વિધાનસભા ચૂંટણી:ગુજરાતમાં પ્રથમવાર વડોદરા ચૂંટણી તંત્રએ પોડકાસ્ટ બનાવ્યા, આ વખતે 58 હજાર યુવા પ્રથમ વખત મતદાન કરશે

વડોદરા14 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને અનુસંધાને વડોદરામાં કલેક્ટર તંત્ર દ્વારા એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. વડોદરા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા લોકશાહીના મહાપર્વમાં કર્તવ્યપારાયણતાને પોડકાસ્ટમાં ઉતારવામાં આવી છે. લોકતંત્રના પ્રહારીઓની વાત કરતા આ પોડકાસ્ટમાં 20 પ્રહરિઓની વાર્તાઓને આવરી લેવામાં આવી છે. આ પોડકાસ્ટને કલેક્ટર અતુલ ગોર અને નિવાસી અધિક કલેક્ટર ડો. બી. એસ. પ્રજાપતિ દ્વારા લોન્ચ કરવામાં આવ્યા હતા. આ પોડકાસ્ક વિવિધ રેડિયો ચેનલ અને ઓટીટી પ્લેટફોર્મ ઉપર સાંભળી શકાશે.

બાણેજનો ઉલ્લેખ
એક પણ મતદાર મતદાનથી વંચિત ના રહે તેવા ઉદ્દાતભાવથી ચૂંટણી તંત્ર દ્વારા જે વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવે છે, તેની વાતો આ પોડકાસ્ટમાં આવરી લેવામાં આવી છે. જેમાં નીઓટેક સંસ્થાનો સહયોગ મળ્યો છે. આ પોડકાસ્ટમાં ગિરજંગલના મધ્યમાં આવેલા બાણેજ તીર્થના મંદિરના એક માત્ર પૂજારી માટે કરવામાં આવતી મતદાનની વ્યવસ્થા, હિમાચલ પ્રદેશના દુર્ગમ વિસ્તારોમાં ચૂંટણી પ્રક્રીયા કેવી રીતે યોજવામાં આવે છે ?, એક મતના કારણે થતી હારજીતથી મતની કિંમત કેવી હોય છે ? સહિતની બાબતોને કર્ણપ્રિય અવાજથી કહેવામાં આવી છે. આવી ૨૦ સ્ટોરી કહેવામાં આવી છે.

5મીએ અવશ્ય મતદાન કરો
અવરસ અભિયાનના નોડેલ ડો. બી. એસ. પ્રજાપતિએ અમલમાં મૂકેલા આ સુંદર વિચારને પગલે સફળવાર્તાઓને પોડકાસ્ટનું સ્વરૂપ આપવામાં વડોદરા ચૂંટણી તંત્ર રાજ્યમાં પ્રથમ બન્યું છે. કલેક્ટર અતુલ ગોરે ઉક્ત માહિતી આપતા ઉમેર્યું કે, લોકશાહીનો ઉત્સવ ઉજવવા માટે તંત્ર દ્વારા કેવી તૈયારીઓ કરવામાં આવે છે, તેનો આલેખ મળી રહે છે. આ તમામ વ્યવસ્થાઓ મતદારો માટે થાય છે. ત્યારે, વડોદરા જિલ્લાના તમામ મતદારો આગામી તા. 5મી ડિસેમ્બરના રોજ પોતાના મતાધિકારનો ઉપયોગ કરે એ આવશ્યક છે.

વડોદરા શહેર-જિલ્લાના 58 હજાર યુવા મતદારોને મતદાન કરવાનો પ્રેરણાદાયી પત્ર
વડોદરા શહેર-જિલ્લાની દસ વિધાનસભા બેઠકો પર તા. 5 ડિસેમ્બર 2022 ના રોજ સોમવારના દિવસે સામાન્ય ચૂંટણી-2022 નું મતદાન થવાનું છે. ત્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણી અને અવસર અભિયાન સંદર્ભે વડોદરામાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર દ્વારા એક અનોખો અભિગમ અપનાવવામાં આવ્યો છે.

વડોદરા શહેર-જિલ્લાની તમામ વિધાનસભા બેઠકમાં રેકોર્ડબ્રેક મતદાન થાય અને વિધાનસભાની આ ચૂંટણીમાં પ્રથમ વખત મતદાન કરનાર યુવા મતદારો લોકશાહીના આ મહાપર્વમાં પોતાનો કિંમતી અને અમૂલ્ય ફાળો નોંધાવે તે હેતુથી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અતુલ ગોરે વડોદરાના 58 હજારથી વધારે પ્રથમ વખત મતદાન કરનાર યુવા મતદારોને લાગણીસભર પત્ર લખ્યો છે.

મજબૂત લોકશાહી માટે મતદાન જરૂરી
યુવા મતદારોને લખાયેલા આ પત્રમાં કલેક્ટર ગોરે કહ્યું છે કે, આપને પ્રથમ વખત મતદાન કરવાનો સોનેરી અવસર પ્રાપ્ત થયો છે. જેને સાચા અર્થમાં ઉજાગર કરવા આપને મળેલ મતાધિકારનો ઉપયોગ સશક્ત અને તંદુરસ્ત લોકશાહીના નિર્માણમાં થાય તે અત્યંત જરૂરી છે.

સપ્તાહમાં કામગીરી પૂરી કરશે
પત્રમાં જિલ્લા ચૂંટણી અધિકારીએ યુવા મતદારોને તેમના નક્કી કરાયેલા મતદાન મથક પર જઈ તા. 5 ડિસેમ્બરના રોજ સોમવારના દિવસે સવારના 8 કલાકથી સાંજના 5 વાગ્યા સુધીમાં મતદાન કરવા અપીલ કરી છે. તેમજ તેમના કુટુંબીજનો, સગા-સંબંધી, મિત્ર મંડળ અને પાડોશીઓને આ લોકશાહીના રૂડા અવસરને સાચા અર્થમાં ચરિતાર્થ કરવાના ભાગરૂપે મતદાન કરે તે માટે પ્રેરિત કરવા નૈતિક જવાબદારી પણ યુવા મતદારોને કલેક્ટરે સોંપી છે. આ પત્રો બુથ લેવલ ઓફિસરો મારફત મતદાર સ્લીપ સાથે યુવાનોને પહોંચાડાશે. આ કામગીરી આગામી આઠ-દસ દિવસમાં વિતરણ કરી દેવાશે.