સારાભાઇ કંપનીમાં પહેલો પ્રયોગ:વડોદરામાં પહેલીવાર કેમિકલ પ્રોડક્ટ કેલ્શિયમ કાર્બાઇડ બની

વડોદરા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વડીવાડીના જે મકાનમાં પ્રયોગ થયો હતો, આજે ત્યાં મોલ છે
  • USની કંપની સાથે જોડાણ કરી એન્ટિબાયોટિક બનાવાઈ હતી

વીસમી સદીના પહેલા દાયકાથી વડોદરામાં ઔદ્યોગિક વિકાસના પગરણ મંડાઇ ચૂક્યા હતા. વડોદરાના ગોરવા-વડીવાડી વિસ્તારોમાં આ ઔદ્યોગિક વિકાસને લીધે ઇન્ડસ્ટ્રિયલ યુનિટો, ફાર્મા યુનિટો ધમધમતા થયા હતા. 1940ની આસપાસ સયાજીરાવ ગાયકવાડ બાદ વડોદરાની ગાદીએ આવેલા પ્રતાપસિંહરાવે તે સમયના ઉદ્યોગપતિ અંબાલાલ સારાભાઇનો સંપર્ક સાધીને તેમને વડોદરામાં કારખાનું ખોલવા માટે આમંત્રિત કર્યા અને જરૂરી પ્રોત્સાહનના ભાગરૂપે વડીવાડી વિસ્તારમાં મોટી જમીન ફાળવી આપી હતી.

આ જ જગ્યાએ સારાભાઇ કેમ્પસ શરૂ થયું. પછીના વર્ષોમાં આ યુનિટની બાગડોર વિક્રમ સારાભાઇએ સંભાળી હતી. આ વિશે કંપનીના ડાયરેક્ટર ચૌલાબેન શાસ્ત્રી કહે છે કે, ‘ તે સમયે કંપનીની પ્રથમ પ્રોડક્ટ કેલ્શિયમ કાર્બાઇડ હતી. તે સમયે હાલમાં ઓનેસ્ટ પાઉંભાજીની સામેના ભાગે કંપનીનો મુખ્ય ગેટ હતો. ત્યાંથી નજીકમાં આ જગ્યા હતી. પણ તે સમયે કયા કયા સાયન્ટિસ્ટ હતા તેની નોંધ આજે ઉપલબ્ધ નથી.’ આ કંપનીમાં લાંબો સમય કાર્યરત રહેલા અને હાલમાં 92 વર્ષની વયના એક નિવૃત્ત અધિકારીએ જણાવ્યું કે, હાલની એક પાઉંભાજીની રેન્ટોરન્ટના ગેટની સામે સારાભાઈ કંપનીનો મેઈન એન્ટ્રન્સ હતો. અા મેઇન એન્ટ્રન્સથી 100 મીટર અંદરના ભાગમાં જમણી બાજુએ એક પતરાવાળી ઇમારત હતી. એ ઇમારતમાં આ પ્રોડક્ટ પહેલવહેલી વાર બની હતી.

જ્યારે પછીના વર્ષોમાં નાડકર્ણી નામના એક વૈજ્ઞાનિકે ઉચ્ચ અધિકારી તરીકે સારાભાઇ કેમ્પસમાં ખાસી નામના મેળવી હતી.’ અમેરિકાની સ્ક્વીબ નામની કંપની સાથે કરાર-જોડાણ કરીને એન્ટિબાયોટિક્સ દવાઓનું પણ ઉત્પાદન શરૂ કર્યું હતું. શરૂઆતમાં રો મટિરિયલ કંપનીમાંથી આવતું હતું. તેને સ્ટરિલાઇઝ કરીને તેનો ઉપયોગ કરવામાં આવતો હતો.

ત્યારબાદના વર્ષોમાં તો સારાભાઇ ઔદ્યોગિક કેમ્પસમાં સંખ્યાબંધ પ્રોડક્ટ્સ તૈયાર થઇ હતી. આઝાદી પહેલાના વર્ષોના આ સમયમા જ વડોદરામાં સારાભાઇ ગ્રૂપ ઓફ કંપનીઝ રાષ્ટ્રીય સ્તરે એક ઓળખ મેળવી ચૂકી હતી. હવે આ કેમ્પસની જગ્યાએ મોલ અને મલ્ટિસ્ટોરી ઇમારતો ઉભી થઇ ગઇ છે.

એક સમયે પરિસરમાં 2000 જેટલા કર્મચારીઓ કામ કરતા હતા
સારાભાઇ કેમ્પસમાં એક સમયે 2 હજાર જેટલા કર્મચારીઓ વિવિધ યુનિટોમાં કામ કરતા હતા. વર્ષો સુધી જ્યારે સારાભાઇ કેમ્પસમાં પાળી છૂટતી હતી ત્યારે સાઇકલ પર એક સાથે નીકળતા કામદારોનો નજારો વિતેલા વર્ષોના લોકોની નજર સમક્ષ આજે પણ તરવરે છે. આ સાઇકલોની લાઇનનો એક છેડો હજી વડીવાડીમાં હોય ત્યારે બીજો છેડો અલકાપુરી ગરનાળુ ક્રોસ કરતો હોય. ત્યારબાદ યુનિયનબાજીની ખેંચતાણોની સમાંતરે ધીમે ધીમે યુનિટો બંધ થતા ગયા અને કર્મચારીઓ ઘટતા ગયા.

અન્ય સમાચારો પણ છે...