્પણ પટેલ સરકારની તરફેણમાં છે. નાગરિકોમાં એવું ચર્ચાઈ રહ્યું છે કે, એક ધારાસભ્યે સરપંચને આગામી સમયમાં રાજકારણમાં આગળ લાવી કોર્પોરેટર બનાવવાનો વાયદો આપ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

ભાયલીની સોસાયટીના 50 હજાર રહીશો નિર્ણયથી ખુશ
ભાયલી સિટીઝન કાઉન્સિલના મેમ્બર જયદીપ દવે જણાવ્યું હતું કે, ભાયલી ટાઉન પ્લાનિંગ વિસ્તાર અને નોન ટાઉન પ્લાનિંગ વિસ્તારની સોસાયટીના 50 હજાર નાગરિકોએ તેમના ક્ષેત્રને વીએમસીમાં જોડવાના નિર્ણયને આવકાર્યો છે. ભાયલીમાં રહેતા લોકોની સહીવાળું આવેદનપત્ર મ્યુ. કમિશનરને અપાશે.  

મંગળવારે મુખ્યમંત્રી સાથે સરપંચોની મુલાકાત થશે
7 ગામોને શહેરમાં સમાવવા અંગે ચાલી રહેલી ગતિવિધીઓ અંગે રાજ્ય કક્ષાના મંત્રી યોગેશ પટેલ સાથે ટેલિફોનિક વાત કરતાં તેમણે મુખ્યમંત્રી સાથે મંગળવારે બપોરે 3:30 વાગ્યા પછી ગાંધીનગરમાં મુલાકાત કરાવવાનું જણાવ્યું છે. જ્યારે કેટલા સરપંચો મળી શકશે તે સંખ્યા હજુ જણાવી નથી. -  જય ભટ્ટ, સરપંચ, બિલ ગામ

અન્ય સમાચારો પણ છે...