ચૂંટણી પહેલાં કર્મભૂમીમાં મોદી:2014 બાદ પ્રથમવાર વડોદરામાં 18 જૂને PMનો રોડ શો, એરપોર્ટથી લેપ્રસી ગ્રાઉન્ડ સુધી રહેણાંક વિસ્તારોમાંથી રોડ શો પસાર થશે

વડોદરા18 દિવસ પહેલા
વડાપ્રધાન મોદીના રોડ શોની ફાઈલ તસવીર.
  • આ વર્ષે ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે તે પહેલા વડોદરામાં રોડ શો
  • વડાપ્રધાન મોદી વર્ષ 2014માં વડોદરાની સાથે વારાણસી બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા

એક તરફ ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ષ 2014 બાદ પ્રથમ વખત સત્તાવાર રીતે આગામી 18 જૂને રોડ શો યોજશે. ત્યારબાદ સભામાં પણ ચારથી પાંચ લાખ લોકોની જનમેદની સંબોધિત કરશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતથી દિલ્હી સુધીની સત્તાનું સુકાન સંભાળવા દરમિયાન વર્ષ 2014માં વડોદરા બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડી હતી. સાથે જ તેમણે ઉત્તર પ્રદેશની વારાણસી બેઠક પરથી પણ ચૂંટણી લડી હતી. બંને બેઠકો પર જંગી મતોથી વિજય બાદ તેમણે વડોદરા બેઠક છોડી હતી. પરંતુ આ સમયે તેમણે કહ્યું હતું કે વડોદરા મારી કર્મભૂમી છે. ત્યારે આગામી મહિનાઓમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે કર્મભૂમી વડોદરામાં વડાપ્રધાન મોદી 18 જૂનના રોજ આવી રહ્યા છે.

એરપોર્ટથી લેપ્રસી ગ્રાઉન્ડ સુધી સાડા પાંચ કિ.મી.નો રોડ શો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 18 જૂનના રોજ વડોદાર એરપોર્ટથી સંગમ ચાર રસ્તા થઇ લેપ્રસિ ગ્રાઉન્ડ સુધી સાડા પાંચ કિલોમીટરનો રોડ શો યોજાવાના છે. અહીં નોંધવુ રહ્યું કે વર્ષ 2014માં વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદીનો વડોદરામાં આ પ્રથમ સત્તાવાર રોડ શો છે. એટલે કે 8 વર્ષ બાદ આટલું મોટું આયોજન કરવામાં આવ્યું છે. રોડ શો અંગે માહિતી આપતા વડોદરાના મેયર કેયુર રોકડિયાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનના રોડ શોમાં એક લાખ લોકો સામેલ થશે.

જનસભામાં ચારથી પાંચ લાખ લોકોની જનમેદની ઉમટશે
વધુમાં જણાવ્યું હતું કે, રોડ શોના સમગ્ર રૂટમાં બંને તરફ ભારતની ઝાંખીઓ અને સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવશે. વડાપ્રધાન આ તમામ લોકોનું અભિવાદન ઝિલશે. ત્યાર બાદ લેપ્રેસિ ગ્રાઉન્ડ ખાતે જનસભાને સંબોધિત કરશે. જેમાં ચારથી પાંચ લાખ લોકોની જનમેદની ઉમટશે. જ્યાં ગંગાસ્વરૂપ બહેનો અને લાભાર્થી મહિલાઓ પણ હાજર રહેશે. સાથે જ વડોદરા અને તેની આસપાસના શહેરો અને ગામડાઓમાંથી પણ લોકો આવશે. તેમના વાહનોની એન્ટ્રી-એક્ઝિટ અંગે પણ તૈયારીઓ કરાઇ રહી છે. ઉલ્લેખનીય છે કે રોડ શોના રૂટ પર બંને તરફ રહેણાંક મકાનો હોવાથી લોકો પોતાના ઘરના આંગણેથી જ વડાપ્રધાનનું સ્વાગત કરી શકશે.

રૂટનું સમારકામ શરૂ
એરપોર્ટથી લેપ્રસી ગ્રાઉન્ડ સુધીના રૂટમાં રસ્તાઓના પેચવર્ક ઠીક કરવાથી લઇને વૃક્ષોના ટ્રીમિંગની કામગીરી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. સાથે જ લેપ્રસી ગ્રાઉન્ડને સમથળ કરી ત્યા સ્ટેજ બનાવવાની કામગીરીની પણ શરૂઆત કરી દેવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...