પાદરા ભાજપમાં ભડકો:વડોદરાના પાદરામાં ભાજપના પૂર્વ ધારાસભ્યની ટિકિટ કપાતા અપક્ષમાં ચૂંટણી લડશે, 17 નવેમ્બરે ઉમેદવારીપત્ર ભરશે

વડોદરા19 દિવસ પહેલા
પાદરાના ભાજપાના પૂર્વ ધારાસભ્યની ફાઇલ તસવીર
  • દિનેશ પટેલ (દિનુમામા)ના પાર્ટી પ્લોટ ખાતે આખો દિવસ સમર્થકોનો જમાવડો રહ્યો
  • પાદરામાં ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે ત્રિ-પાંખીયો જંગ

ભાજપ દ્વારા ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર થતાંની સાથે વડોદરા જિલ્લાની પાંચ બેઠકો પૈકી વાઘોડિયા, કરજણ બાદ પાદરા વિધાનસભા બેઠક ઉપર પણ ભાજપના પૂર્વ ધારાસભ્ય દિનેશ પટેલ (દિનુ મામા)એ અપક્ષ ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. તેઓએ મીડિયાને જણાવ્યું હતું કે, આગામી 17 નવેમ્બરના રોજ ઉમેદવારીપત્ર ભરીશ અને હું પાદરા બેઠક ઉપર જંગી મતથી જીત મેળવીશ.

પાર્ટી પ્લોટ ઉપર સમર્થકો ઉમટ્યા
આજે ભાજપ દ્વારા ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં પાદરાની બેઠક ઉપર પ્રબળ દાવેદાર મનાતા ભાજપના પૂર્વ ધારાસભ્ય અને બરોડા ડેરીના વર્તમાન ચેરમેન દિનેશ પટેલના બદલે ભાજપે પાદરા નગરપાલિકાના પ્રમુખ વિજયસિંહ ઝાલાને ટિકિટ આપતા ભડકો થયો છે. દિનુ મામાની ટિકિટ કપાતા જ તેમના સમર્થકો તેઓના પાર્ટી પ્લોટ ખાતે પહોંચી ગયા હતા અને દિનુ મામાને અપક્ષ ચૂંટણી લડવા માટે રજૂઆત કરી હતી.

દિનેશ પટેલ પાદરા બેઠક પરથી બે વખત જીત્યા છે
ઉલ્લેખનીય છે કે, દિનુ મામા 2007માં અપક્ષ તરીકે ચૂંટણી લડ્યા હતા અને તેમાં તેમનો વિજય થયો હતો. તે બાદ તેઓએ ભાજપનો ખેસ ધારણ કરી લીધો હતો. ભાજપમાં ગયા બાદ 2012માં ભાજપે તેઓને ટિકિટ આપી હતી. અને તેમાં પણ તેઓ વિજયી બન્યા હતા. ભાજપે 2017માં તેઓને ટિકિટ આપી હતી. પરંતુ તેમાં તેઓને કોંગ્રેસના ઉમેદવાર જસપાલસિંહ ઠાકોર (પઢીયાર) સામે પરાજય થયો હતો.

ક્ષત્રિય ઉમેદવારને ટિકિટ આપી
2017માં પાદરાના મતદારોએ નકાર્યા પછી પણ તેઓએ પાદરા બેઠકમાંથી દાવેદારી નોંધાવી હતી અને તેઓ પ્રબળ દાવેદાર પણ મનાતા હતા. પરંતુ ભાજપે તેઓને ટિકિટ ન આપીને નવા ચહેરારૂપે પાદરા નગરપાલિકાના પ્રમુખ વિજયસિંહ ઝાલાને ટિકિટ આપી છે. નોંધનીય છે કે, ભાજપે આ વખતે કોંગ્રેસના ક્ષત્રિય ઉમેદવાર સામે ક્ષત્રિય ઉમેદવારને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે.

મારા મતદારો ઉપર વિશ્વાસ છે
પાદરા બેઠક ઉપર ભાજપે દિનુ મામાને ટિકિટ ન આપતા તેઓએ અપક્ષ ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. તે સાથે તેઓએ તા.17 નવેમ્બરના રોજ ઉમેદવારી પત્ર ભરવાની પણ જાહેરાત કરી છે. તેમણે મીડિયાને એમ પણ જણાવ્યું હતું કે, આ વખતે હું અપક્ષ ચૂંટણી લડીશ અને જીતીને આવીશ. મને મારા પાદરાના મતદારો ઉપર વિશ્વાસ છે કે, મારા મતદારો મને જીતાડીને વિધાનસભામાં મોકલશે.

અન્ય સમાચારો પણ છે...