વડોદરા ગેંગરેપ-આપઘાત કેસ:વિવાદી ઓએસિસ સંસ્થાના જૂના રેકોર્ડ ચકાસવા ખાસ ટીમની રચના; દુષ્કર્મ ગુજારનારા બંને નરાધમો હજુ સુધી મળતા નથી

વડોદરા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
મૃતક પીડિતા - ફાઈલ તસવીર - Divya Bhaskar
મૃતક પીડિતા - ફાઈલ તસવીર
 • સંસ્થા ક્યારથી શરૂ થઇ, તેનું મુખ્ય કામ શું છે, કેટલા કાર્યકરો છે તે સહિતના મુદ્દે તપાસ
 • પીડિતાની ગુમ સાઇકલ શોધવા માટે આખા વડોદરા શહેરની પોલીસને કામે લગાડાઈ

નવસારીની વિદ્યાર્થિની પર વડોદરાના વેક્સિન ઇન્સ્ટિટ્યૂટ ગ્રાઉન્ડમાં ગેંગરેપ બાદ વલસાડમાં ગુજરાત ક્વીનમાં કરેલા આપઘાત પ્રકરણમાં હજુ પણ પોલીસની તપાસ ઠેરની ઠેર છે. બીજી તરફ પોલીસે ડભોઇ રેલવે પીએસઆઇની આગેવાનીમાં ઓએસિસ સંસ્થાના જૂના રેકોર્ડ ચકાસવા માટે ખાસ ટીમની રચના કરી છે અને પોલીસની ટીમ આ સંસ્થા ક્યારથી શરૂ થઇ છે અને તેનું મુખ્ય કામ શું છે તથા કેટલા કાર્યકરો છે તે સહિતના મુદ્દા પર તપાસ ચાલી રહી છે. સંસ્થાના જૂના કાર્યકરોની પણ તપાસ કરીને પોલીસ પૂછપરછ કરી રહી છે.

બીજી તરફ પીડિતાની ગુમ સાઇકલ શોધવા માટે આખા વડોદરા શહેરની પોલીસને સૂચના આપવામાં આવી છે. ગેંગરેપની ઘટનામાં પરિચિતોની ભૂમિકા હોવાનું બહાર આવ્યું છે. બીજી તરફ ઘટનાના સાક્ષીઓની પણ ઉલટ તપાસ થઇ રહી છે પણ એક વોચમેન સહિતના સાક્ષીઓ હજુ પણ પોલીસને મળી શક્યા ન હોવાથી પોલીસ તેને શોધી રહી છે. દિવાળીની રજા બાદ વોચમેન જતો રહ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું. ગેંગરેપ બાદ થયા બાદ ઘટનાસ્થળે જોવા મળેલો વોચમેન હજી સુધી પોલીસના હાથે લાગ્યો નથી. જેથી વોચમેન શંકાના ઘેરામાં આવ્યો છે.

રેલવે પોલીસે ઘટના સ્થળની આસપાસના 2 કિમી વિસ્તારની 19 સોસાયટીઓના સિક્યુરિટી ગાર્ડની તપાસ કરી હતી, પરંતુ ગેંગરેપની રાતે વેક્સિન ગ્રાઉન્ડમાં હાજર વોચમેન પોલીસને મળ્યો નહોતો. ઉલ્લેખનિય છે કે, ગેંગરેપ બાદ બસ ચાલકે શું થયું છે બેટા, તેમ કહેતાં પીડિતાએ જણાવ્યું કે, 2 જણાએ મને રિક્ષામાં બેસાડી મારા હાથ-મોં બાંધી અહીં લાવી દુષ્કર્મ કર્યું હતું. ત્યારબાદ વોચમેન કાકા આવ્યા હતા અને છોકરીને કહ્યું કે, તું અહીં શું કરે છે ત્યારે છોકરીએ કંઇ જવાબ આપ્યો ન હતો. જેથી બસ ચાલકે વોચમેનને રેપની વાત કરી પોલીસને બોલાવું છું તેમ કહેતાં વોચમેન જતો રહ્યો હતો. ત્યારબાદ ભરવાડ આવતાં તેને પણ વાત કરી હતી.

પોલીસે તપાસ દરમિયાન જણાવ્યું હતું કે, સાક્ષી, સીસીટીવી તથા યુવતીની ડાયરીને આધારે તપાસ કરતાં યુવતીએ આપઘાત કર્યો હોવાનું બહાર આવ્યું છે. 29 ઓક્ટોબરે સાંજે વડોદરામાં જગદીશની ગલીમાંથી નીકળતી વખતે પાછળથી ધક્કો મારીને બે શખ્સ તેને વેક્સિન ગ્રાઉન્ડમાં લઇ ગયા હતા. જ્યાં બંને આરોપીને જોનાર સાક્ષીઓ મળી આવ્યા છે. પોલીસ કહે છે કે, 31 ઓક્ટોબર પછી તે નવસારી અને 3 નવમ્બરે સુરત અને ત્યાંથી વલસાડ ગઇ હતી. ત્યાંના સાક્ષીઓ પણ મળ્યા છે. આ ઘટના આત્મહત્યા કરી હોવાનું લાગે છે અને જે કમનસીબ ઘટના ઘટી હતી. તેના માનસિક આઘાતમાં પીડિતાએ આત્મહત્યા કરી હોવાનું લાગે છે.

ઘટના બાદના 3 સાક્ષી છે, તેમનાં નિવેદનોમાં પણ વિરોધાભાસ જોવા મળી રહ્યો છે. તેમણે કહ્યું હતું કે, ડાયરીની તારીખ, બનાવની તારીખો અલગ હતી પણ ઇલેક્ટ્રોનિક સર્વેલન્સ, સાક્ષીઓ, સંજોગોના નિરીક્ષણથી સ્પષ્ટ ફલિત થયું હતું કે, પીડિતાને ખેંચીને અવાવરું જગ્યા પર લઇ જઇને દુષ્કર્મ કરાયું હતું. 31મી તારીખે તે નવસારી ગઇ હતી અને 3 તારીખે સુરત ગઇ અને રાત્રે કોચમાં તે એકલી બેસી રહી હતી તેના સાક્ષી પણ પોલીસને મળ્યા છે, જેથી માનસિક આઘાતમાં તેણે આ પગલું ભર્યું હોવાનું જણાતાં આત્મહત્યાની દુષ્પ્રેરણા અને કથિત દુષ્કર્મનો ગુનો નોંધાઇ રહ્યો છે. રિક્ષાચાલકો, સીસીટીવીના ફૂટેજ, મોબાઇલ ડેટાનું એનાલિસીસ અને હ્યૂમન ઇન્ટેલિજન્સ દ્વારા તપાસ કરાઇ રહી છે.જેથી પોલીસે મેદાનની આસપાસ સાઇકલની દુકાન ધરાવતા વેપારીઓ સહિતના લોકોની પૂછપરછ કરી હતી.

રેલવે DIGએ ઘટના સ્થળની મુલાકાત લીધી, અધિકારીઓ સાથે બેઠક કરીને સૂચના આપી
રજા પરથી હાજર થયેલા રેલવે ડીઆઇજી અશ્વિન ચૌહાણે ચાર્જ લીધા બાદ સોમવારે વડોદરાની મુલાકાત લીધી હતી અને ઘટના સ્થળનું નિરીક્ષણ તથા રુટની માહિતી મેળવી હતી અને પોલીસ અધિકારીઓની ગ્રૂપ મિટિંગ કરીને જરૂરી સૂચનાઓ પણ આપી હતી. તેમણે અત્યાર સુધીની થયેલી તપાસ સહિતના તમામ મુદ્દાઓની માહિતી મેળવી હતી અને જલ્દી કેસ ઉકેલાય તે માટે સૂચના પણ આપી હતી. તેઓ ફરીથી બુધવારે શહેરની મુલાકાત લે તેવી સંભાવના સૂત્રોએ વ્યક્ત કરી હતી.

ઘટના સ્થળ અને આસપાસના 200થી વધુ સીસીટીવી ચકાસવા ખાસ ટીમ બનાવાઇ
પોલીસે ઘટના સ્થળ અને આસપાસના વિસ્તારમાંથી 200થી વધુ સીસીટીવી ફૂટેજ એકત્ર કર્યા છે અને તેની ઝીણવટભરી તપાસ માટે ખાસ ટીમ બનાવાઇ છે, જે ફૂટેજની તપાસ કરી રહી છે. એક ફૂટેજમાં 2 શકમંદ ભાગતા જોવા મળ્યા છે તેની પણ તપાસમાં હજુ કોઇ કડી મળી શકી નથી. બીજી તરફ પોલીસે 350 રિક્ષા ચાલકો અને 800થી વધુ લોકોની પૂછતાછ કરી છે. વડોદરા અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ હજુ તપાસ કરી રહી છે. બીજી તરફ હજુ એફએસએલનો રિપોર્ટ ના મળતાં પોલીસ રિપોર્ટની રાહ જોઇ રહી છે. પોલીસની ટીમે ઓએસિસની અન્ય સ્થળે આવેલી ઓફિસમાં પહોંચી પૂછપરછ કરી દસ્તાવેજો કબજે કર્યા હતા. પોલીસ સોમવારે પણ વેક્સિન ગ્રાઉન્ડ પહોંચી હતી અને સંસ્થાના કાર્યકરોની પણ તપાસ ચાલી રહી છે.

ટીમમાં કોણ કોણ?

 • સુભાષ ત્રિવેદી, આઇ.જી,CID ક્રાઇમ
 • પરિક્ષીતા રાઠોડ, એસ.પી, વડોદરા રેલવે
 • જયદીપસિંહ જાડેજા, ડી.સી.પી ક્રાઇમ, વડોદરા
 • બી.એસ જાદવ, ડી.વાય.એસ.પી, વડોદરા રેલવે
 • મુકેશ ચૌધરી, ડીવાયએસપી, રેલવે
 • એસ.બી જાડેજા, પી.આઇ, વડોદરા રેલવે
 • કે.એમ ચૌધરી, પી.આઇ, સુરત રેલવે
 • ઉત્સવ બારોટ, પીઆઇ, રેલવે એલસીબી
 • જે.બી વ્યાસ, PSI, વલસાડ રેલવે

સાઇકલ મળી પણ પીડિતાની ન નીકળી
પોલીસે જણાવ્યું હતું કે પોલીસને મેદાન પાસેના બંગલાના વોચમેન પાસેથી શંકાસ્પદ સાયકલ મળી હતી. જેથી વોચમેનને પુછતાં આ સાયકલ મેદાન પાસે પડેલી હોવાથી તેણે લીધી હોવાનું પોલીસને જણાવ્યું હતું જો કે સાઇકલ રિપેરીંગ કરનારા અને સંસ્થાના કાર્યકરોને પણ સાયકલ બતાવી હતી પણ બંનેએ આ સાયકલ પિડીતાની ના હોવાનું જણાવ્યું હતું. પોલીસ તપાસનો ધમધમાટ શરુ થતાં સંસ્થાની કાર્યકરો હવે રાત્રે ઘેર જતી રહેતી હોવાનું પણ પોલીસના ધ્યાનમાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...