શહેરમાં સતત ત્રીજા દિવસે 9 ડિગ્રી સાથે ઠંડીનો પારો સિંગલ ડિજિટમાં નોંધાયો હતો. હાડ થીજાવતી ઠંડી વચ્ચે 16મી સુધી કોલ્ડ વેવની અસર રહેશે. જેના પગલે ઉત્તરાયણમાં પણ શહેરીજનોને કડકડતી ઠંડીનો સામનો કરવો પડશે.ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં બરફ વર્ષાના પગલે શહેરમાં કાતિલ ઠંડીનો સામનો શહેરીજનો કરી રહ્યા છે. સતત 3 દિવસથી ઠંડીનો પારો 10 ડિગ્રીથી નીચે નોંધાતાં હાડ થીજાવતી ઠંડી પડી રહી છે. સોમવારે સિઝનનો કોલ્ડેસ્ટ ડે નોંધાયો હતો, મંગળવારે લઘુતમ તાપમાન 9 ડિગ્રી નોંધાયું હતું.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે 16મી સુધી રાજ્યમાં કોલ્ડ વેવની અસર જોવા મળશે, જેના પગલે ઠંડા પવન ફૂંકાશે અને કાતિલ ઠંડીનો સામનો કરવો પડશે. મંગળવારે મહત્તમ તાપમાન 23.8 ડિગ્રી નોંધાયું હતું, જેના પગલે દિવસે પણ ઠંડીનો અહેસાસ થયો હતો. હવામાં ભેજનું પ્રમાણ સવારે 74 ટકા અને સાંજે 39 ટકા નોંધાયું હતું. મંગળવારે ઉત્તર તરફથી 14 કિમીની ઝડપે ઠંડા પવનો ફૂંકાયા હતા. બુધવારે પણ લઘુતમ તાપમાન 8 થી 10 ડિગ્રી વચ્ચે રહે તેવી શક્યતા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.