વડોદરામાં ફૂડ અને હસ્તકલા ફેસ્ટિવલ:પહેલીવાર LGBTQ કમ્યુનિટીના ચાર સભ્યો ભાગ લેશે, ઓથેન્ટિક ગુજરાતી અને મરાઠી ફૂડ પીરસાશે

વડોદરાએક મહિનો પહેલા
  • હસ્તકલા, સાડીઓ અને વિવિધ પ્રકારના સરબતનું પણ વેચાણ થશે

શહેરના સુરસારગર કિનારે આવેલ ચિમનાબાઇ સ્ત્રી ઉદ્યોગાલયમાં આવતીકાલથી બે દિવસ માટે ઉર્જા 2022 હેઠળ ફૂડ ફેસ્ટિવલની સાથે દેશભરમાંથી હસ્તકલાની વસ્તુઓ, સાડીઓ, સહિતની વસ્તુઓ વેચાણ અર્થે મુકવામાં આવશે. આ આયોજનમાં ખાસ વાત એ હશે કે LGBTQ કમ્યુનિટીના ચાર સભ્યો તેમાં ભાગ લેશે અને લોકોને વિવિધ સ્ટોલ અંગે માહિતગાર કરશે.

ઉર્જા 2022માં દરેક આવી શકશે
વડોદરાના રાજવી પરિવારના મહારાણી રાધિકારાજે ગાયકવાડે જણાવ્યું હતું કે શુક્રવારે બપોરે 1 વાગ્યાથી 8 વાગ્યા સુધી અને શનિવારે સવારે 11 વાગ્યાથી 8 વાગ્યા સુધી આ ફેસ્ટિવલ શરૂ રહેશે. જેમાં તમામ લોકો ફૂડ અને વસ્તુઓ ખરીદવાનો લાભ લઇ શકે છે. આગામી દિવસોમાં નવરાત્રી બાદ અમે અહીં LGBTQ કમ્યુનિટી દ્વારા સંચાલિત ગજરા કેફેની શરૂઆત કરવાનું આયોજન કરીશું.

ઓથેન્ટિક ગુજરાતી અને મરાઠી ફૂડ
પ્રાચી અગ્રવાલે જણાવ્યું હતું કે ફૂડ ફેસ્ટિવલમાં અમે મરાઠી અને વડોદરાનું ઓથેન્ટિક ફૂડ લોકોને મળે તે અંગે ખાસ પ્રયાસ કર્યા છે. જેમાં સંસ્થા સાથે સંકળાયેલ મહિલાઓ ફૂડ બનાવશે. જેમાં ગુજરાતી ફૂડમાં મારુના ભજિયા, ખટ્ટા ઢોકળા, દાબેલી, પટ્ટી સમોસા, સેવ ખમણી, બટાટાની સૂકીભાજીની સાથે મેથીના થેપલા મળશે. જ્યારે મરાઠી વ્યંજનોમાં કોલ્હાપુરી સેવ મિસળ, ભાજની ચે થાલિપીટ, ઘી જલેબી વીથ રબડી, પુરણપોળી, ઉકાડી ચે મોદક મળશે.

વિવિધ પ્રકારના શરબત
વ્હાઇટ રોઝ શરબત, પલ્મ શરબત, જામુન શરબત, લેમન સ્ક્વોશ, મુલેફી સૌફ પણ મહિલાઓ દ્વારા લોકો માટે રજૂ કરવામાં આવશે.

આ મોકો ગજરા કેફેના ટ્રાયલ સમાન
LGBTQ કમ્યુનિટીમાંથી આવતા માયા કોહલીએ જણાવ્યું હતું કે, લક્ષ્ય ટ્રસ્ટમાંથી હું, ભુવનેશ્વર, નતાસા અને સોની બે દિવસ માટે આ ફેસ્ટિવલમાં લોકોને વિવિધ વસ્તુઓની માહિતી આપીશું. જેથી લોકોનું માઇન્ડસેટ પણ બદલાશે કે અમે પણ સામાન્ય લોકોની જેમ જ છીએ. આ માટે ગજરા કેફે માટેનો અમારા માટે ટ્રાયલ પણ થઇ જશે.