વડોદરા:મરી-મસાલા અને કેરીના રસની દુકાનો પર ફૂડ વિભાગનું ચેકિંગ, નમૂના લઇને તપાસ માટે લેબમાં મોકલ્યા

વડોદરા3 વર્ષ પહેલા

વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા મરી-મસાલાની દુકાનો તેમજ કેરીના રસ વેચતી દુકાનો અને મેંગો મિલ્ક શેક વેચતા વેપારીઓને ત્યાં ચેકિંગ કર્યું હતું. ચેકિંગ દ્વારા મરી-મસાલા તેમજ રસ અને મિલ્ક શેકના નમૂના લઇને તપાસ અર્થે માટે મોકલી આપ્યા છે.
લોકોને ગુણવત્તાયુક્ત અને શુદ્ધ મરી-મસાલા મળે તે માટે આરોગ્ય વિભાગે તપાસ હાથ ધરી
ઉનાળાની સિઝનમાં લોકો મરી-મસાલાની ખરીદી કરે છે. શહેરીજનોને ગુણવત્તાયુક્ત અને શુદ્ધ મરી મસાલા મળે તે માટે આરોગ્ય વિભાગના ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા મરી-મસાલાનું ઉત્પાદન કરતા યુનિટો, તેમજ દુકાનોમાં ચેકિંગ કર્યું હતું. ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા વડોદરા શહેરના વિવિધ વિસ્તારો અટલાદરા રોડ ખાતે આવેલ લાયન મસાલા મિલ, તાંદલજા મહારાજા ચોક ખાતે આવેલ શ્રી ઉમીયા મસાલા એન્ડ પ્રોવિઝન સ્ટોર, ગોત્રી યશ કોમ્પ્લેક્ષ પાસે આવેલ ધવલ મસાલા ગૃહ ઉદ્યોગ, ડભોઇ રોડ ઉપર શ્રીનાથ મસાલા પ્રોડક્ટ, સરદાર એસ્ટેટ પાસે આવેલ અલવી ફૂડ પ્રોડક્ટ, પ્રકાશ મસાલા, છાણી ગામ પાસે શ્રીરામ મસાલા, છાણી રામાકાકાની ડેરી પાસે આવેલા બ્રહ્માણી મસાલા સહિત વિવિધ મસાલા મીલોમાં ચેકિંગ કર્યું હતું. અને મસાલા મિલોમાંથી મરચું, હળદર, ધાણા-જીરૂ પાવડર, હિંગ સહિતના નમૂના લીધા હતા.
કેરીના રસનું વેચાણ કરતા વેપારીઓને ત્યાં પણ ચેકિંગ કર્યું
આ ઉપરાંત ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા કેરીના રસનું વેચાણ કરતી શ્રી જલારામ રસ ભંડાર, બહુચરાજી રોડ ખાતે આવેલ ઉત્તમ ફૂડ પ્રોડક્ટ, ચોખંડીમાં ગણેશ મિલ્ક, વાઘોડિયા ડભોઇ રિંગ રોડ ખાતે આવેલા કૃષ્ણમ ફરસાણ તેમજ નંદકિશોર બેકરી એન્ડ ફરસાણ સહિત વિવિધ વિસ્તારોમાં આવેલી દુકાનોમાંથી રસ તથા મિલ્ક શેકના નમૂના લઇ તપાસ માટે લેબોરેટરીમાં મોકલી આપ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...