વડોદરા જિલ્લાની પાંચ બેઠકો પૈકી કરજણ બેઠક ઉપરથી ટિકિટ ન મળતા ભાજપના પૂર્વ ધારાસભ્ય સતિષ પટેલ (નિશાળીયા)એ ભાજપમાં બળવો કરી ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી. જોકે, જિલ્લા પ્રભારી અને કાર્યકારી ભાજપ પ્રમુખની સમજાવટથી સતિષ પટેલ (નિશાળીયા)એ ચૂંટણી ન લડવાની જાહેરાત કરી હતી અને ભાજપના ઉમેદવારને જંગી બહુમતીથી જીતાડી લાવવા માટે જણાવ્યું હતું.
કરજણનું ઓપરેશન પાર પાડ્યા બાદ હવે વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ અને પાદરાના પૂર્વ ધારાસભ્ય દિનેશ પટેલ (દિનુ મામા)ને સમજાવવા માટે ભાજપે પ્રયાસો શરૂ કરી દીધા હોવાનું જાણવા મળ્યું છે. જોકે, મધુ શ્રીવાસ્તવને પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ પણ સમજાવવામાં નિષ્ફળ રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.
પ્રદેશ પ્રમુખથી પણ સમજ્યા
ભાજપ દ્વારા કરજણ બેઠક ઉપર બળવો કરી ચૂંટણી લડવાની તૈયારી કરનાર પૂર્વ ધારાસભ્ય સતિષ પટેલ (નિશાળીયા)ને સમજાવી લીધા બાદ હવે વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ અને પાદરાના પૂર્વ ધારાસભ્ય દિનેશ પટેલ (દિનુ મામા)ને સમજાવવાના પ્રયાસો શરૂ કર્યા છે. જોકે, એવી પણ માહિતી મળી છે કે, વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવને પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સાથે ચર્ચા કરાવવા માટે જિલ્લા પ્રભારી પરાક્રમસિંહ જાડેજા અને શહેર ભાજપા પ્રમુખ ડો. વિજય શાહ એરપોર્ટ ખાતે પહોંચ્યા હતા. પરંતુ, પ્રદેશ પ્રમુખ સાથેની ચર્ચા બાદ પણ મધુ શ્રીવાસ્તવ અપક્ષ ચૂંટણી લડવા માટે મક્કમ રહ્યા હતા. અને આવતીકાલ તા.17ના રોજ અપક્ષ ઉમેદવારી પત્ર ભરવા માટે મીડિયાને જણાવ્યું હતું.
કોંગ્રેસે દાદ ન આપી
ભાજપા દ્વારા કોંગ્રેસની બેઠક ઉપર વર્તમાન ધારાસભ્ય અક્ષય પટેલને રિપીટ કરતા પૂર્વ ધારાસભ્ય સતિષ પટેલ (નિશાળીયા) નારાજ થયા હતા. અને તેઓએ કરજણ બેઠક ઉપર બડવો કરી ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી. તેઓએ કરજણ બેઠક ઉપર કોંગ્રેસમાંથી ટિકિટ લાવીને ચૂંટણી લડવા માટે પણ પ્રયાસો કર્યા હતા. જોકે, કોંગ્રેસ દ્વારા પણ તેઓને કોઇ દાદ ન આપી ન હોવાનું જાણવા મળ્યું હતું. જો કોંગ્રેસ દ્વારા તેઓને ટિકીટ આપવામાં આવી હોત તો કોંગ્રેસમાં પણ મોટો ભડકો થયો હોત.
હવે હું ભાજપામાં જ છું
ઉલ્લેખનિય છે કે, કરજણ બેઠક ઉપર બડવો કરી ચૂંટણી લડવાની જાહેરાત કરનાર પૂર્વ ધારાસભ્ય સતીષ પટેલ (નિશાળીયા) સાથે જિલ્લા પ્રભારી પરાક્રમસિંહ જાડેજા, કાર્યકારી પ્રમુખ બ્રહ્ણભટ્ટ બેઠક કરી હતી. આ બેઠકમાં ઉમેદવાર તરીકે જાહેર થયેલા અક્ષય પટેલ પણ હાજર થયા હતા. મેરેથોન ચર્ચા બાદ સતીષ પટેલ (નિશાળીયા)એ ચૂંટણી ન લડવાની જાહેરાત કરી હતી. અને જણાવ્યું હતું કે, મારા કાર્યકરોની લાગણીને માન આપીને મારે ચૂંટણી લડવાની જાહેરાત કરવી પડી. પરંતુ, હવે હું ભાજપા સાથે જ છું. અને ભાજપાના ઉમેદવારને જીતાડી લાવવા માટે પૂરી મહેનત કરીશ.
દુઃખ થાય તે સ્વાભાવિક છે
કરજણના ઉમેદવાર અક્ષય પટેલે જણાવ્યું હતું કે, કોઇને પણ ટિકિટ ન મળે તો દુઃખ થાય તે સ્વાભાવિક છે. કાર્યકોરની લાગણીઓને પણ માન આપવું પડતું હોય છે. પરંતુ, હવે તેઓને કોઇ નારાજગી નથી. અને ભાજપાને જીતાડી લાવવા માટે તેઓએ ખાતરી આપી છે. આજે જિલ્લા પ્રભારી પરાક્રમસિંહ જાડેજા અને કાર્યકારી પ્રમુખ બ્રહ્ણભટ્ટ સાથે થયેલી મિટીંગમાં સતીષ પટેલે (નિશાળીયા) ચૂંટણી ન લડવાની અને ભાજપાને જીતાડી લાવવાની સહમતી આપી છે.
આજે કોંગ્રેસ ઉમેદવારો જાહેર કરશે
નોંધનીય છે કે, ઉમેદવારી પત્રો ભરવાની અંતિમ તા.17 નવેમ્બર-022ને આડે ગણતરીના કલાકો બાકી રહ્યા છે. પરંતુ, હજી સુધી કોંગ્રેસ દ્વારા કરજણ, સાવલી અને પાદરાની બેઠક ઉપર ઉમેદવારો જાહેર કર્યા નથી. જોકે, પાદરા બેઠક ઉપર વર્તમાન ધારાસભ્ય જસપાલસિંહ ઠાકોર (પઢીયાર)ને પ્રદેશ કોંગ્રેસ દ્વારા ઉમેદવારી પત્ર ભરવાની સૂચના આપતા તેઓેએ મંગળવારે ઉમેદવારી પત્ર ભરી દીધું હતું.
હવે જોવાનું એ રહ્યું કે, કોંગ્રેસ દ્વારા કરજણ અને સાવલી બેઠક ઉપર કયા ઉમેદવારનું નામ જાહેર કરે છે. કહેવાય છે કે, સાવલીમાં ભાજપામાંથી કોંગ્રેસમાં આવેલા કુલદીપસિંહ રાઉલજી અને કરજણમાં પિન્ટુ પટેલનું નામ લગભગ ફાઇનલ છે. આજે મોડી રાત સુધી કોંગ્રેસ દ્વારા કરજણ, પાદરા અને સાવલીના ઉમેદવારની સત્તાવાર જાહેરાત કરી દેશે. તે સાથે કોંગ્રેસ દ્વારા વડોદરા શહેર ( અ.જા.) બેઠક ઉપર પણ ઉમેદવાર જાહેર કરી દેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.