વડોદરામાં ગઇકાલે બગીખાના પાસે આવેલી રાજસ્થંભ સોસાયટી બાદ આજે કારેલીબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા નવી ધરતીમાં બંધ ઘરમાં ચોરીની ફરિયાદ નોંધાઇ છે. આ ઉપરાંત સમા વિસ્તારમાં પણ 1 લાખ 98 હજારની ચોરી થઇ છે.
વેકેશનમાં ચોરીના બનાવ વધ્યા
વેકેશનની સિઝન શરૂ થતાં જ વડોદરા શહેરમાં ચોરીની ઘટનાઓ પણ વધી ગઇ છે. એક તરફ શહેર પોલીસ કમિશનર શમશેરસિંઘે ટ્વીટ કર્યું હતું કે, જો આપના સોસાયટીના રહેવાસી રજાઓમાં અથવા બહારગામ ગયા હોય અને ઘરે તાળું લાગેલું હોય એવા મકાનોની જાણ નજીકના પોલીસ સ્ટેશનમાં અથવા 100 નંબર ડાયલ કરી પોલીસને જાણ કરવી. જેથી ત્યાં પેટ્રોલિંગ રાખીને ઘરફોડ જેવી ઘટનાઓ ટાળી શકાય.
38 હજાર 500ના મુદ્દામાલની ચોરી
ત્યારે બીજી તરફ ગઇકાલે નવાપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી રાજસ્થંભ સોસાયટીમાં સોના-ચાંદીના દાગીનાની ચોરી થઇ હતી. તેમજ આજે શહેરના કારેલીબાગ વિસ્તારમાં નવીધરતી નાગરવાડા સ્થિત ચતુરભાઇની ચાલીમાં લગ્ન પ્રસંગમાં ગયેલ સેલ્સમેન વિપુલભાઇ રાવળના ઘરના નકુચા તોડી ચોરી થઇ છે. જેમાં ઘરમાંથી એક તોલા સોનાની કુબેર ભગવાનની મૂર્તિ, એક તોલાની સોનાની લક્ષ્મીજીની મૂર્તિ તેમજ સોના-ચાંદીના દાગીના ચોરાઇ ગયા હતા. કારેલીબાગ પોલીસે આ મામલે 38 હજાર 500ના મુદ્દામાલની ચોરીની ફરિયાદ નોંધી છે.
સમા વિસ્તારમાં પણ 1 લાખ 98 હજારની ચોરી
વડોદરા શહેરના સમા વિસ્તારમાં આવેલા પટેલ ફળિયામાં રહેતા ખાનગી હાઉસિંગ ફાઇનાન્સ કંપનીમાં કલસ્ટર મેનેજર હાર્દિક કૈશિકભાઇ પટેલ અમદાવાદ ખાતે પત્ની સાથે સાસરીમાં ગયા હતા. ગત રાત્રે કોઇ અજાણ્યો ચોર ઘરના મકાનનું તાળું તોડી સોનાની દોઢ તોલાની ચેઇન, સોનાનું દોઢ તોલાનું મંગળસૂત્ર, એક તોલાની હાથની લક્કી, વીંટી તેમજ રોકડ 21 હજારની ચોરી કરી ફરાર થઇ ગયો હતો. પોલીસે આ મામલે 1 લાખ 98 હજારના મુ્દ્દામાલની ચોરી થયાની ફરિયાદ નોંધી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.