ઐતિહાસિક નિર્ણય:બરોડાના ક્રિકેટ ઈતિહાસમાં પહેલીવાર BCA સ્વ. જે.ટી.પટેલની સ્મૃતિમાં અન્ડર 12 બોયઝ ઇન્વિટેશન ટુર્નામેન્ટ યોજશે

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
સ્વ. જીતેન્દ્ર ટી પટેલ (પોપ ભાઇ). - Divya Bhaskar
સ્વ. જીતેન્દ્ર ટી પટેલ (પોપ ભાઇ).

ડૉ. જીતેન્દ્રભાઈ પટેલની સ્મૃતિમાં અને સમાજ તથા વડોદરામાં ક્રિકેટમાં તેમના યોગદાનને યાદ રાખવા માટે BCA ડૉ. જે.ટી. પટેલ અંડર-12 બોયઝ ઇન્વિટેશન ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરી રહ્યું છે. બરોડાના ક્રિકેટ ઈતિહાસમાં પહેલીવાર એવું બન્યું છે કે BCA અંડર 12 ઈન્ટર ક્લબ ટુર્નામેન્ટનું આયોજન કરશે. આ 25 ઓવરની ટુર્નામેન્ટમાં 26 ક્લબો ભાગ લેશે. જે યુવા મહત્વાકાંક્ષી બાળકોને પ્લેટફોર્મ અને સ્પર્ધાત્મક ક્રિકેટ એક્સપોઝર પ્રદાન કરશે.

મૂલ્યવાન માર્ગદર્શક રહ્યા
આ અંગે બરોડા ક્રિકેટ એસોશિયેશન (BCA)ના પ્રેસિડેન્ટ પ્રણવ અમીને જણાવ્યું હતું કે, પૉપ કાકાએ મને ઘણી વખત BCA સંબંધિત બાબતો માટે મૂલ્યવાન માર્ગદર્શન આપ્યું હતું. BCAમાં અમારામાંથી ઘણા અને વડોદરાના ઘણા નાગરિકો માટે તેઓ પિતા સમાન હતા. તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે અમે બધા BCA ખાતે તેમની યાદમાં સંયુક્ત રીતે આ ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે.

બરોડા ક્રિકેટ એસોશિયેશનના પ્રેસિડેન્ટ પ્રણવ અમીન.
બરોડા ક્રિકેટ એસોશિયેશનના પ્રેસિડેન્ટ પ્રણવ અમીન.

પાંચ મેદાન પર મેચો રમશે
આ ટુર્નામેન્ટ બુધવાર 16મી નવેમ્બર 2022થી એલેમ્બિક ક્રિકેટ ગ્રાઉન્ડ પર શરૂ થવાની છે. ટુર્નામેન્ટ એમપીસીજી ગ્રાઉન્ડ, સંગ્રામ સિંહ ગાયકવાડ સ્પોર્ટ્સ એકેડમી, ડીએન હોલ (એમએસ યુનિવર્સિટી), એલેમ્બિક ગ્રાઉન્ડ અને રેલ્વે ગ્રાઉન્ડ એમ 5 ગ્રાઉન્ડ પર યોજવામાં આવશે.

BCAમાં મહત્વનું યોગદાન
સ્વ. જે.ટી. પટેલ (પોપ ભાઈ)ના સાળા ડૉ. આનંદ રાવે જણાવ્યું હતું કે, ઠાકોર ભાઈ પટેલના અવસાન પછી, પોપ ભાઈ અમારા પરિવાર તરફથી સેવાકીય પ્રવૃત્તિઓનું નેતૃત્વ કર્યું હતું. તે અમારા બધા માટે માર્ગદર્શક વ્યક્તિ હતા અને અમારા પરિવારના વટવૃક્ષ જેવા હતા. BCAને એક સંયુક્ત સંસ્થા રાખવામાં અને BCCI તરફથી નિયમિત માન્યતાઓ મેળવવામાં તેમનું યોગદાન નોંધપાત્ર છે.

કોણ હતાં જીતેન્દ્ર પટલે જેમને બધા પોપ ભાઇના નામે ઓળખતા
સ્વ. જીતેન્દ્ર ટી પટેલ, જેઓને બધા પ્રેમથી પોપ ભાઈ તરીકે ઓળખાતા હતા. તેઓ વડોદરાની કલ્પના અને ઉમા નર્સિંગ હોમ સાથે સંકળાયેલા અગ્રણી M.D ફિઝિશિયન હતા. તેમણે શિક્ષણ ક્ષેત્રે તેમનું નોંધપાત્ર યોગદાન આપ્યું હતું. વડોદરાની ઘણી શૈક્ષણિક સંસ્થાઓ જેમ કે સરદાર વિનય મંદિર, મહાત્મા ગાંધી શાળા, કેળવણી ટ્રસ્ટ વિદ્યાલય, ડૉ. ઠાકોરભાઈ પટેલ કોમર્સ કોલેજ, એસએનડીટી કોલેજ વગેરે સાથે સંકળાયેલા હતા.

BCAમાં પ્રમુખ રહ્યા
તેઓ અન્ય સેવાભાવી સંસ્થાઓ જેવી કે વડુવાળા આંખની હોસ્પિટલ, ઈન્દુમતી ઠાકોરભાઈ પટેલ ટ્રસ્ટ જેવી સેવા ભાવિ સંસ્થાઓ સાથે પણ સંકળાયેલા હતા. જિતેન્દ્ર પટેલ બરોડા ક્રિકેટ એસોસિએશનમાં મશાલધારક હતા અને બરોડા ક્રિકેટ એસોસિએશનના ઉપપ્રમુખ અને પ્રમુખ જેવા મહત્વના હોદ્દા પર હતા. ત્યારે તેમણે નોંધપાત્ર માર્ગદર્શન અને સતત યોગદાન આપ્યું હતું.