‘ધ લક્ષ્મીવિલાસ પેલેસ હેરિટેજ ગરબા 2022’:મહારાણી રાધિકારાજે સહિત 12 મહિલા પહેલીવાર ઐતિહાસિક મોતીબાગ ગ્રાઉન્ડ પર ગરબા યોજશે

વડોદરા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
આ ગરબા ધર્મ માટે લાગણી, આદ્યશક્તિ પર આસ્થા, પરંપરા પ્રત્યેના પ્રેમ અને મહિલા સશક્તિકરણનો પર્યાય છેઃ મહારાણી રાધિકારાજે ગાયકવાડ - Divya Bhaskar
આ ગરબા ધર્મ માટે લાગણી, આદ્યશક્તિ પર આસ્થા, પરંપરા પ્રત્યેના પ્રેમ અને મહિલા સશક્તિકરણનો પર્યાય છેઃ મહારાણી રાધિકારાજે ગાયકવાડ
  • સચિન-આશિતા લિમયે સૂર રેલાવશે : 25 હજાર ખેલૈયા ઘૂમશે
  • ગરબાના આયોજન માટે મહિલાઓના નેતૃત્વમાં કોર કમિટીઓનું નિર્માણ

ધર્મ માટે લાગણી, આદ્યશક્તિ પર આસ્થા, પરંપરા પ્રત્યેના પ્રેમ અને મહિલા સશક્તિકરણની અગાઢ ભાવના સાથે શહેરના મહારાણી રાધિકારાજે ગાયકવાડ અને તેમની મહિલાઓની ટીમ લક્ષ્મીવિલાસ પેલેસ પરિસરમાં આવેલા ઐતિહાસિક મોતીબાગ ક્રિકેટ ગ્રાઉન્ડ પર ‘ધ લક્ષ્મીવિલાસ પેલેસ હેરિટેજ ગરબા 2022’નું આયોજન કરશે. મોતીબાગ ક્રિકેટ ગ્રાઉન્ડ પર ગરબાનું આ પહેલીવખતનું આયોજન હશે. જેનું સંચાલન મહારાણી સહિત 12 મહિલાઓ કરશે.

આ અંગે વાત કરતા મહારાણી રાધિકારાજે ગાયકવાડે જણાવ્યુ હતું કે, મને ખુદને ગરબા રમવાનું ખુબ પસંદ છે. ગરબાના આયોજનની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. પ્રાથમિક તબક્કે 25,000થી 30,000 ખેલૈયાઓ ગરબે રમી શકે તે પ્રકારે આયોજન કરવામાં આવ્યું છે. ખેલૈયાઓને ગરબા રમાડવા માટે શહેરની ગાયક બેલડી સચીન લિમયે તથા આશિતા લિમયેની પસંદગી રાજવી પરિવાર દ્વારા કરી દેવામાં આવી છે.

‘ધ લક્ષ્મીવિલાસ પેલેસ હેરિટેજ ગરબા 2022’ના આયોજનના વિવિધ પાસાઓ માટે મહારાણી રાધિકારાજે ગાયકવાડ સાથે મહિલાઓની સમિતીઓ બનાવવામાં આવી છે. જેની કોર કમિટીમાં આશરે 12 જેટલી મહિલાઓ છે, જે આ સમગ્ર ગરબાના આયોજનને પાર પાડવામાં સિંહફાળો આપશે. 25000 જેટલાં ખેલૈયાઓ આ વર્ષે મોતીબાગ ક્રિકેટ ગ્રાઉન્ડમાં મહિલાઓના નેતૃત્વમાં ગરબે ઘૂમશે તેમ કહેવામાં અતિષયોક્તિ નથી. નોંધનિય છે કે આ આયોજનમાં વૉર્ડ વિઝાર્ડ સંસ્થા પણ જોડાઇ છે. સંસ્થા ગરબાના આયોજન સહિત મહિલા સશક્તિકરણના અભિગમમાં પણ મદદરૂપ થનાર છે.

ગરબાની આવક મહિલા કલાકારોના સશક્તિકરણમાં ઉપયોગમાં લેવાશે
મોતીબાગ પર આયોજિત ગરબાના આયોજન દ્વારા થનાર આવક થકી જ્યાં મહિલા સશક્તિકરણની ધૂણી ધખે છે તે મહારાણી ચિમનાબાઇ સ્ત્રી ઉદ્યોગાલયને મદદરૂપ થવાશે. સ્થાનિક મહિલા કળાકારોને તેમના ઉત્પાદનોનું વેચાણ કરવા માટેનું સંગઠિત માળખું આપી સશક્ત કરાશે.

કોરોનાની સ્થિતિ મુજબ આયોજનમાં ફેરફાર શક્ય
જો કોરોના નડતરરૂપ બનશે તો જે તે સમયે સરકારની જે પ્રકારની ગાઇડલાઇન હશે તે પ્રકારે ગરબાના આયોજનમાં ફેરફાર કરાશે. આ ઉપરાંત ગાયકવાડ પરિવાર સાથે જેમનો ઘરોબો છે તેવા દેશભરના રાજવી પરિવારોને પણ આ ગરબામાં આમંત્રણ આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...