વિદેશી દારૂની હેરાફેરી:વડોદરાના કરજણ પાસેથી ડાયપરની આડમાં રાજસ્થાનથી લવાતો 10.71 લાખની કિંમતનો વિદેશી દારૂ ઝડપાયો

વડોદરાએક મહિનો પહેલા
વિદેશી દારુ સાથે ઝડપાયેલ આરોપી
  • કન્ટેનરમાં ચોરખાનું બનાવી વિદેશી દારુની 172 પેટી લઇ જવાતો હતો

વડોદરા શહેર-જિલ્લા પોલીસ તંત્રની બાજ નજર હોવા છતાં રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને પંજાબ-હરીયાણાથી દારૂની હેરાફેરીમાં કોઇ ઘટાડો થયો નથી. વડોદરા જિલ્લા ક્રાઇમ બ્રાંચે નેશનલ હાઇવે ઉપર કરજણ ચોકડી પાસે બાતમીના આધારે વોચ ગોઠવી કન્ટેનરમાં ડાયપરની આડમાં લઇ જવાતો રૂપિયા 10.71 લાખની કિંમતનો વિદેશી દારુનો જંગી જથ્થો ઝડપી પાડ્યો હતો. વિદેશી દારુનો જથ્થો સહીસલામત નિર્ધારીત સ્થળે પહોંચતો કરવા માટે કન્ટેનરમાં ચોરખાનું બનાવી દારૂ લઇ જવામાં આવતો હતો. આ બનાવમાં પોલીસે કન્ટેનર ચાલકની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.

વિદેશી દારુ સુરત તરફ લઇ જવાતો હતો
જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચના પી.આઇ. ક્રૃણાલ પટેલે જણાવ્યું હતું કે, જિલ્લા પોલીસ વડા રોહન આનંદ દ્વારા વડોદરા જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તીઓ અટકાવવા માટે સુચના આપવામાં આવી છે. જે સુચના અનુસાર જિલ્લા પોલીસ તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચના અનાર્મ હેડ કોન્સ્ટેબલ ભુપતભાઇ વિરમભાઇને માહિતી મળી હતી કે, રાજસ્થાનનું એક કન્ટેનર વિદેશી દારૂ લઇને વડોદરાથી સુરત તરફ જવાનું છે. જે માહિતીના આધારે પી.એસ.આઇ. પી.જે. ખરસાણ અને એ.એમ. પરમાર તથા એલ.સી.બી. સ્ટાફની કરજણ ચોકડી પાસે વોચ ગોઠવી દેવામાં આવી હતી.

કન્ટેનરમાં ચોરખાનું બનાવી વિદેશી દારૂ લઇ જવાતો હતો
કન્ટેનરમાં ચોરખાનું બનાવી વિદેશી દારૂ લઇ જવાતો હતો

જિલ્લા પોલીસ ચોંકી ઉઠી
દરમિયાન બાતમીવાળું કન્ટેનર આવી પહોંચતા તેને રોકવામાં આવ્યું હતું. કન્ટેનરમાં તપાસ કરતા તેમાં ડાયપર ભરેલા બોક્સ જણાઇ આવ્યા હતા. એક સમયે કન્ટેનરમાં ડાયપરનો જથ્થો હોવાનું જ જણાઇ આવ્યું હતું. પરંતુ, કન્ટેનરમાં વધુ તપાસ કરતા કન્ટેનરની પાછળના ભાગમાં બનાવેલ ચોરખાનું મળી આવ્યું હતું. આ ચોરખાનામાંથી વિદેશી દારુની 172 પેટી મળી આવી હતી. ચોરખાનામાંથી વિદેશી દારૂનો જંગી જથ્થો મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

રાજસ્થાનના બંશીએ દારુ ભરાવ્યો હતો
પી.આઇ. કૃણાલ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, પોલીસે રૂપિયા રૂપિયા 10,71,840 કિંમતનો વિદેશી દારૂ, રૂપિયા 13,02,216 કિંમતના ડાયપરના 695 બોક્સ, મોબાઇલ ફોન અને રૂપિયા 15 લાખની કિંમતનું કન્ટેનર મળી કુલ્લે રૂપિયા 38,84,056 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. તે સાથે કન્ટેનરના ચાલક શ્રવણકુમાર ઉગમા પ્રજાપતિ (રહે. ગીરધરપુરા, જિ. ભીલવાડા, રાજસ્થાન) ની ધરપકડ કરવામાં આવી હતી. કન્ટેનર ચાલકની પૂછપરછ કરતા તેણે આ વિદેશી દારૂનો જથ્થો રાજસ્થાનના બંશીએ ભરાવ્યો હોવાનું જણાવ્યું હતું. જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચે આ બનાવ અંગે કરજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. કરજણ પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...