ભાસ્કર એક્સક્લૂઝિવ:ગુજરાતની 250 નર્સિંગ કોલેજોમાં પહેલીવાર તમામ 20 હજાર સીટો ફૂલ, અગાઉ 5000 ભરાતી હતી; દેશ-વિદેશનાં પેકેજ દોઢ ગણા થયા

વડોદરા10 દિવસ પહેલાલેખક: અર્પિત પાઠક  
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • આજે વિશ્વ નર્સ દિવસ - પહેલીવાર એપ્રિલ સુધી ચાલ્યા એડમિશન, આદિવાસી વિસ્તારોમાં 100 નર્સિંગ કોલેજ શરૂ થઈ
  • USમાં 32 ડોલર પ્રતિ કલાક તો લંડનમાં 22 પાઉન્ડ પ્રતિ કલાકનું પેકેજ મળી રહ્યું છે

કોરોના મહામારીને પગલે માત્ર ગુજરાત નહીં દુનિયાભરમાં નર્સની માગમાં મોટાપાયે વધારો થયો છે. જેના કારણે પહેલીવાર રાજ્યની 250 નર્સિંગ કોલેજોની તમામ બેઠકો ભરાઈ ગઈ છે. નર્સિંગ કોલેજમાં બીએસસી નર્સિંગ, જીએનએમ અને એએનએમની મેનેજમેન્ટ ક્વોટા સહિતની તમામ 20 હજાર સીટ પ્રથમ વખત ફૂલ થઇ છે. ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલે 7 એપ્રિલ સુધી એડમિશન ચાલુ રાખવા માટે મંજૂરી આપતાં નર્સિંગ કોલેજમાં ભારે ધસારો જોવા મળ્યો હતો.

અગાઉ જાન્યુઆરી સુધીમાં એડમિશન પ્રક્રિયા પૂર્ણ થઈ જતી હતી. મેનેજમેન્ટ કવોટામાં એડમિશન મેળવવા માટે વિદ્યાર્થીઓ રૂા. 75 હજારથી રૂા. 2 લાખ સુધી ડોનેશન પણ ચૂકવ્યાં હતા. ગુજરાત નર્સિંગ એસોસિએશનના અગ્રણી ઇકબાલ કડીવાલાના જણાવ્યા મુજબ નર્સિંગ સ્ટાફની માગ વધતાં રાજ્યમાં છેલ્લાં 3 વર્ષમાં 250 જેટલી નવી કોલેજ શરૂ થઇ છે.

વિદેશમાં નર્સો માટેના પેકેજ
અમેરિકા : 1 કલાકના 32 ડોલર
યુકે : 1 કલાકના 22 પાઉન્ડ, 3 મહિના ભોજન-આવાસ ફ્રી
ગલ્ફ : વિનામૂલ્યે ઘર સાથે માસિક 2થી 3 લાખનું પેકેજ

રાજયની ટોચની 5 નર્સિંગ કોલેજની સ્થિતિ
યુનિ.કુલ સીટ

પારૂલ યુનિ. વડોદરા - 100
સુમનદીપ વિદ્યાપીઠ, વડોદરા - 100
માલીબા, બારડોલી - 60
એસએસ અગ્રવાલ, નવસારી - 60
સીએેમ પટેલ, ગાંધીનગર - 60
આ પાંચેય યુનિ.માં સંપૂર્ણ સીટ ભરાઇ ગઇ છે.

નવી કોલેજો શરૂ થતાં રાજસ્થાન, બેંગલુરુ જવાની જરૂર નહીં
ગુજરાતના આદિવાસી પટ્ટામાં સુરતના વ્યારા, વલસાડ, ઉત્તર ગુજરાતના પાલનપુર, ડીસા, હિંમતનગર, ઇડર, ધાનેરા, દાહોદ, ગોધરા, અરવલ્લી સહિતના વિસ્તારોમાં 100 ઉપરાંત નર્સિંગની કોલેજો નવી શરૂ થઈ છે, જેને પગલે રાજસ્થાન અને બેંગ્લોર ભણવા જતા વિદ્યાર્થીઓ અને આદિવાસી દીકરીઓને ગુજરાતમાં જ નર્સિંગનું ભણતર મળી રહે છે.

કોરોના બાદ અમેરિકા-લંડનમાં 150 નર્સ સ્થાયી થઈ
કોરોના મહામારી દરમિયાન નર્સોની માગ વધતાં અમેરિકા લંડનમાં દોઢસો જેટલી નર્સ સ્થાયી થઈ છે તેમના પરિવારજનો પણ આ ઈએલએસએસ અને ટોફેલ એક્ઝામ આપી વિદેશમાં રહેતા થયા છે. - કમલેશ પરમાર, મેલ નર્સ, સેક્રેટરી નર્સિંગ એસોસિયેશન

એઇમ્સમાં પ્રથમ વખત ગુજરાતની 20 નર્સ સિલેક્ટ
ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સની પરીક્ષામાં અત્યાર સુધી જોધપુર-દિલ્હીની નર્સ પાસ થતી હતી, પરંતુ પહેલી વખત ગુજરાતની 20 છોકરીઓ પાસ થઈ છે. એઇમ્સમાં છેલ્લાં 2 વર્ષથી ગુજરાતની છોકરીઓ પાસ થઈ રહી છે. - ઈકબાલ કડીવાલા, વાઇસ પ્રેસિડેન્ટ, ઓલ ગુજરાત નર્સિંગ એસોસિયેશન

​​​​​​​કેટલાક દેશ એક્સપ્રેસ એન્ટ્રી આપે છે
કોરોના મહામારી બાદ દેશમાં તો તક વધી છે, પરંતુ વિદેશમાં પણ કેટલાક દેશ એક્સપ્રેસ એન્ટ્રી આપતા થયા છે, જેને કારણે આઈએલટીએસ જેવી પરીક્ષાઓ આપણી પડતી નથી. યુકેના નર્સિંગ એસોસિયેશને પણ ડાયરેક્ટ એપોઇન્ટમેન્ટની ઓફર કરી છે. - તેજસ પંડ્યા, પ્રિન્સિપાલ, બેન્કર નર્સિંગ કોલેજ

એમએસસી અને પીએચડી બાદ ડૉક્ટરેટની શક્યતા
મહામારી બાદ તક વધી છે. બીએસસી બાદ એમએસસી નર્સિંગ અને પીએચડી કર્યા બાદ ડોક્ટરેટ સુધીની તક છે. દવાખાના સાથે એજ્યુકેશન ક્ષેત્રે પણ તેઓ કામ કરી શકે છે એડમિશનને કારણે આ વખતે 7 એપ્રિલ સુધી એડમિશન ચાલુ રહ્યા હતા, ઘણા લોકો પરત ગયા છે. -રશ્મિકા શર્મા, પ્રિન્સિપાલ, સિગ્મા કોલેજ

રાજ્ય સરકારે પહેલીવાર એકસાથે 10 હજાર નર્સની ભરતી કરી, અમેરિકા, યુકે અને અખાતી દેશોમાં પણ રાજ્યની નર્સો સ્થાયી થઈ.

અન્ય સમાચારો પણ છે...